Monday, 24 January 2022 | Login

ગરીબ કલ્યાણ મેળામાં ઉમટેલા માનવ મહેરામણનું જનઅભિવાદન કરતાં મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, ગરીબોના હકકનું લૂંટી લેનારા વચેટીયા-દલાલોને નેસ્તનાબુદ કરવા માટે ગરીબ કલ્યાણ મેળાનું અભિયાન ઉપાડયું છે અને ગાંધીનગરમાં બેઠેલી આપની સરકાર ગરીબોના હક્કનું રક્ષણ કરવા ગરીબોનું કર્જ ચૂકવવા પ્રતિબધ્ધ છે.
 
ગુજરાતના જાહેરજીવનમાં સૌથી લાંબામાં લાંબા ૩૦૦૦ દિવસના શાસનનો અવસર ગરીબનું કર્જ ચૂકવવાનો ઋણસ્વીકાર કરવાનો સેવા અવરસ બનાવ્યો છે એમ તમેણે જણાવ્યું હતું.
 
અમદાવાદ જિલ્લાના છ તાલુકાઓ, વિરમગામ, સાણંદ, દસક્રોઇ, સીટી, માંડલ અને દેત્રોજ તાલુકામાં ગરીબી સામે લડાઇના અભિયાન રૂપે આજે વિરમગામમાં ગરીબ કલ્યાણમેળો યોજવામાં આવ્યો હતો. ગુજરાતમાં ૫૦ જેટલાં ગરીબ કલ્યાણ મેળા યોજવાની શ્રી નરેન્દ્રભાઇ મોદીની શૃંખલામાં વિરમગામ ૧૨મા ક્રમે આવ્યું છે અને આજે ૪૫,૭૫૦ લાભાર્થીઓને એકંદરે રૂ.૪૦ કરોડના સરકારી યોજનાના લાભાર્થીઓને હક્કો-સાધન-સહાય મુખ્યમંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓના હસ્તે આપવામાં આવ્યા હતા.
 
ગરીબ કલ્યાણ મેળાના અભિયાનની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌથી લાંબામાં લાંબા ૩૦૦૦ દિવસના શાસનનો વિક્રમ અમારે શીરે નોંધાયો છે એવું કીર્તિમાન અને જયજયકાર કરવાની પરંપરા છોડીને અમે ગુજરાતની જનતા જનાર્દનનો ઋણ સ્વીકાર કરવા ગરીબો-વંચિતોની સેવા કરવાનું અભિયાન ઉપાડયું છે. જે લોકોએ મતપેટી માટે જનતાની આંખમાં ધૂળ નાંખી, સરકારની તિજોરીઓ લૂંટાવી નાખી, કરદાતા, જનતાની પરસેવાની કમાણી વેડફી નાંખી અને છતાં ગરીબનું શોષણ થતું જ રહ્યું છે. અમે આ સ્થિતિમાંથી ગરીબને મુકત કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે.
 
તેમણે જણાવ્યું કે, ગાંધીનગરની તિજોરીમાંથી સરકારની યોજનાનો રૂપિયો ગરીબના ઘર સુધી પહોંચે ત્યારે પણ સોએ સો પૈસા સ્હેજ પણ રૂપિયો ઘસાયા વગર હાથોહાથ પહોંચાડવા આ ગરીબ કલ્યાણમેળાનો યજ્ઞ માંડયો છે. પૂર્વ પ્રધાન મંત્રી સ્વ. રાજીવ ગાંધીએ ખુદ રાવ કરતાં આવેલા કે દિલ્હીની તિજોરીમાંથી નીકળેલો ગરીબ માટેનો રૂપિયો ઘસાતો ઘસાતો જઇને ગરીબના હાથમાં આવે ત્યારે માંડ ૧૫ પૈસા મળે- પણ આનો ઉપાય કોઇને સૂઝ્યો નથી. ગુજરાતે આ સમસ્યાનું સમાધાન કરી આપ્યું છે.
 
ગરીબને ગરીબાઇ સામે લડવા માટે શકિતમાન બનાવવો છે અને ગરીબને દેવાદાર બનાવતી ભ્રષ્ટ યોજનાકીય રીતિનીતિઓમાંથી બહાર કાઢીને ગરીબી સામે જંગ છેડ્યો છે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ નિર્ધારપૂર્વક જણાવ્યું કે, વચેટીયા-દલાલો જેવો ઉપરવાળાને આપવાનો છે તેમ ભ્રમમાં નાખીને ગરીબોના હક્કો લૂંટી રહ્યા છે તેને નેસ્તનાબુદ કરવા આ સરકારે અભિયાન ઉપાડયું છે. કટકી કંપનીઓના ખિસ્સા કાતરુથી આ ગરીબ જનતાને રક્ષણ આપવા આ સરકાર ચોકીદાર બનીને બેઠી છે.
 
તેમણે ગરીબ જનતાને ગરીબી સામે લડાઇનો સૈનિક ગણાવતાં જણાવ્યું કે, કોઇપણ ગરીબ કે વંચિતે આ વચેટીયા-દલાલને તેના હક્કની એક પાઇ પણ ચૂકવવાની કોઇ જરૂર નથી. આ સરકાર ગરીબોની બેલી છે અને ગરીબ પરિવારના જન્મથી મૃત્યુ સુધી ગરીબોને મદદ કરવા આ સરકારે ખડે પગે મથામણ કરી યોજનાઓ બનાવેલી છે તેની ભૂમિકા તેમણે વિગતવાર યોજનાઓની રૂપરેખા સાથે આપી હતી. આના પરિણામે ગરીબ, વંચિતોના જીવનમાં જે બદલાવ આવ્યો છે તેની સવિસ્તર સમજ તેમણે આપી હતી.
 
મતપેટીઓ ભરવાની લાયમાં તેમણે ગરીબોના ઘરમાં મોત પેટીઓ મુકી છે તેના કારણે જ ગરીબી દૂર થઇ નથી. આ સરકારે તો કરોડો રૂપિયાની કીંમતી જમીનના, ઘરવિહોણા ગરીબોને આવાસના પ્લોટ આવાસના પ્લોટ વિનામૂલ્યે આપી દીધા છે. ગુજરાતનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધી જેટલા પ્લોટ આવાસ ગરીબને મળ્યા છે તેના કરતાં પણ વધારે પ્લોટ આ ૫૦ દિવસના અભિયાનમાં આપી દેવાશે એમ તેમણે જાહેર કર્યું છે.
 
તેમણે ગરીબોને તેમના હક્કનું મળ્યું ન હોય કે નબળી ગુણવત્તાવાળું મળ્યું હોય તો મુખ્યમંત્રીશ્રીએ એક પોસ્ટકાર્ડ લખી દેવા અનુરોધ કર્યો હતો. આ સરકાર ગરીબના હક્ક માટે કંઇપણ કરવા તૈયાર છે. ગુજરાત સરકાર તો ગરીબોને ખોબલા ભરીને મદદ કરવા રાતદિવસ મથામણ કરે છે પણ મોંઘવારીનેની મુશીબત ગરીબનું સૂપડે સૂપડે તાણી જાય છે. દિલ્હીની કોંગ્રેસ સરકારના કાન એટલા બહેરા છે કે ગરીબોએ સામૂહિક અવાજ ઉઠાવવાની જરૂર છે. ગરીબીના ખપ્પરમાંથી મુકત થવા મોંઘવારી મુશીબત બની ગઇ છે તેમ તેમણે જણાવ્યું હતું.
 
અમદાવાદ જિલ્લાના પ્રભારી અને મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, વચેટીયાઓને દૂર કરી ગરીબોને સીધો લાભ આપવા આ મેળાઓનું આયોજન કરાયું છે. રાજ્યની અલગ સ્થાપના પછી કોઇ સરકારે ન કરી હોય તેટલી ચિંતા મહિલાઓના વિકાસ માટે આ સરકારે કરી છે. મુખ્યમંત્રીશ્રીએ મહિલા અને બાળકલ્યાણનો અલગ વિભાગ બનાવ્યો તે તેની પ્રતિતી કરાવે છે. રાજ્યના દોઢ કરોડ બાળકોને શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ હાથ ધરીને આવરી લેવાયા છે. એટલું જ નહીં સો જેટલાં બાળકોને સઘન સારવાર માટે રાજ્ય બહાર મોકલી ઓપરેશન-સારવાર કરાયા છે. સગર્ભા માતાઓને પોષણક્ષમ આહાર મળે તે માટે યોજના અમલી બનાવી છે. એટલું જ નહીં માતા-બાળમરણ ઘટાડવા માટે પણ આ સરકારી પ્રયાસો હાથ ધર્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
 
આદિજાતિ કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબો-જરૂરિયાતમંદોના જીવનની કાયાપલટ કરવાની ઝૂંબેશ હાથ ધરી છે. ગરીબોના જીવનમાં કલ્યાણનો દીપ પ્રજ્વલિત થાય તેવા આશયથી સરકારે ગરીબોને હાથોહાથ હક્ક આપવાની મથામણ હાથ ધરી છે. તમામ ગરીબોને આવાસ મળે, ભૂમિહિનોને જમીનના પ્લોટ આપવા જેવા સંખ્યાબંધ કલ્યાણકીય કામો આ સરકારે કર્યા છે. ભૂતકાળમાં ગરીબોને લાભ લેવા ધક્કા ખાવા પડતા હતા ત્યારે આ સરકાર ગરીબોના ઘર-ગામ સુધી હક્ક-સહાય-લાભ લઇને આવી છે.
 
સંસદીય સચિવ શ્રી યોગેશ પટેલ તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી અંબાલાલ રોહિતે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગરીબોને ઘરઆંગણે લાભ આપવા આવા ગરીબ કલ્યાણમેળાનું આયોજન કરાયું છે.
 
અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી હારિત શુકલાએ જણાવ્યું હતું કે, જિલ્લાના ૬ તાલુકાના ૪૫,૦૦૦થી વધુ લાભાર્થિઓને ૬૯ જેટલી યોજનાઓ અંતર્ગત રૂપિયા ૪૦ કરોડના લાભ અપાયા છે.
 
આ પ્રસંગે ૨૭૬૨ લાભાર્થિઓને પ્લોટ, ૪૫૭૮ લાભાર્થિઓને રૂ.૩૦.૯૩ લાખના સહાય ચેક, ૨૭૭૧ લાભર્થિઓને રૂ.૯૨.૪૮ લાખની કિટ સહાય, ૮૨૦૭ લાભાર્થિઓને રૂ.૧૧૩.૩૭ લાખની કૃષિ વિષયક સહાય ઉપરાંત સંખ્યાબંધ ગરીબો-જરૂરિયાતમંદોને લાભ અપાયા હતા.
 
અમદાવાદ એ.પી.એમ.સી. દ્વારા રૂ. એક લાખનો ચેક તથા અન્ય સંસ્થાઓ દ્વારા રૂ.૬૭,૦૦૦ના ચેક મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણીનિધીમાં અપાયા હતા.
 
આ પ્રસંગે મંત્રી શ્રી અમીતભાઇ શાહ, સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ શ્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદ શ્રી કીરીટભાઇ સોલંકી, ધારાસભ્ય સર્વ શ્રી પ્રાગજીભાઇ પટેલ, કમાભાઇ રાઠોડ, બાબુભાઇ જે. પટેલ, કાંતિભાઇ લકુમ, વલ્લભભાઇ કાકડીયા, રાકેશ શાહ, રણછોડભાઇ મ્હેર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, પૂર્વ સાંસદ શ્રીરતિલાલ વર્મા, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જિલ્લા ભાજપા પ્રમુખ-પદાધિકારીઓ, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Read 1455 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter all the required information, indicated by an asterisk (*). HTML code is not allowed.

morpinch1