Friday, 09 December 2022 | Login

ઐતિહાસિક સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદ સંપન્ન

મહામહીમ રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ જણાવ્યું હતું કે, ગુજરાત સાંસ્કૃતિક અને સામાજિક રીતે સમૃદ્ધ રાજ્ય છે. અહીંના લોકોની ભાઇચારાની ભાવના બેજોડ છે. ઉદ્યોગ અને ધંધામાં પૂરી લગન અને સમર્પણથી ખંતપૂર્વક કામ કરવાની અને એ રીતે પ્રગતિ કરવાની વિશેષતા અનુકરણીય અને સરાહનીય છે. ગુજરાતીઓની આ વિશેષતાએ આ પ્રદેશને લાભાન્વિત કર્યો છે. આજે આ રાજ્ય સ્થાપનાની સુવર્ણ જયંતિની ઐતિહાસિક ઉજવણી કરી રહ્યું છે ત્યારે લોકતંત્ર અને જનપ્રતિનિધિઓની જવાબદારી છે કે તેઓ સામાન્ય નાગરિકોના ઉત્કર્ષ વિષે વિચારે. ભારત દેશ સમગ્ર વિશ્વના માર્ગદર્શક તરીકે ઉભું છે ત્યારે દરેક વ્યક્તિ મજબૂત બને. ગુજરાત એવો પ્રદેશ છે જેના નાગરિકો માનવીય ગુણોથી પરિપૂર્ણ છે. ભારતની પ્રગતિની કૂચમાં ગુજરાત નેતૃત્વ લઇને સૌથી આગળ ચાલી રહ્યું છે.
 
સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પરિષદને અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ ગુજરાતના નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ર૦૧૦નું વર્ષ સહુ માટે સાચા અર્થમાં સ્વર્ણિમ ગુજરાત સાબિત થાય. તેમણે આ ઐતિહાસિક બેઠકને ગરિમાપૂર્ણ ચરણનો આરંભ ગણાવતાં કહ્યું હતું કે, ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીમાં તમામ મુખ્ય મંત્રીશ્રીઓએ આ પ્રદેશની પ્રગતિ અને વિકાસ માટે અદ્દભૂત અને પ્રસંશનીય કાર્યો કર્યા છે. વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સ્વર્ણિમ ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીએ રજૂ કરેલા સંકલ્પને અનુસરીને ગુજરાત આવનારા સમયમાં તેજ ગતિથી વિકાસ પામતા રાજ્ય તરીકે આગળ વધશે. તેમણે આ સંકલ્પ પરિપૂર્ણ થાય અને સંકલ્પને અનુરૂપ મૂળધારાથી આગળ વધવાનું શમણું પુરું થાય એવી શુભકામનાઓ પાઠવી હતી.
 
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પરિષદમાં ઉપસ્થિત સહુ મહાનુભાવોને સંકલ્પ લેવડાવ્યો હતો કે, સૌ જનપ્રતિનિધિઓ ગુજરાતના સ્વર્ણિમ જયંતિ વર્ષને એક અદ્વિતીય તક ગણીને રાજ્યનો સર્વાંગી, સાર્વદેશિક સર્વસમાવેશક વિકાસ માટે સમર્પિત થઇએ અને આ સંકલ્પ દ્વારા આપણે શિક્ષિત, સંસ્કારી, સમૃદ્ધ, વૈશ્વિક સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણનો સંકલ્પ લઇએ.
 
ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શ્રી શક્તિસિંહજી ગોહિલે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ણિમ ગુજરાત સંકલ્પના સમર્થનમાં ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, જે ભાવના સાથે સંકલ્પ રજૂ થયો છે તેને મારા પક્ષ વતી હું સમર્થન આપું છું. પ૦ વર્ષના સમયગાળા દરમિયાન અનેક કુદરતી આફતો આવી છે. આ આફતોમાં પણ સાડાપાંચ કરોડ ગુજરાતીઓ અને ગુજરાતની બહાર વસતા એક કરોડ ગુજરાતીઓ સહિત સાડા છ કરોડ ગુજરાતીઓએ જે યોગદાન આપ્યું છે તેમના યશસ્વી યોગદાન માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અત્યંત સમૃદ્ધ લોકો અને વંચિતો વચ્ચે સેતુ બનવાનો આપણે સંકલ્પ કરીએ. પક્ષાપક્ષીથી પર ઉઠીને આપણું ગુજરાત યશસ્વી બને તે માટે પ્રયત્નશીલ રહેવાનો આપણે સંકલ્પ કરીએ. ધોળાવીરા અને લોથલની સંસ્કૃતિ દર્શાવે છે કે, અન્ય માનવસમાજ કરતાં ગુજરાતના માનવસમાજનો વિકાસ વધુ હતો. વિકાસ એ ગુજરાતીઓના જીન્સમાં છે. ગુજરાતીઓની આ તાકાતને સ્વર્ણિમ ગુજરાતના વર્ષમાં સૌ સાથે મળીને બળવત્તર બનાવીએ. તેમણે સંકલ્પને હાર્દિક સમર્થન આપીને સફળતા માટેની શુભકામનાઓ પાઠવી હતી.
 
લોકસભાના વિપક્ષના પૂર્વ નેતા અને ગાંધીનગરના સાંસદ શ્રી લાલકૃષ્ણ અડવાણીએ સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પરિષદના સ્વરૂપ અને ઉત્તમ કલ્પના માટે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આ વિચાર દેશના બધા પ્રદેશો માટે અનુકરણીય છે. ભારતીય રેલમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે જયાં ટીકીટ વિના મુસાફરી કરતા લોકોની સંખ્યા સૌથી ઓછી છે. ગુજરાતની પ્રમાણિકતા અને સંસ્કારોની સરાહના કરતાં તેમણે અહોભાવપૂર્વક જણાવ્યું હતું કે, મેં ગુજરાતને અપનાવ્યું છે તેના કરતાં ગુજરાતે મને વધુ સ્વીકાર્યો છે. ગુજરાતના-ગાંધીનગરના સાંસદ હોવા માટે ગર્વની લાગણી અનુભવતાં તેમણે જણાવ્યું હતું કે, જેમ ર૦મી સદી પશ્ચિમી દેશોની હતી તેમ ર૧મી શતાબ્દી નિશ્ચિત રીતે ભારતની હશે અને આ કલ્પના સાકાર કરવા માટે ગુજરાતે પુરતું આયોજન કર્યું છે. ગુજરાતના તમામ વિધેયકો, તમામ પક્ષના સૌ નેતાઓ અને બધા જ લોકોની આ કલ્પના નિશ્ચિતરૂપે ભારતને દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં અગ્રીમ સ્થાને રજૂ કરશે. શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ મુખ્ય મંત્રીશ્રીના પ્રસ્તાવને અનુમોદન કરીને આ પ્રસ્તાવની ભાવનાથી દેશની અને લોકોની પ્રગતિ થશે તેમ જણાવ્યું હતું.
 
પૂર્વ મુખ્ય મંત્રી શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પોતે જ પરિપૂર્ણ છે. આ સંકલ્પ દ્વારા આપણે શિક્ષિત, સંસ્કારી, સમૃદ્ધ અને વૈશ્વિક સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણનો સંકલ્પ કર્યો છે અને દઢનિશ્ચિય સાથે આપણે એ માટે આગળ વધી રહ્યા છીએ. તેમણે આનંદ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ઉંચુ નિશાન રાખીને આ સંકલ્પમાં આવતીકાલના ગુજરાતના નિર્માણનો નિર્ધાર કરવામાં આવ્યો છે. વિતરણ વિનાની સમૃદ્ધિ અને સમૃદ્ધિ વિનાનું વિતરણ શકય નથી એમ કહીને તેમણે ગુજરાતની સમૃદ્ધિઓનો લાભ ગરીબો અને છેવાડાના લોકો સુધી પહોંચે એવી લાગણી વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકભાગીદારી માટે જનચેતના જગાવવી પડશે. માત્ર સંસદસભ્ય કે ધારાસભ્યો જ નહીં પરંતુ લોકશાહી પ્રક્રિયાથી ચૂંટાયેલા તમામ લોકપ્રતિનિધિઓને સંકલ્પબદ્ધ કરીને લોકભાગીદારી માટે ચેતના જગાવવી પડશે. જેમ સરદાર સરોવર નર્મદા યોજના માટે તમામ પક્ષો એક થયા તે રીતે ગુજરાતના અન્ય મહત્ત્વના મુદ્દાઓના ઉકેલ માટે પણ પક્ષાપક્ષીથી પર ઉઠીને સામૂહિક પ્રયત્નો કરવા પડશે. કવિ નર્મદે ‘‘જય જય ગરવી ગુજરાત'' માં ઉલ્લેખ કર્યો છે તે પ્રમાણે ગુજરાતે બીજાને પ્રેમ-ભક્તિની રીત શીખવવાની છે, એમ તેમણે જણાવ્યું હતું.
 
ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શ્રી માધવસિંહભાઈ સોલંકીએ સંકલ્પના સમર્થનમાં ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘‘ગરવી ગુજરાત''ની કલ્પના કવિ નર્મદે ૧પ૦ વર્ષ પૂર્વે કરી છે. હિન્દુસ્તાનના નકશામાં ખૂણામાં પડેલા પ્રદેશની ખાસિયત એ છે કે, ભગવાન શ્રીકૃષ્ણને પણ જયારે રાજધાની સ્થાપવાની ઇચ્છા થઇ ત્યારે તેમણે દ્વારકા પર પસંદગી ઉતારી હતી. આઝાદી અપાવનાર પૂ. મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને કર્મભૂમિ ગુજરાત રહી. આખા દેશને અખંડ રાખવા પ્રયત્નશીલ સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતે આપ્યા છે. વિઠ્ઠલભાઈ પટેલ અને પુરૂષોત્તમ ગણેશ માવળંકર જેવા સપૂતો પણ ગુજરાતે આ દેશને આપ્યા છે. ગુજરાતની રજે-રજ, નસે-નસ અને ભૂમિમાં એવા પ્રાણ છે જેનું આપણે ગૌરવ લઇ શકીએ. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વર્ણિમ ગુજરાત સંકલ્પની ભાવનાને સહકાર આપતાં તેમણે સફળતા ઇચ્છી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસના માર્ગે આગળ વધશે.
 
કેન્દ્રીય મંત્રી શ્રી દિનશા પટેલે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, મહાન રાષ્ટ્રોના નેતાઓ પણ જેમને આદર્શ માને છે તેવા પૂ. મહાત્મા ગાંધીજીના વિચારો સાથે સુસંગતતા કેળવીને તેમણે દર્શાવેલા માર્ગે આગળ ચાલીએ. સુવર્ણ જયંતિની ઉજવણીને તેમણે ઉત્તમ અવસર તરીકે ગણાવી જણાવ્યું હતું કે, નાનામાં નાના માનવીનો વિકાસ કરવાની આપણી જવાબદારી આપણે સૌએ સાથે મળીને સ્વીકારવી પડશે. સત્ય અને સાદગી સાથે વહીવટી સ્વચ્છતા પર તેમણે ભાર મુકતાં જણાવ્યું હતું કે, આપણે ગામડાની જરૂરિયાતો પુરી કરવાનો સંકલ્પ કરીએ. નર્મદા યોજના ઉપરાંત કૃષિ, શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણી અને માર્ગો જેવા પ્રશ્નોને વાચા આપવા સૌએ એકતાથી પ્રયત્નો કરવા પડશે.
 
વિધાનસભાના અધ્યક્ષ શ્રી અશોકભાઈ ભટ્ટે બેઠકના આરંભે સ્વાગત ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રના સંસદીય ઇતિહાસમાં ગુજરાતનું એક આગવું ઐતિહાસિક પ્રદાન છે. પૂ. ગાંધી અને સરદારની આ ભૂમિ પર સ્વતંત્રતા પછી લોકશાહીનો ગૌરવવંતો ઇતિહાસ રચાયો, એ ગૌરવના ઇતિહાસમાં આજની આ સંસદીય સંકલ્પ પરિષદ એક સોનેરી પ્રકરણ ઉમેરે છે. આઝાદી પૂર્વે પ્રાંતિક ધારાસભાના પ્રથમ અધ્યક્ષ સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને આઝાદી બાદ લોકસભાના પ્રથમ અધ્યક્ષ શ્રી દાદાસાહેબ માવળંકર પણ ગુજરાતના હતા. આ પ્રસંગે પૂજનીય રવિશંકર મહારાજને પણ યાદ કરીને તેમણે જણાવ્યું કે, તેઓએ આ રાજ્યની પ્રથમ જીવરાજ મહેતા સરકારની શપથવિધિ વખતે ગાંધી આશ્રમમાં હૃદયકુંજ ખાતે પ્રતિજ્ઞા લેવડાવી હતી કે, ‘‘મારી સરકાર શોષણની નહીં પોષણની બનશે''. ગુજરાતના પાંચ દાયકાના ઇતિહાસમાં આ સભાગૃહમાં ઉપસ્થિત લોક પ્રતિનિધિઓએ જે સંસદીય ઇતિહાસ રચીને ગુજરાતની યશ કિર્તી વધારી છે તે સૌની વંદનાનો આજે દિવસ છે.
 
શ્રી અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ર૦૧૦ની આ પહેલી તારીખે આપણે સૌ ગુજરાતના ઇતિહાસની સોનેરી ક્ષણોમાં મળી રહ્યા છીએ. પ૦ વર્ષની મજલ કાપી અને ૧લી મે, ર૦૧૦ના રોજ ગુજરાત પ૦ વર્ષનું થવાનું છે તે વર્ષના પહેલા દિવસે ગુજરાતના નીતિ નિર્ધારક જનપ્રતિનિધિઓની આ સભા એક રીતે લોકતાંત્રિક પરંપરાઓમાં અનોખી છે. દુનિયાના ઇતિહાસમાં પ્રજાનો અવાજ રજૂ કરતા પ્રતિનિધિઓ જયારે એક સાથે સંકલ્પ કરે છે, ત્યારે અદ્વિતીય પરિણામો મળ્યા છે. આ પરિષદનું ગૌરવ એ છે કે, પૂર્વ મુખ્ય મંત્રીશ્રીઓ, પૂર્વ અધ્યક્ષશ્રીઓ, કેન્દ્રીય મંત્રીમંડળના સન્માનીય સભ્યશ્રીઓ અને ભારતની રાજનીતિના ટોચના નેતાઓ અડવાણીજી અને જેટલીજીએ ઉપસ્થિત રહીને આ પરિષદનું ગૌરવ વધાર્યું છે.
 
સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પરિષદનો વિચારબીજ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને સૌને આપ્યો એમ કહીને શ્રી અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકપ્રતિનિધિઓએ ગુજરાતની વિરાટ જનશક્તિને વંદના કરવાની આ ઘડી છે. ગુજરાતની જનશક્તિમાં રહેલી નિર્ણયશક્તિ, સંકલ્પ શક્તિનું સ્વાગત કરીએ અને આવતીકાલના સુખી ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, સંસ્કૃત ગુજરાત અને સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે આપણે એક સ્વર, એક સુર, એક લય અને એક ધ્્યેયનો માર્ગ અપનાવીએ.
 
ભારતના પૂર્વ પ્રધાન મંત્રી શ્રી અટલબિહારી વાજપેઇ, કેન્દ્રીય મંત્રી શ્રી પ્રણવ મુખરજી અને શ્રી અહેમદભાઈ પટેલે આ પરિષદને શુભકામનાઓ પાઠવી હતી. અધ્યક્ષ શ્રી અશોકભાઈ ભટ્ટે આ મહાનુભાવોના શુભેચ્છા સંદેશાઓનું પઠન કર્યું હતું.
 
ગુજરાતના પ૦ વર્ષના ઇતિહાસમાં જે મહાનુભાવોએ યોગદાન આપ્યું છે તેની ગાથા વર્ણવતી ‘સ્વર્ણીમ ગુજરાત સંસદીય સ્મૃતિકા-ર૦૧૦' રાજ્ય વિધાનસભાગૃહ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રાજ્યપાલશ્રી ર્ડા. કમલાજીએ અને મહાનુભાવોએ આ સ્મૃતિકાનું વિમોચન કર્યું હતું. સ્વર્ણિમ ગુજરાત વર્ષ દરમિયાન યોજાનારા કાર્યક્રમો અને સુવર્ણજયંતિ વર્ષની ઉજવણીનો ઉદ્દેશ દર્શાવતી દશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ પણ આ પ્રસંગે રજૂ કરવામાં આવી હતી.
 
સમારોહના પ્રારંભે મહાનુભાવોએ આજીવન વંદનીય પૂ. મહાત્મા ગાંધીજી, પ્રેરણા પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, પૂ. રવિશંકર મહારાજ અને મહાગુજરાતના પ્રણેતા પૂ. ઇન્દુલાલ યાજ્ઞિકની તસવીરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
 
આ પ્રસંગે મંચ પર રાજ્યસભાના વિપક્ષના નેતા શ્રી અરૂણ જેટલી, કેન્દ્રીય મંત્રીઓ શ્રી દિનશા પટેલ, શ્રી ભરતસિંહ સોલંકી અને ર્ડા. તુષારભાઈ ચૌધરી ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ ઉપસ્થિત હતા.
Read 2654 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter all the required information, indicated by an asterisk (*). HTML code is not allowed.

morpinch1