Sunday, 05 December 2021 | Login

મહામહિમ શ્રી દલાઇ લામા અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી વચ્ચે ધર્મ વિષયક સત્સંગ બેઠક

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રીયુત દલાઇ લામા વચ્ચે આજે વડોદરામાં અત્યંત ઉષ્માભરી અને ફળદાયી સત્સંગ બેઠક યોજાઇ હતી.

 

ગુજરાત સરકાર આયોજિત ઇન્ટરનેશનલ સેમિનાર ઓન બુદ્ધિષ્ટ હેરિટેજનાં ઉદ્દઘાટન માટે આવેલા શ્રીયુત દલાઇ લામા અને મુખ્યમંત્રીશ્રીએ આજે સવારે વિશ્વમાં બૌદ્ધ ધર્મના પ્રભાવક પાસાં વિષયક અને ગુજરાતમાં બૌધ્ધ ધર્મના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા સંદર્ભમાં ૩૦ મિનીટ સુધી પરામર્શ કર્યો હતો.

 

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં બૌધ્ધ ધર્મના શિલ્પ, શિલાલેખો, સ્તુપ, વિહાર અને પુરાતત્વીય સંશોધનો અંગેની રૂપરેખા આપી જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં સૌથી ભવ્ય એવું બુધ્ધ-મંદિર (Majestic Temple of Buddha) નું ગુજરાતમાં નિર્માણ કરવાનું તેમનું સપનું છે. આ અંગે શ્રીયુત દલાઇ લામાના માર્ગદર્શન અને સહયોગની વિનંતી મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

 

શ્રીયુત દલાઇ લામાએ ગુજરાતમાં બૌધ્ધ ધર્મના ઐતિહાસિક વારસાની જાળવણી અને સંશોધનમાં ગુજરાત સરકારના પ્રોત્સાહક અભિગમમાં ખૂબજ ઊંડો રસ દાખવ્યો હતો અને ભવ્ય બુધ્ધમંદિરના નિર્માણ માટે સહયોગ આપવાની સહર્ષ અભિલાષા વ્યકત કરી હતી.

 

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં દેવની મોરીના પુરાતત્વ ઉત્ખનનમાં ભગવાન બુધ્ધના મહાનિર્વાણ પછી જે અસ્થિકળશ ઉપલબ્ધ થયા છે તે વિશ્વ સમક્ષ ગૌરવપૂર્વક ગુજરાત પ્રસ્તુત કરે છે તેની જાણકારી પણ શ્રીયુત દલાઇ લામાને આપી હતી.

 

વિશ્વમાં માનવજાત આજે જે સંકટોથી ઘેરાયેલી છે તેના સમાધાન માટે બૌધ્ધ ધર્મ અને ભગવાન બુધ્ધના અહિંસા તથા તત્વજ્ઞાનના પ્રભાવ અંગે શ્રીયુત દલાઇ લામાએ મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું કે ભારત ભૂમિ તો બૌધ્ધ ધર્મનું નિવાસ છે અને ખાસ કરીને બૌધ્ધ ધર્મનું વિજ્ઞાન, તત્વજ્ઞાન અને આધ્યાત્મિક દર્શન જોતાં ભારતમાં નાલંદા અને તક્ષશીલાના વિશ્વ વિદ્યાલયોમાં શિક્ષણ સંશોધનનું ઉત્તમ કાર્ય થયેલું છે. આ સંદર્ભમાં, ગુજરાતમાં વલ્લભી બુધ્ધ વિશ્વ વિદ્યાલયની નામના અને વડનગર સહિત રાજ્યમાં બૌધ્ધ ભિક્ષુ-સાધુઓ માટે શિક્ષણ સાધના માટેના વિહારની વ્યવસ્થા વિશે મુખ્યમંત્રીશ્રીએ શ્રીયુત દલાઇ લામાને વિશેષ જાણકારી આપી હતી અને ગુજરાત બૌધ્ધ ધર્મના તત્વજ્ઞાન દર્શન-શિક્ષણ અને સંશોધન માટે શ્રીયુત દલાઇ લામાના માર્ગદર્શનથી આગળ વધશે એમ જણાવ્યું હતું.

 

શ્રીયુત દલાઇ લામાએ મુખ્યમંત્રીશ્રી સાથેની ચર્ચામાં બૌધ્ધ ધર્મના સિધ્ધાંતોના આધાર ઉપર વિશ્વના વિવિધ રાષ્ટ્રોમાં તેના પ્રભાવની ભૂમિકાનો ખ્યાલ આપ્યો હતો.

 

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સને ર૦૧૦-૧૧માં રાજ્યની સુવર્ણ જ્યંતી ઉજવી રહ્યું છે તે સંદર્ભમાં ગુજરાત હંમેશા સર્વધર્મ સમભાવ અને સહિષ્ણુતાથી એક કદમ આગળ અન્ય ધર્મોનો આદરભાવ આપતી ભારતીય સંસ્કૃતિને વરેલું રહ્યું છે તેમ જણાવ્યું હતું. તેમણે ૪૦૦ વર્ષ પૂર્વે પારસીઓ ગુજરાતના દરિયાકાંઠે ઉદવાડામાં આવ્યા ત્યારે તેમને ઉમળકાભેર આદરથી આવકારવામાં આવેલા તેની ભૂમિકા આપી હતી અને ઉદવાડામાં વિશ્વ ધર્મ પરિષદ  (World Religions Conference) યોજવાની નેમ વ્યકત કરી હતી. ઉદવાડા સામાજિક સદ્દભાવ માટેનું વિશ્વકેન્દ્ર બની રહેશે અને એ માટે શ્રીયુત દલાઇ લામા આશિર્વાદ આપવા પધારે એવું નિમંત્રણ પણ તેમણે આપ્યું હતું.

 
મુખ્યમંત્રીશ્રીએ શ્રીયુત દલાઇ લામાનો ભાવપૂર્વક આતિથ્ય સત્કાર કરીને તેમને સ્મૃતિભેટ આપી હતી. શ્રીયુત દલાઇ લામાએ પણ મુખ્યમંત્રીશ્રીને આર્શીવાદ સહ સ્મૃતિભેટ આપી ઉષ્માભર્યો પ્રતિભાવ વ્યકત કર્યો હતો.
 
ગુજરાત માહિતી બ્યુરો, ગુજરાત સરકાર
Read 1348 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter all the required information, indicated by an asterisk (*). HTML code is not allowed.

morpinch1