નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં સંભવત: રથયાત્રા પહેલા નવા મંત્રીઓ કેબિનેટમાં સામેલ થાય તેવું જાણવા મળ્યું છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા ચહેરામાં જેતપુરથી ચૂંટણીમાં વિજયી થયેલા જ્યેશ રાદડિયા અને લીમડીથી વિજેતા થયેલા કિરીટસિંગ રાણાનો સમાવેશ નિશ્ચિત હોવાનું મનાઇ રહ્યું છે.
રાજ્યના જળસંપત્તિ મંત્રી બાબુભાઇ બોખિરીયા સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી હોવાથી તેઓ સ્ટેપડાઉન થઇ શકે છે. કેબિનેટ કક્ષાના આ મંત્રીને 54 કરોડના ખનીજ ચોરી કૌભાંડમાં ત્રણ વર્ષની જેલની સજા થઇ છે. હાલ તેઓ જામીન પર મુક્ત છે અને ઉપલી કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. જો તેઓ સ્ટેપડાઉન થાય તો મોદી સરકારમાં કેબિનેટ કક્ષામાં બે નવા ચહેરા આવી શકે છે તેમજ રાજ્યકક્ષામાં નવા આઠ ચહેરાના સ્થાન મળે તેમ લાગી રહ્યું છે.
લોકસભાની ચૂંટણી 2014માં આવી રહી છે પરંતુ પ્રવાહી પરિસ્થિતિ જોતાં આ ચૂંટણી વહેલી પણ થઇ શકે છે તેથી મુખ્યમંત્રી બોર્ડ-નિગમમાં રાજકીય નિમણૂકો તેમજ મંત્રીમંડળનું વિસ્તરણ ઝડપથી કરશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. જૂનના અંત સુધીમાં વિસ્તરણ અને નિમણૂકો થાય તેવી સંભાવના છે, કારણ કે આવતા મહિનાથી તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રચારઅર્થે અલગ અલગ રાજ્યોમાં પરિભ્રમણ કરનાર છે.
ભાજપને મોટો ડર જેડીયુ અને નિતીશકુમારનો હતો પણ તે ડર હવે સમાપ્ત થઇ ચૂક્યો છે. હવે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરવામાં કોઇ અડચણ આવી શકે તેમ નથી. પાર્ટીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ મોદીની તાજેતરની વરણીને સ્વિકૃતિ આપી દીધી છે. હવે એનડીએના નવા મોરચામાં કઇ કઇ નવી પાર્ટીઓ અને ક્યા નવા ચહેરા જોડાય છે તેનો ઇન્તજાર કરવો રહ્યો. મોદીનું એનડીએ જરા અલગ પ્રકારનું દેખાઇ રહ્યું છે.
પોરબંદર સેસન્સ કોર્ટના ચૂકાદા પછી કેબિનેટ મંત્રી બાબુ બોખિરીયાને મંત્રીપદ છોડવું પડે તેવી શક્યતા જણાઇ રહી છે. આજે રવિવારે તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળી ચૂક્યા છે અને મંત્રીમંડળમાં રહેવું કે રાજીનામું આપવું તે બાબતે તેમણે વિસ્તૃત ચર્ચા કરી હોવાનું મનાય છે.
000