
મોરપીંછ.કોમ
અડાલજની વાવ
અડાલજના શાંત ગામમાં આવેલી આ વાવ સેંકડો વર્ષોથી ઘણા યાત્રાળુ અને વેપારી કાફલાઓ માટે આરામનું એક સ્થળ રહી છે. 1499માં વાઘેલા વડાની પત્ની રાણી રૂડાબાઈએ બનાવેલી આ પાંચ મજલાની વાવ માત્ર સાંસ્કૃતિક અને ઉપયોગિતા માટેનું સ્થળ જ નથી, બલકે એક આધ્યાત્મિક આશ્રય પણ છે. એવું મનાય છે કે અહીં ગ્રામજનો રોજ સવારે પાણી ભરવા આવતા, ત્યારે દિવાલોમાં કોતરેલા દેવોને પ્રાર્થના કરતા અને વાવની શીતળ છાયામાં એકબીજા સાથે વાતો કરતા. વાવની છતમાં એક બારું છે, જેમાંથી પ્રકાશ અને હવા અષ્ટકોણીય વાવમાં પ્રવેશે છે. જોકે, સીધો સૂર્યપ્રકાશ સાંજના ટૂંકા ગાળા સિવાય પગથિયાં કે વાવની જમીનને સ્પર્શતો નથી. તેથી કેટલાક સંશોધકો કહે છે કે વાવની અંદરનું વાતાવરણ બહારની બાજુના વાતાવરણ કરતા છ ડીગ્રી ઓછું તાપમાન ધરાવે છે. વાવનું બીજું નોંધપાત્ર લક્ષણ એ છે કે ગુજરાતની ઘણી વાવોમાં આ જ એકમાત્ર વાવ છે, જેને પ્રવેશ માટેની ત્રણ સીડીઓ છે. તમામ સીડીઓ અંદરના પ્રથમ મજલે મોટા ચોરસ પ્લેટફોર્મ પર એકઠી થાય છે. આ પ્લેટફોર્મ ટોચ પર અષ્ટકોણીય બારું ધરાવે છે. આ વાવ ભારતીય-ઇસ્લામી સ્થાપત્ય અને ડીઝાઇનનું પ્રેક્ષણીય ઉદાહરણ છે. હિન્દુ અને જૈન પ્રતીકવાદમાં અનાયાસે એકરૂપ થતી ફૂલોવાળી જટીલ ઇસ્લામી તરાહોની સંવાદિતા એ સમયની સંસ્કૃતિ અને મૂલ્યો દર્શાવે છે. તમામ દિવાલો પૌરાણિક દ્રશ્યો અને સુશોભનોથી કોતરવામાં આવી છે. તેમાં છાશ વલોવતી સ્ત્રીઓના રોજિંદા દ્રશ્યોથી માંડીને સંગીતકારો સાથે તાલ મીલાવતા નૃત્યકારો, શણગાર સજતી સ્ત્રીઓ અને મેજ પર બેઠેલો રાજા જેવા દ્રશ્યોનો સમાવેશ થાય છે. ઘણા મુલાકાતીઓને એક જ પથ્થરમાંથી કોતરેલા અમીકુંભ અને કલ્પવૃક્ષ મોહિત કરે છે. માન્યતા એવી છે કે વાવના કિનારે નવગ્રહોનું નાનકડું ભીંતચિત્ર વાવને દુષ્ટ તત્વોથી બચાવે છે.
સાપુતારા હીલ સ્ટેશન
ઊંડો શ્વાસ લો. છોડો. તમે કુદરતના ખોળે આવી ગયા છો.
શિયાળામાં પ્હો ફાટતાં ગાંધી શિખર પર જાવ. પ્રકાશની નદી ઊંચા નીચા પર્વતો પર વહેતા ઝરણા અને આળસ મરડતા પક્ષીઓને જાગૃતિના જાદુઈ નૃત્યમાં નવડાવી રહી છે.
વર્ષાઋતુમાં ફૂલોથી લચેલી, લીલોતરીના પડઘાં પાડતી સાપુતારાની ઊંચી નીચી પર્વતમાળાઓમાં શ્વાસ લો. અને ઢળતા પાંદડા પર બેસીને ધ્યાન ધરતા વર્ષાબિન્દુઓને નિહાળો. તમારી આસપાસ રાજ્યના સૌથી ગાઢ વનાચ્છાદનો પૈકીનું એક ઉભું છે.
ઉનાળામાં ગવર્નર્સ હિલના વિસ્તારમાં બિન્ધાસ્તપણે ચાલો અને આકાશમાં તારા ટમટમવા માંડે ત્યારે સાપુતારા તળાવમાં ડૂબકી મારતા સૂર્યનો અવાજ સાંભળો.
જેવી તમારી બસ અંબિકા નદી પર થઈને પર્વત ચડવા માંડે છે કે તમે નગરો અને શહેરોની ભીડ તમારી પાછળ છોડી દો છો અને આદિવાસી લોકોના સશક્ત વિશ્વમાં દાખલ થાવ છો. સહ્યાદ્રીની ગિરિમાળામાં, લગભગ 1000 મીટરની ઊંચાઈએ આવેલા આ ડાંગી વિસ્તારનું નામ આદિવાસીઓના પૂજનીય સાપ દેવના નામ પરથી પડ્યું છે, જેનો અર્થ થાય છે ‘સાપનું ઘર’, એટલે કે સાપુતારા.
ગુજરાતના એકમાત્ર ગિરિમથક હોવા છતાં તેનું ઓછામાં ઓછું વ્યાપારીકરણ થયું છે અને હજુ પણ દૂષિત થયું નથી.
સુઝૂકી કંપનીના માલિક ગુજરાતની મુલાકાતે
જાપાનની સુઝૂકી મોટર કોર્પોરેશનના ચેરમેન અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓસામુ સુઝૂકી અને મારુતિ સુઝૂકી ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તથા સીઈઓ શિન્ઝો નાકાનિશી શનિવાર, ૨૫ ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં બેચરાજી નજીકના હંસલપુર ખાતે તેમની કંપનીના પ્લાન્ટની મુલાકાતે ગયા હતા. તે પહેલા તેઓ ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાતે ગયા હતા. સુઝૂકીની માલિકીની મારુતિ સુઝૂકીના હરિયાણામાં માનેસર સ્થિત પ્લાન્ટમાં કામદારોના અસંતોષને લીધે ઉત્પાદનને માઠી અસર પહોંચી હોવાથી તેના હંસલપુર પ્લાન્ટ ખાતે વાહનોના ઉત્પાદનની ક્ષમતા ડબલ કરવાનું નક્કી કર્યું છે. ૭૦૦ એકરની જમીનમાં પથરાયેલો હંસલપુર પ્લાન્ટ ૨૦૧૫-૧૬ સુધીમાં શરૂ થઈ જવાની ધારણા છે. સુઝૂકી કંપનીના માલિક ઓસામુ સુઝૂકીને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરે છે નરેન્દ્ર મોદી.
પાંચ વર્ષમાં દેશનાં તમામ ઘરોને વીજળી મળશે : PM
વડાપ્રધાન ડૉ. મનમહોન સિંઘે સ્વતંત્રતા દિવસ પર સવારે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. તેમણે પહેલા ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. દેશની જનતાને અહીંથી તેમણે સંબોધન કર્યું હતું. દેશના 66મા સ્વતંત્રતા દિવસ પર સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે, ત્યારે લાલ કિલ્લા પર પણ તેની ધૂમ જોવા મળતી હતી.
સ્વતંત્રતા દિવસના અનુસંધાને લાલ કિલ્લાની આજુબાજુ તથા સમગ્ર દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રંસગે કેન્દ્ર સરકારના પ્રધાનો કપિલ સિબ્બલ, આનંદ શર્મા, એ. કે. એન્ટોની,. પી. ચિદમ્બરમ વગેરે હાજર રહ્યાં હતાં. ઉપરાંત લોકસભાના સ્પીકર મીરા કુમાર અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ વિશેષ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. વડાપ્રધાને લાલકિલ્લા પરથી કરેલાં પ્રજાજોગ સંબોધન અને કાર્યક્રમના મુખ્ય અંશો આ પ્રમાણે છે.
-દેશમાંથી ભ્રષ્ટાચારને નાબુદ કરવો જરૂરી છે. રાજ્યસભામાં જનલોકપાલ બીલને પસાર કરવા માટે રાજકીય પક્ષો સરકારની મદદ કરે.
-જીડીપીનો લક્ષ્યાંક 6.5 હાંસલ કરવાનો લક્ષ્યાંક
-ખરાબ ચોમાસાંનાં કારણે ખેત ઉત્પાદન પર અસર થઈ શકે છે, પરંતુ દેશનાં અનાજનાં ભંડારો ભરેલાં હોવાથી ચિંતાને કારણ નહીં
-દેશને મંદીથી બચાવવા માટે પગલાં લેવાની જરૂર છે. આ માટે સરકાર કટિબદ્ધ છે.
-દેશમાં એક વર્ષ દરમિયાન 51 હજાર સ્કૂલો ખોલવામાં આવી
-દેશભરમાં દુરદર્શન દ્વારા લાલ કિલ્લા પરથી વડાપ્રધાનનાં સંબોધનનું સીધું પ્રસારણ
-વિશેષ બુલેટપ્રૂફ બોક્સમાંથી વડાપ્રધાનનું સંબોધન
-વડાપ્રધાને દેશમાંથી ગરીબી અને નિરક્ષરતાને હટાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
-દેશમાં ગરીબ વર્ગને મફતમાં જીવ બચાવવા જરૂરી દવાઓ મળે તે માટેની યોજના પર સરકાર કામ કરી રહી છે.
-વડાપ્રધાને આગામી પાંચ વર્ષમાં દેશનાં તમામ ઘરોને વીજળી પૂરી પાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
-યુવાનો માટે વિવિધ યોજનાઓ સરકાર તૈયાર કરી રહી છે.
-ગ્રામીણ આરોગ્ય મિશનને ટૂંક સમયમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન બનાવવામાં આવશે.
-ગરીબોને ઘર બનાવવા માટે વ્યાજના દરમાં છૂટ આપવામાં આવશે.
-આંતરિક સુરક્ષા સરકારની પ્રાથમિક્તા છે.
-નક્સલવાદ દેશની સામે મુખ્ય પડકાર છે, જેને નાથવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
-આસામમાં હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે.
વીજળી સંકટ મુદ્દે નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન પર કટાક્ષ
ઉત્તર ભારતમાં સતત બે દિવસ ઉભા થયેલા વીજળીસંકટને લઈને ટીમ અણ્ણા, વિપક્ષના આરોપો બાદ બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર અને તેમાં પણ ખાસ કરીને વડાપ્રધાન પર જોરદાર કટાક્ષ કર્યો હતો.
ભાજપના રાષ્ટ્રિય પ્રવક્તા પ્રકાશ જાવડેકરે પણ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે છેલ્લા બે દિવસથી દેશ સૌથી ખરાબ કહેવાતા વીજળી સંકટ સામે ઝઝુમી રહ્યો છે. આ ઘટનાને લઈને દુનિયામાં દેશનું સમ્માન ઘટ્યું છે.
ગગન નારંગે બ્રોન્ઝ મેડલ જીતી ભારતનું ખાતું ખોલાવ્યું
ભારતીય શૂટરે તાઓ વાન્ગના શૉટ્સ જોયા પછી કોઈ પણ ભોગે તેનાથી આગળ રહેવાય એ રીતે પર્ફોમ કર્યું અને એમાં સફળ થયો
ગઈ કાલે ભારતે શૂટર ગગન નારંગના બ્રૉન્ઝ મેડલ સાથે લંડન ઑલિમ્પિક્સમાં ખાતું ખોલાવ્યું હતું. ગગનને ચાઇનીઝ વાનગીઓ ખૂબ ભાવે છે અને તેણે ગઈ કાલે બપોરે લંચમાં એની જ મોજ માણી હતી. ત્યાર પછી ૧૦ મીટર ઍર રાઇફલની હરીફાઈમાં તેણે પોતાને પરચો બતાવ્યો હતો.
ગગન ફાઇનલમાં વારાફરતી બીજા, ત્રીજા અને ચોથા નંબર પર રહેતો હતો, પરંતુ અંતિમ રાઉન્ડમાં તેણે ચીનના શૂટર તાઓ વાન્ગના શૉટ્સનું બરાબર નિરીક્ષણ કર્યું હતું. તાઓનો પડકાર કુલ ૭૦૦.૪ પૉઇન્ટ સાથે પૂરો થયો હતો અને ત્યારે ગગને મનોમન નક્કી કરી લીધું હતું કે પ્રથમ કે સેકન્ડ ન આવી શકાય તો કાંઈ નહીં, પણ કોઈપણ ભોગે તાઓને ચોથા નંબરે રાખીને ત્રીજો નંબર તો મેળવી જ લેવો. ગગને ધાર્યું હતું એવું કરી બતાડ્યું હતું. ગગને કુલ ૭૦૧.૧ પૉઇન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું અને તેને બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો.
ગગને જીતી ગયા પછી પત્રકારોને કહ્યું હતું કે ‘આગલી બે ઑલિમ્પિક્સમાં હું ફાઇનલ્સમાં ક્વૉલિફાય નહોતો થઈ શક્યો એટલે આ મહા રમતોત્સવનો મેડલ જીતવાની મને વષોર્થી ઇચ્છા હતી જે આજે પૂરી થઈ છે એટલે મારા પરથી બહુ મોટો બોજ દૂર થઈ ગયો હોય એવું મેહસૂસ કરી રહ્યો છું.’
રોમાનિયાના અલિન જ્યૉર્જ મોલ્દોવેનુ (૭૦૨.૧)એ ગોલ્ડ મેડલ અને ઇટલીના નિકોલો કૅમ્પ્રિયાની (૭૦૧.૫)એ સિલ્વર મેડલ જીતી લીધો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચોખ્ખા નફામાં ૨૧ ટકાનું ગાબડું
મુકેશ અંબાણી જૂથની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૨૧ ટકા ઘટીને ૪૪૭૩ કરોડ રૂપિયા થયો છે, જે આગલા વર્ષે આ સમયગાળામાં ૫૬૬૧ કરોડ રૂપિયા થયો હતો.
ઑપરેટિંગ નફો ૧૧,૦૦૫ કરોડ રૂપિયાથી ૨૧.૪૦ ટકા ઘટીને ૮૬૫૧ કરોડ રૂપિયા અને કરવેરા પહેલાંનો નફો ૭૨૬૪ કરોડ રૂપિયાથી ૨૫ ટકા ઘટીને ૫૪૩૩ કરોડ રૂપિયા થયો છે. ટર્નઓવર ૮૩,૬૮૯ કરોડ રૂપિયાથી ૧૩.૪૦ ટકા વધીને ૯૪,૯૨૬ કરોડ રૂપિયા થયું છે. શૅરદીઠ કમાણી ૧૭.૩૦ રૂપિયાથી ૨૦.૮૦ ટકા ઘટીને ૧૩.૭૦ રૂપિયા થઈ છે. નિકાસ ૬.૮૦ ટકા વધીને ૫૫,૨૬૧ કરોડ રૂપિયા થઈ છે. વ્યાજખર્ચ ૫૪૫ કરોડ રૂપિયાથી ૪૪ ટકા વધીને ૭૮૪ કરોડ રૂપિયા થયો છે. કંપનીનું ડેટ માર્ચ ૨૦૧૨ના અંતે ૬૮,૨૫૯ કરોડ રૂપિયા હતું એ જૂન ૨૦૧૨ના અંતે વધીને ૭૩,૨૧૩ કરોડ રૂપિયા થયું છે. જૂન ૨૦૧૨ના અંતે કૅશ સરપ્લસ ૭૦,૭૩૨ કરોડ રૂપિયા રહી છે. જૂનમાં પૂરા થયેલા ક્વૉર્ટરમાં કંપનીએ ૨,૮૫,૮૫,૦૬૧ ઇક્વિટી શૅર્સ બાયબૅક કર્યા છે. રીટેલ બિઝનેસનું ટર્નઓવર ૪૨ ટકા વધીને ૨૨૬૯ કરોડ રૂપિયા થયું છે.
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર : સેહવાગ, ઝહિરની વાપસી, સચિનને આરામ
શ્રીલંકા સામે પાંચ વન-ડે અને એક ટ્વેન્ટી૨૦ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અપેક્ષા પ્રમાણે વિરેન્દ્ર સેહવાગ અને ઝહિરખાનની વાપસી થઈ છે. ઈજાને કારણે સેહવાગ અને ઝહિરનો એશિયા કપમાં રમ્યા ન હતા. જ્યારે બીજી તરફ હાલમાં જ રાજ્યસભાના સભ્ય બનેલા સચિન તેંડુલકરે શ્રીલંકા પ્રવાસમાં ન જવાનો નિર્ણય કર્યા છે.
'ગૉડ પાર્ટિકલ'નાં રહસ્ય પરથી પડદો ઊચકાયો
જીનેવામાં વૈજ્ઞાનિકોએ બુધવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે, તેમને પ્રયોગ દરમિયાન નવા કણ મળ્યાં છે, જેની ઘણીખરી ખૂબીઓ હિગ્સ બોસોન સાથે મળે છે. તેમને જણાવ્યું કે વૈજ્ઞાનિક નવા કણોના પૃથ્થકરણમાં જોડાઈ ગયા છે. જો કે તેમને એવું પણ કહ્યું છે કે આ નવા કણોનાં અનેક ગણા હિગ્સ બોસોન થિયરીથી મેળ નથી ખાતો. છતાં આને બ્રહ્માંડના રહસ્ય ખોલવાની દિશામાં એક મુખ્ય સફળતા માનવામાં આવી રહી છે.
ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી 'બોસોન' નામ અપાયું
બોસોન પરમાણુમાં હમણાં સુધી જ્ઞાત તમામ નાના કણ છે. પરમાણુની બનાવટમાં ન્યૂક્લિયસની અંદર પ્રોટોન સુધી પહોંચીને પણ વૈજ્ઞાનિકો દુનિયાની બનાવટનું રહસ્ય નથી ભેદી શક્યા. બાદમાં પ્રોટોનની બનાવટને સમજવાની પ્રક્રિયામાં એક ખાસ કણનો આભાસ થયો જેને બોસોન નામ અપાયું. ખાસ વાત એ રહી કે બોસોન નામ ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્ર બોસના નામ પરથી લેવાયું છે જે આઈન્સ્ટાઈનના સમકાલિન હતા.
સદીની સૌથી મોટી શોધ?
આને સદીની સૌથી મોટી શોધ કહેવામાં આવી રહી છે. એવું સમજાવવામાં આવે છે કે આ કણોના પૃથ્થકરણ વડે વૈજ્ઞાનિક સૃષ્ટિનું રહસ્ય ઉકેલાઈ જશે. એવું પણ જણાવાઈ રહ્યું છે કે એકવાર બોસોનનું રહસ્ય સમગ્ર રીતે સમજાઈ જાય તો બાદમાં કોઈ પણ બીમારી અસાધ્ય નહીં રહે.
આ અગાઉ ફ્રાંસ અને સ્વિટઝર્લેન્ડની સીમા પર જીનેવામાં બનેલી સૌથી મોટી પ્રયોગશાલામાં દુનિયા ભરના મોટા વૈજ્ઞાનિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. યૂરોપીયન ઑર્ગેનાઈઝેશન ફૉર ન્યૂક્લિયર રિસર્ચ (સર્ન)ના જીનેવાની પાસે સ્થિત ફિઝિક્સ રિસર્ચ સેન્ટરના સંશોધકોએ જણાવ્યું કે ગૉડ પાર્ટિકલની જાણ ત્યારે થઈ જ્યારે એટલસ અને સીએમએસના પ્રયોગો સાથે સંકળાયેલ વૈજ્ઞાનિકોએ લાર્જ હેડ્રોન કૉલાઈડરને ઝડપથી ચલાવીને સેંકડો કણોને પરસ્પર અથડાવ્યા હતા. આ દરમિયાન બોસોનનાં ચમકતા અંશ સામે આવ્યા હતા, પરંતુ તેને પકડવા શક્ય નહોતા. આની સાથે સંકળાયેલ સંશોધકે જણાવ્યું કે આ બંને પ્રયોગો એક માસ લેવલ પર ગૉડ પાર્ટિકલના અસ્તિત્વનો સંકેત આપી રહ્યા છે.
નિષ્ણાતો માની રહ્યા છે કે, જો હિગ્સ બોસોનનાં કારણનું સમર્થન મળે તો આ બ્રહ્માંડનાં તમામ મૂળભૂત તત્વોનો રહસ્યો સામે લાવી શકાય તેમ છે. આ શોધને પાછલા 100 વર્ષોમાં સૌથી મોટી શોધખોળ ગણાય છે.
મુસ્લિમ મતોને લઈને શંકર સિંહના નિવેદનથી હોબાળો
ગુજરાત કોંગ્રેસના મોવડી ગણાતા શંકર સિંહ વાઘેલાએ ગઈ કાલે રવિવારે ગાંધીનગર જીલ્લાના કોબા ખાતે કોંગ્રેસ અલ્પસંખ્યક પ્રકોષ્ઠની એક સભાને સંબોધતા કરેલા ભાષણને લઈને વિવાદ ઉભો થવા પામ્યો છે.
શંકર સિંહે મુસ્લિમોની આ સભામાં કહ્યું હતું કે અમે તમાર પર જ નિર્ભર છીએ. કોંગ્રેસ પર પહેલાથી જ મુસ્લિમ સમર્થક પાર્ટી હોવાનો આરોપ છે. તેથી અમને વિજયી બનાવવાની જવાબદારી તમારા પર છે. વાઘેલાએ કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના તમામ મુસલમાનોએ મોટી સંખ્યામાં સામે આવીને કોંગ્રેસના પક્ષમાં મતદાન કરવું પડશે.
શંકર સિંહ વાઘેલાના આ નિવેદનને લઈને ભારે હોબળો મચી જવા પામ્યો છે. રાજ્યની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ વાઘેલાના આ નિવેદનને વોટની રાજનીતિ ગણાવીને વખોડી કાઠ્યો હતો.
સભામાં વાઘેલાએ જણાવ્યું હ્તું કે હું અગાઉ રાધનપુરમા તમારા (મુસ્લિમો)ના કારણે શંકરૂલ્લાહ ખાનના રૂપમાં બદનામ થઈ ચુક્યો છું.
ઉલ્લેખનીય છે કે વાઘેલા 1997માં રાધનપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતાં. આ ચૂંટણી દરમિયાન વિરોધપક્ષના ઉમેદવારોએ વાઘેલાને મુસ્લિમ ટોપી પહેરેલા દર્શાવતા પોસ્ટર વહેંચ્યા હતાં.