Monday, 24 January 2022 | Login

ર૧મી સદીમાં આખું વિશ્વ ગુજરાતને પોતાનું ઘર બનાવે તેવું સ્‍વર્ણિમ બનાવીએ

મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સ્‍વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્‍પ પરિષદનો પ્રસ્‍તાવ ગુજરાત વિધાનસભામાં રજૂ કરતા, ર૧મી સદીમાં આખું વિશ્વ ગુજરાતને પોતાનું ‘ઘર' બનાવે તેવા મહત્ત્વાકાંક્ષી સંકલ્‍પ પાર પાડવા માટે, ગુજરાતના સૌ વર્તમાન અને પૂર્વ જનપ્રતિનિધિઓ પોતાના અનુભવી માર્ગદર્શન, પ્રભાવ અને નેતૃત્‍વ દ્વારા સમાજને ‘સુરાજ્‍ય'ની દિશામાં લઇ જવા આહ્‌વાન કર્યું હતું.
 
પ્રસ્‍તાવની ભૂમિકા રજૂ કરતાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ર૦૧૦ના નવા વર્ષની શુભકામના આપી હતી અને જણાવ્‍યું કે, ગુજરાતનું સુવર્ણ જયંતિ વર્ષ ૧લી મે, ર૦૧૦થી શરૂ થવાનું છે ત્‍યારે આજની આ વિધાનસભામાં ૧૯૬૦થી ગુજરાત માટે જેમણે જેમણે યોગદાન આપ્‍યું છે, ગુજરાતને વિકસીત બનાવવા માટેનો મજબૂત પાયો નાંખ્‍યો છે, જેમણે પોતાની જવાબદારીથી જાહેરજીવનને ઉજ્જવળ બનાવ્‍યું છે અને શોભા આપી છે તેવા પૂર્વ અને વર્તમાન જનપ્રતિનિધિઓ સુવર્ણ જયંતિ વર્ષના અવસર માટેની સફળતાની ભાવના સાથે આ વિધાનગૃહમાં સંકલ્‍પબદ્ધ થવા એકત્ર થયા તે માટે તેઓ સૌનો આભાર માને છે.
 
મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, ગુજરાતની પ્રગતિ આજે દેખાય છે તેના પાયામાં ગયા પ૦ વર્ષો સુધીના આપ સૌના સહિયારા પુરૂષાર્થ અને પરિશ્રમનો પરિપાક છે. કોઇ વ્‍યક્‍તિ કે સરકાર દુનિયા બદલી શકતી નથી, સહુની ઉત્તમ ભાવનાથી, અનુભવોના માર્ગદર્શન સાથે આપણે ગુજરાતની આવતીકાલના સમાજને ઘડવાનો અવસર ઉજવવો છે. જે સારું છે તેને વધુ સારું બનાવીએ, જે ઉત્તમ છે તેને સાથે લઇને વધુ ગતિશીલ વિકાસ તરફ સંકલ્‍પમય થઇએ.
 
તેમણે એમ પણ જણાવ્‍યું કે, નર્મદા યોજનામાં કોઇ શ્રમજીવનું પાયાના પથ્‍થર તરીકેનું શ્રમદાન હોય કે ખેડૂત-મજદૂર કાળી મજૂરી કરીને પરસેવો પાડયો છે એવા કેટકેટલા પરિશ્રમ, પુરૂષાર્થના પરિણામે જ આપણે ગુજરાતને ગૌરવરૂપ બનાવ્‍યું છે. આ જનતા જનાર્દનની શક્‍તિને કંઇક આપવાનો અવસર એટલે ગુજરાતના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી.
 
‘‘ગરવી ગુજરાત'' એટલે પર-સેવા માટે પરસેવો પાડે તે ગુજરાત ગુજરાતમાં વસતો ગુજરાતી જ નહીં પરંતુ વિશ્વભરમાં વસતા ગુજરાતીએ સદાકાળ ગુજરાત ખડું કર્યું છે અને વિશ્વના ખૂણે ખૂણે વસવા, દરિયાને પાર કરવા સાહસરૂપે નાના નાવડામાં સફર કરી હતી તે ૧૯મી અને ર૦મી સદી હતી. હવે યુગ બદલાયો છે. એકવીસમી સદીમાં આપણો સંકલ્‍પ એ જ હોય કે આખું વિશ્વ ગુજરાતને પોતાનુ ‘ઘર' બનાવે તેવી મહત્ત્વાકાંક્ષા આપણી છે, એમ મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.
 
મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાતીની સમાજ શક્‍તિને આહ્‌વાન આપતા જણાવ્‍યું કે, દરેક ગુજરાતી એક એક સંકલ્‍પ કરે તો, સાડા પાંચ કરોડ ગુજરાતીઓના સાડાપાંચ કરોડ સંકલ્‍પથી ગુજરાતની વિકાસયાત્રા એકીસાથે સાડા પાંચ કરોડ કદમની હરણફાળ ભરશે જે સૌથી વિરાટ પગલું ગણાશે.
 
આઝાદીની લડત દરમિયાન ગુજરાતના જનતા જનાર્દન સમર્પિત ભાવથી સમાજને ઘડવાનું સામર્થ્‍ય બતાવ્‍યું હતું. હવે સ્‍વરાજ પ્રાપ્તિ પછી ‘‘સુરાજ્‍ય''ના નિર્માણ માટે સમાજશક્‍તિને નેતૃત્‍વ પ્રેરિત કરવાની છે, એમ વિશ્વાસપૂર્વક તેમણે જણાવ્‍યું હતું.
 
એક નાનાકડો સંકલ્‍પ પણ ગુજરાતની આવતીકાલ ઘડવા માટે મોટી શક્‍તિ બનશે એવી અભિલાષા વ્‍યકત કરતાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું કે, ગુજરાતીનું સત્‍વ, શક્‍તિ, સામર્થ્‍ય, સંકલ્‍પપૂર્વક સૌને જોડવાનો અવસર એટલે ગુજરાતની સુવર્ણ જયંતિનો અવસર. આજે ગુજરાત વિધાનસભાની આ ઐતિહાસિક ઘટનાની વેળાએ ગુજરાતની સ્‍થાપના માટે મહાગુજરાતની ચળવળમાં જેમણે પોતાની જવાની અને જીવન ગુમાવ્‍યા તે સૌને નમન કરીને શ્રદ્ધાંજલિ અર્પું છું.
 
ગુજરાતના વર્તમાન અને ભૂતપૂર્વ જનપ્રતિનિધિઓનો પ્રભાવ અને અનુભવી નેતૃત્‍વ સમાજ અને જાહેર જીવનમાં આજે પણ છે અને ગુજરાતની આવતીકાલને સ્‍વર્ણિમ બનાવવા માટેની સમાજશક્‍તિની ચેતના ઉજાગર કરવામાં આપ સૌની પ્રેરણા નવું બળ પુરું પાડશે, એમ મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.
Read 3510 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter all the required information, indicated by an asterisk (*). HTML code is not allowed.

morpinch1