સાહિત્યકાર પરિચય (2)
Latest News
ઊમાશંકર જોષી
Wednesday, 03 August 2011 18:58 Written by મોરપીંછ.કોમ
ઊમાશંકર જોષી
ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામડા બામણામાં 1911માં જન્મેલા કવિ ઉમાશંકર જોશીએ ડુંગરિયાળ પ્રદેશની પ્રકૃતિ અને ગામડાઓનાં સામાજિક જીવન તેમજ મેળાઓ, ઉત્સવોમાંથી શબ્દસર્જનની પ્રેરણા મેળવી. ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાઈને તેમણે ઇતિહાસના વિશાળ ફલકની સમજ કેળવી. વીસમી સદીના દેશના અને દુનિયાના પ્રશ્નો-- સામાજિક અસમાનતાથી માંડીને અણુયુદ્ધના વિષમતા --ના પડકારોને એક કલાકાર તરીકે ઝીલવાનો પ્રયત્ન કર્યો, વીસમી સદીમાં અનેકરૂપે પ્રગટ થયેલી હિંસા અને બધાના કેન્દ્રમાં રહેલી મનુષ્ય માટેની નિસબત એ એમના સમગ્ર જીવન અને સર્જનની સામાન્ય વૈચારિક ભૂમિ રહી છે.
તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાનમાટે જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનવામા આવ્યા.તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી ની ભારે અસર પડેલ હતી.
રચનાઓ
- મુખ્ય કૃતિ - નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
- કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞ, સાતપદ
- એકાંકી- સાપનાભારા, હવેલી
- વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો
- નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી
- સંશોધન – પુરાણોમાં ગુજરાત
- વિવેચન – 'અખો' એક અધ્યયન ; કવિની શ્રદ્ધા
- અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત ,
- બાળગીત - સો વરસનો થા
- સામયિક સંપાદન: 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪
પુરસ્કારો
- જ્ઞાનપીઠ એવોર્ડ - ૧૯૬૭
- રણજિતરામ સુવર્ણચંદ્રક - ૧૯૩૯
- નર્મદ સુવર્ણ ચંદ્રક - ૧૯૪૭
- સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ - (??)
તેમનું પ્રસિદ્ધ કાવ્ય
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
Published in સાહિત્યકાર પરિચય
Popular News
ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૬ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો…
ઊમાશંકર જોષી ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામડા બામણામાં 1911માં…