નવ જણની બનેલી એક બહોળી ફૅમિલીને કઈ રીતે સાચવવી એની ધારદાર રમૂજ સાથે રજૂઆત અને જેને ઇન્સિડન્ટ-પૅક્ડ કહી શકાય એવું નાટક ‘ફૅમિલી બેમિલી બમ બમ’ આજે રજૂ થઈ રહ્યું છે. ‘ફૂલમણિ’ અને ‘અપૂર્વ અવસર’ જેવાં જુદી તરેહનાં નાટકો આપનારા દિગ્દર્શક મનોજ શાહ દિગ્દર્શિત, જિતુ મહેતા લિખિત અને નિર્મિત તથા રાજેન્દ્ર બુટાલા પ્રસ્તુત આ નાટક ફુલ ફૅમિલી નાટક છે.
નાટક વિશે વાત કરતાં દિગ્દર્શક મનોજ શાહ કહે છે, ‘એક ફૅમિલીમાં નવ મેમ્બર છે અને એ દરેકની નવી વાતો છે. નાટકમાં વાતો તો એટલી બધી છે કે તમને લાગશે કે જાણે ટીવીની ૧૧૪ ચૅનલો સાથે જોઈ રહ્યા છો. નવી-નવી એટલી બધી ઘટનાઓ બને છે કે સતત તમારી સામે કંઈ ને કંઈ નવું બનતું રહેતું લાગશે. નાટકમાં જે પ્રેઝન્ટ થયું છે એમાં સતત નૉવેલ્ટી છે.’
ફૅમિલીને કેવી રીતે સાચવવી એની વાત લઈને જમનાદાસ આવ્યા છે. આ પાત્ર જાણીતી ટીવી-સિરિયલ ‘નુક્કડ’ ફેમ ખોપડી એટલે કે સમીર ખખ્ખર ભજવશે. જીવનનાં મૂલ્યો અને ઇમોશન્સને મૂલવનારા જમનાદાસના પાત્ર વિશે સમીર ખખ્ખરનું કહેવું છે કે વાસ્તવિકતાની ધરતી પર રહીને ઉદારમતવાદી માઇન્ડસેટ ધરાવતું આ પાત્ર લોકોને જરૂર ગમશે. ટીવી-સિરિયલનો બીજો જાણીતો ચહેરો લોકપ્રિય ટીવી-સિરિયલ ‘હમારી દેવરાની’ની પારૂલ એટલે કે કલ્યાણી ઠાકર ચાર વર્ષ પછી આ નાટકમાં નર્મિળા રઘુવંશીના કૅરૅક્ટર સાથે રંગભૂમિ પર આવી રહી છે. મનોજ શાહ કહે છે કે ઘણા સમયથી હું વેકેશન પર નથી ગયો અને મારે જવું છે તેથી લોકો વેકેશન ભરપૂર માણી શકે એવું મનોરંજનથી ફાટ-ફાટ આ નાટક આપ્યું છે.