મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાર્ક દેશોના પોલીસ એજન્સીઓની ઇન્ટરપોલ મીટનું આજે ગાંધીનગરમાં ઉદ્દધાટન કરતાં, ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન માટેની ફોરેન્સીક સાયન્સ ટેકનોલોજી માટેનો DNA Act ભારત જેવા દેશ માટે ધડવાની જરૂર ઉપર ભાર મૂકયો હતો. ૧૮૮ દેશો જેના સભ્ય છે તેવા ઇન્ટરનેશનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરપોલ દ્વારા સમગ્ર વિશ્વમાં પહેલીવાર આ પ્રકારની ચાર દિવસની ઇન્ટરપોલ મીટ, તેના મુખ્યમથક લિઓન-ફ્રાન્સની બહાર ગુજરાતમાં ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી રહી છે. ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની આ ચાર દિવસની ઇન્ટરપોલ મીટમાં દક્ષિણ એશિયાના આઠ સાર્ક દેશોની લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના ફોરેન્સીક સાયન્સ, DNA અને ફિંગરપ્રિન્ટ ક્ષેત્રના રપ નિષ્ણાંતો ભાગ લઇ રહ્યા છે. સમગ્ર એશિયામાં DNA ફોરેન્સીક સાયન્સ ટેકનોલોજી, ફિંગર પ્રિન્ટ આઇડેન્ટીફિકેશન અને જીવલેણ આપત્તિનો ભોગ બનેલા પાર્થિવ દેહોની ઓળખવિધિ માટેની ડિઝાસ્ટર વિકટીમ આઇડેન્ટીફિકેશન ટેકનોલોજીનું ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન માટે ફલક વિકસાવવાના હેતુથી ઇન્ટરપોલ દ્વારા આ પ્રકારની આ સૌપ્રથમ સાર્ક દેશોની પરિષદ માટે ગુજરાતની પસંદગી કરવા માટે ઇન્ટરપોલને અભિનંદન આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ DNA એકટ ભારતમાં ઝડપથી તૈયાર કરવા માટે ઇન્ટરપોલની આ બેઠક ફળદાયી સૂચનો કરે તેવી અપીલ કરી હતી. FSL - ગુજરાત દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રથમ એવી ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટીફિકેશન સિસ્ટમનું આ ઇન્ટરપોલ મીટમાં લોન્ચીંગ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આધુનિક ગુનાઓ અને ગૂનેગારોની માનસિકતા અને સંકુલ બનતા જતા ગૂનામાં ટેકનોલોજીના ઉપયોગને ધ્યાનમાં લેતાં, પરંપરાગત ગૂનાશોધન પધ્ધતિ સંપૂર્ણ કારગત નથી, તેથી તે ઉપરાંત, દરેક દેશોની લો-એન્ફોર્સમેન્ટ એજન્સીઓ માટે વૈજ્ઞાનિક અભિગમ અને ટેકનોલોજી સાયન્સનો વિનિયોગ અને સંશોધન ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાનું અનિવાર્ય બની ગયું છે. સાઇબર ક્રાઇમ, આતંકવાદ જેવા ગૂનાઓ અને ગૂનેગારો હાઇપ્રોફાઇલ ટેકનોલોજીના ઉપયોગથી થાય છે અને આવા ગૂનાની તપાસ તથા ગૂનેગારોને શિક્ષા થાય ત્યાં સુધીની પોલીસ કાર્યવાહીમાં ઇન્વેસ્ટીગેશન ટેકનોલોજી માટે ફોરેન્સીક સાયન્સનો ઉપયોગ આવશ્યક બની ગયો છે. આ સંદર્ભમાં, ઇન્ટરપોલ જેવી ઇન્ટરનેશનલ પોલીસ સંસ્થાએ ક્રોસ બોર્ડર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન માટે ગૂનેગારો અને આતંકવાદીઓના વોઇસ-કોમ્યુનિકેશન આઇડેન્ટીફિકેશન એન્ડ ઇન્ટરસેપ્શન અવાજ-સંદેશા આંતરીને તેનું રેકોર્ડિંગ અને ડેટાબેઇઝ ઉભૂં કરવા માટેનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ આધુનિક સોફટવેર વિકસાવવું જોઇએ એવું સૂચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સમગ્ર વિશ્વમાં પહેલી છે અને માત્ર એક જ વર્ષમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવીને ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ-રિસર્ચ સુધીના તજ્જ્ઞ માનવ સંસાધન વિકાસ માટેની ગણમાન્ય યુનિવર્સિટી બની ગઇ છે તેનો ગૌરવભેર ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સાઇબર સિકયોરિટી, ફોરેન્સીક ફાર્મસી, ફોરેન્સીક સાઇકોલોજી, ફોરેન્સીક નેનોટેકનોલોજી માટેના અનુસ્નાતક-સંશોધન અભ્યાસક્રમો આ યુનિવર્સિટીમાં શરૂ થયા છે ત્યારે ઇન્ટરપોલ અને સાર્ક દેશોની લો-એન્ફોર્સમેન્ટ એજન્સીઓ તેના નિષ્ણાંતોને ઉચ્ચ અભ્યાસ માટે મોકલે એટલું જ નહીં, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ઇન્ટરપોલ સાથે આંતરરાષ્ટ્રીય ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન માટે સંયુકત સંશોધન પ્રોજેકટ હાથ ધરવા પણ તત્પર છે. ફિંગરપ્રિન્ટ આઇડેન્ટીફિકેશનની વિશ્વની નવીનત્તમ પધ્ધતિના પ્રારંભે, મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે ગુજરાત FSL પાસે હાલ ર.પ લાખ ફિંગરપ્રિન્ટનો અઘતન ડેટાબેઇઝ તૈયાર છે જ પરંતુ ટૂંકસમયમાં ૪ લાખ ફિંગરપ્રિન્ટ ડેટા તૈયાર થઇ જશે, ગુજરાતની DNA લેબ દ્વારા ભારતના અનેક સંકુલ મનાતા હાઇપ્રોફાઇલ ગૂનાઓ શોધવામાં અપ્રતિમ સફળતા મેળવી છે તેમ તેમણે જણાવ્યું હતું અને FSLને વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાનું ગૌરવ અપાવવા ઇન્ટરપોલના સૂચનોને આવકારવાની અપેક્ષા વ્યકત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ડિઝાસ્ટર વિકટીમ આઇડેન્ટીફિકેશન (DVI) ટેકનોલોજી માટે પણ DNA ટેકનોલોજીનો વિનિયોગ, ઇન્ટરપોલ જેવી સંસ્થાએ શરૂ કર્યો છે તેને આવકારતા જણાવ્યું કે ગુજરાત સરકારે ભીષણ ધરતીકંપની આપત્તિ પછી, તત્કાલ બચાવ-રાહતની કામગીરી માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના આધુનિકત્તમ સાધન-સરંજામનો ઉપયોગ વ્યાપક ફલક ઉપર કર્યો છે જેમાં સર્ચ કેમેરા, ઇન્ફ્રારેડ ટાઇપ સર્ચ કેમેરા, થર્મલ ઇમેજિંગ કેમેરા, એકોસ્ટીક લિશનીંગ ડિવાઇસ જેવી ટેકનોલોજીથી સજ્જ સાધનો અને તેના ઉપયોગ માટે કુશળ તાલીમી માનવશકિત અપનાવી છે. આ ચાર દિવસની ઇન્ટરપોલ મીટમાં ભારત ઉપરાંત સાર્ક દેશો અફધાનિસ્તાન, નેપાલ, ભૂતાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા અને માલદીવના લો-એન્ફોર્સમેન્ટ એજન્સીઝના તજ્જ્ઞો ભાગ લઇ રહ્યા છે. ઉદ્દધાટન સત્રમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડિરેકટર જનરલ શ્રી જે. એમ. વ્યાસે આવકાર પ્રવચનમાં ઇન્ટરપોલ-મીટની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી બલવંતસિંહ, પોલીસ મહાનિદેશકશ્રી એસ. એસ. ખંડવાવાલા, ભારત સરકારના ચીફ ફોરેન્સીક સાયન્ટીસ્ટ શ્રી સી. એન. ભટ્ટાચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત માહિતી બ્યુરો વધુ વાંચો : સાર્ક દેશોની લો-એન્ફોર્સમેન્ટ એજન્સીઓના ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન નિષ્ણાંતોની ઇન્ટરપોલ મીટ ગાંધીનગરમાં શરૂ થઇ