Sunday, 05 December 2021 | Login

શ્રી દલાઇ લામાના માર્ગદર્શનમાં ભારતનું ભવ્ય બુધ્ધ મંદિર ગુજરાતમાં સ્થાપવાની મુખ્યમંત્રીશ્રીની મહેચ્છા

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બૌધ્ધ વિરાસતના આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ગુજરાતમાં ભવ્ય બુધ્ધમંદિરનું નિર્માણ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. મહામહિમ શ્રી દલાઇ લામા સાથેની સત્સંગ બેઠકની ફલશ્રુતિનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ દિવ્ય બુધ્ધમંદિર માત્ર પ્રાર્થના તીર્થ નહીં પરંતુ, બુધ્ધ ધર્મીઓ, બૌધ્ધ તત્વજ્ઞાનના ફિલસુફો માટે અધ્યયન સંશોધનનું વૈશ્વિક કેન્દ્ર બનશે જે પૂર્વ અને પશ્ચિમના ધર્મો વચ્ચેની તુલના અને મનો-વિજ્ઞાનના સંશોધનનું કેન્દ્ર બનશે.

ગુજરાતમાં, ભારતનું સૌથી ભવ્ય બુધ્ધમંદિરનું નિર્માણ કરવાનું તેમનું આ સપનું છે અને શ્રી દલાઇ લામા તેમાં પ્રેરક માર્ગદર્શન આપશે એવી અભિલાષા મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.

ભગવાન બુધ્ધના મહાનિર્વાણ પછી તેમના પાર્થિવ દેહના અસ્થિનો પ્રાચિન કળશ ગુજરાતની દેવની મોરીની બૌધ્ધ પુરાતત્વની ભૂમિમાંથી ઉપલબ્ધ કરીને ગુજરાત સરકારે વિશ્વ સમક્ષ પહેલીવાર પ્રસ્તુત કર્યો છે એમ ગૌરવપૂર્વક મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગુજરાત સરકાર અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઉપક્રમે આજથી વડોદરામાં બૌધ્ધ ધર્મની વિરાસત વિષયક આંતરરાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મહામહિમ શ્રીયુત દલાઇ લામાએ દીપ પ્રાગટયથી કર્યો હતો. વેદાન્તાચાર્ય સ્વામી દયાનંદ સરસ્વતી, ભૂતાનના મંત્રી શ્રીયુત લોનપ્પો યાશી ઝિમ્બા, મહાબોધી સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રમુખશ્રી ભૂપેન્દ્રકુમાર મોદી સહિત દેશ-વિદેશના બૌધ્ધ ધર્મના લામાઓ અને સંશોધકો-નિષ્ણાતોની હાજરીમાં ત્રણ દિવસ સુધી વડોદરામાં બૌધ્ધ ધર્મના વિવિધ પાસાંઓ ઉપર ચર્ચા સત્રો યોજાશે. ત્રણ દિવસમાં ૪૮૦ નિબંધ-અભ્યાસ રજૂ કરવા માટે ૧૪ દેશોમાંથી બૌધ્ધ ધર્મના સ્કોલર્સ-ચિન્તકો ભાગ લઇ રહ્યા છે.

ગુજરાત બૌધ્ધ સંસ્કૃતિનો વૈભવ વારસો ધરાવે છે અને દેવની મોરી, વડનગર, જૂનાગઢ, ગિરનાર, કચ્છ અને ભરૂચ સહિતના પ્રદેશોમાં ભગવાન બુધ્ધના જીવનકાળ પર્યંતથી બૌધ્ધ ધર્મનો પ્રભાવ હતો તેની ભૂમિકા આપી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાતની ધરતી ઉપર બૌધ્ધ ધર્મના ઐતિહાસિક અવશેષોનું સંશોધન અને વિકાસ-અધ્યયન કરવા માટે રાજ્ય સરકાર વિશ્વના સ્કોલર્સ-સંશોધનકાર, ઇતિહાસકારોનો સહયોગ લેવા તત્પર છે.

બૌધ્ધ ધર્મના વૈશ્વિક નકશામાં ગુજરાતે પોતાનું ગરિમામય સ્થાન અંકિત કર્યું છે તેનો નિર્દેશ આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ચીની યાત્રી-ઇતિહાસકાર શ્રી હયુએન ત્સંગે ગુજરાતમાં બૌધ્ધ ધર્મના પ્રભાવ માટે સૌથી વધુ પરિભ્રમણ કરીને વડનગર અને વલ્લભી બૌધ્ધ વિશ્વ વિદ્યાપીઠના બૌધ્ધ ધર્મના શિક્ષણ-અધ્યયન માટેની ગુજરાતની વિરાસતની પ્રસંશા કરી હતી. ગુજરાત, માત્ર ભારત જ નહીં, વિશ્વની બુધ્ધિષ્ટ ટુરિષ્ટ પિલગ્રીમેજ સર્કિટમાં જોડાવા આતુર છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ બૌધ્ધ તત્વજ્ઞાન અને હિન્દુસંસ્કૃતિની ફિલસૂફી વચ્ચેની સામ્યતા અને ભિન્નતાનું તુલનાત્મક અધ્યયન કરવા ચિન્તકો-દાર્શનિકોને ઇજન આપ્યું હતું.

ભગવાન બુધ્ધના જીવન આદર્શો અને તત્વજ્ઞાન આજે પણ વિશ્વ માટે પ્રસ્તુત છે તેની વિષદ ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિશ્વ માનવ-માનવ વચ્ચેના સંબંધો અને સંઘર્ષમય હિતોના કારણે અશાંતિ અને સંકટોથી ઘેરાયેલું છે ત્યારે, બૌધ્ધ અને હિન્દુ ધર્મ સંસ્કૃતિના આદર્શ-મૂલ્યો વૈશ્વિક જવાબદાયિત્વ, પ્રેમ, સહિષ્ણુતા અને કરૂણા સાથે માનવ-માનવ વચ્ચેનાં સંબંધોને માનવીયતાનું પરિમાણ બક્ષે છે. કલાઇમેટ ચેંજનું સંકટ હોય ત્યાં પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વ અને હિંસક ભોગવાદ, આતંકવાદ જેવી વિકૃતિ-માનસિકતામાંથી માનવજાતને ઉગારવા અહિંસાનું તત્વજ્ઞાન બૌધ્ધ ધર્મમાંથી મળે છે. એ જ રીતે, ભગવાન બુધ્ધના ચાર ઉમદા સત્યો માનવીની પીડા-દુઃખ અને વ્યથાનું નિવારણ કરી શકે છે અને ગરીબી, શોષણમાંથી મૂકિત મેળવવા તથા ક્રોધ-લોભ-મોહ જેવી માનવ મનની નબળાઇઓનું સમાધાન બૌધ્ધ ધર્મમાં મળે છે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં મહાન બૌધ્ધિ-દાર્શનિકોએ પોતાનું જીવન બૌધ્ધ તત્વજ્ઞાન માટે સમર્પિત કર્યું હતું અને પુરાતન વલ્લભી બૌધ્ધ વિશ્વ વિદ્યાપીઠમાં દુનિયાભરના વિદ્યાર્થીઓ બુધ્ધ-અધ્યયન માટે આવતા હતા તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગિરનારમાં સદીઓથી વસેલા સિંહની પ્રજાતિ, સમ્રાટ અશોકના જૂનાગઢમાં શિલાલેખ અને ભારતની રાજચિન્હ મૂદામાં ત્રણ ચિન્હોની પ્રતિકૃતિ આ બધામાં કોઇ અનુસંધાન છે કે કેમ તેનું સંશોધન કરવા તેમણે આહ્વાન કર્યું હતું.

પૂર્વના હિન્દુ, બુધ્ધ, જૈન ધર્મો, મેડિટેશન અને માનવીને ભગવાન બનવાની દિશા બતાવીને ક્ષમતા આપે છે જ્યારે પશ્ચિમના ધર્મોની વિચારધારા આનાથી વિપરીત છે, એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતને બુધ્ધિસ્ટ ટુરિસ્ટ હેરિટેજ ડેસ્ટીનેશન બનાવવાની નેમ વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડોદરા યુનિવર્સિટી સેન્ટર ઓફ રિલીજીયન્સ સ્ટડી શરૂ કરશે એમ જાહેર કર્યું હતું.

સ્વામી દયાનંદજી

સ્વામી દયાનંદ સરસ્વતીજીએ હિન્દુ ધર્મ સંસ્કૃતિની વૈશ્વિક મૂલ્યોની ભૂમિકા સાથે ભગવાન બુધ્ધના અહિંસાના જીવનદર્શનની સામ્યતાનો ઉલ્લેખ કર્યો હતો. માનવજાતના અસ્તિત્વ સાથે, સકલ જીવસૃષ્ટિનું સહઅસ્તિત્વ જોડાયેલું છે એ આપણી સંસ્કૃતિનું સનાતન મૂલ્ય છે, એમ તેમણે જણાવ્યું હતું.

‘‘અહિંસા પરમો ધર્મ-’’એ હિન્દુ વેદાન્તનો મંત્ર છે અને બૌધ્ધધર્મનું તત્વજ્ઞાન છે, બુધ્ધ એ કોઇ સીમામાં બંધાયેલો નથી એ સમસ્ત માનવમનને બૌધ્ધિક સંપદા આપે છે એમ જણાવી સ્વામી દયાનંદજીએ ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વને પ્રેરણારૂપ ગણાવ્યું હતું. એમની ઇચ્છાશકિતથી જ, ગુજરાત વિકાસના ધર્મ-માર્ગ ઉપર આગળ વધતું રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો
 
ગુજરાત માહિતી બ્યુરો, ગુજરાત સરકાર
Read 1321 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter all the required information, indicated by an asterisk (*). HTML code is not allowed.

morpinch1