ભારત સરકાર દ્વારા ગુજરાતમાં અસરકારક રીતે ચાલતી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાને ડેટા મેનેજમેન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાતને કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ગૌરવના સહભાગી સૌને અભિનંદન આપ્યા છે. આરોગ્યમંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આજે આ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના ઓગષ્ટ -૨૦૦૮માં શરૂ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં ભરૂચ, દાહોદ, જામનગર, કચ્છ અને પાટણ એમ પાંચ જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ આદિજાતી વસતીવાળાં, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાઓમાં પણ તેનો પ્રારંભ થયો હતો. આ દશેય જિલ્લાઓમાં છેલ્લા એક વર્ષેમાં કુલ ૧.૦૪ લાખ દાવા નોંધણી થઇ હતી અને રૂ. ૩૮.૨૫ કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. સૌથી વધુ દાવા ડાંગ જિલ્લામાં ૪૬૨ ટકા નોંધાયા હતા. સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં રાજ્યના બાકી રહેતા તમામ જિલ્લાઓને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ આવરી લઇ નોંધણીની કામગીરી થઇ રહી છે અને કુલ ૨૯૨૪૮૩ કુટુંબોને સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે.પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે તાજેતરમાં ચંદીગઢ ખાતે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ યોજાયેલ દેશના રાજ્યોની એક રાષ્ટ્રીય કાર્યશિબિરમાં ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર શ્રીમતી વી. એલ. જોશીને શ્રમ અને રોજગાર વિભાગના કેન્દ્રિય મંત્રી શ્રી મલ્લિકાર્જુન કારગેએ બેસ્ટ ડેટા મેનેજમેન્ટ અંગેની કામગીરીનો આ એવોર્ડ એનાયત કર્યો હતો. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળની કામગીરી રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી વીમા કંપની તેમજ ટી. પી. એ.- સર્વિસ પ્રોવાઇડરની ટીમના સહયોગમાં કરવામાં આવી રહી છે.તેમણે પુરસ્કારની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરીને કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ મળતા તેને રાષ્ટ્ટીય કક્ષાએ સ્વીકૃતિ મળી છે. રાજ્યમાં ગરીબી રેખા હેઠળના કુલ ૬.૫૫ લાખ કુટુંબોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. દરેક કુટુંબને કેશલેસ તબીબી સેવા માટે સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળ અસંગઠિતક્ષેત્રના મુખ્યત્વે ગરીબીરેખા હેઠળના મહત્તમ પાંચ વ્યકિતના કુટુંબને આ લાભ આપવામાં આવે છે અને વાર્ષિક રૂ. ૩૦ હજાર સુધીના કુટુંબ ખર્ચને વીમા કવચ હેઠળ આવરી લેવાય છે.માહિતી કમિશનરની કચેરી વધુ વાંચો : રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત ડેટા મેનેજમેન્ટ માટે શ્રેષ્ઠ કામગીરી અંગે કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રાલયનો પુરસ્કાર મેળવતું ગુજરાત