ભારતીય ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદે વર્લ્ડ ચેસમાં પોતાનું કિંગડમ જાળવી રાખતાં બુધવારે ભારે રસાકસી બાદ ઇઝરાયલના બોરિસ ગેલફેન્ડને ટાઈબ્રેકરમાં હરાવીને પાંચમી વખત વર્લ્ડ ચેસ ટાઇટલ જીતી લીધું હતું. આ સાથે આનંદે સળંગ ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી.
અહીંના સ્ટેટ ટ્રેટયાકોવ ગેલેરી ખાતે યોજાયેલા મુકાબલામાં બંને વચ્ચેની ૧૨ ગેમને અંતે સ્કોર ૬-૬થી બરાબરી પર રહ્યા બાદ બુધવારે ટાઈબ્રેકરની મદદથી પરિણામ લાવવામાં આવ્યું હતું જેમાં ત્રીજી ગેમ જીતવા ઉપરાંત બાકીની ગેમ ડ્રો કરીને આનંદે અંતે ૨.૫-૧.૫ના સ્કોરથી ટાઈબ્રેકર જંગ જીતી લીધો હતો.
૨૦૦૭ પછી વિશ્વનાથન આનંદે દરેક વર્લ્ડ ચેમ્પિયનશિપના ટાઇટલ જીતેલા છે. આ સફળતાનો અર્થ એ થયો કે કિંગ ઓફ ચેસ આનંદનું વર્લ્ડ ટાઈટલ હવે ૨૦૧૪ સુધી અકબંધ રહેશે.
આનંદની સફળતાનું રહસ્ય તેવી ઝડપી રમત હતી. ઘણી વખત એમ બનતું હતું કે ગેલફેન્ડ પાસે ક્યારેક થોડી સેકન્ડ માંડ બચતી હતી જેની સામે આનંદ ઘણી મિનિટ બાકી રાખીને મૂવ ચાલી લેતો હતો.
ગેલફેન્ડ વ્હાઇટ મહોરાથી શરૂઆત કરી હતી પરંતુ સેમિસ્લાવ ડિફેન્સ સુધી પહોંચ્યા બાદ આનંદની તરફેણમાં આવી ગઈ હતી. આનંદે ભૂલ કરી હોવા છતાં ગેલફેન્ડ તકનો લાભ લઈ શક્યો ન હતો, કેમ કે તેની પાસે સમય ઓછો પડ્યો હતો. પ્રથમ અને બીજી ગેમ ડ્રો રહ્યા બાદ બંને ખેલાડી સરભર હતા ત્યારે આનંદે ત્રીજી ગેમ જીતી લઈને રોમાંચ પેદા કર્યો હતો. ચોથી ગેમ ડ્રો રહે તો પણ આનંદના ૨.૫ પોઇન્ટ થઈ જાય અને તે ચેમ્પિયન બની જાય અને બરાબર એમ જ બન્યું હતું. ચોથી ગેમ ડ્રો રહેતા આનંદ સળંગ ચોથી વખત વિશ્વ ચેસનો તાજ જીતી ગયો હતો.
000