ભારતીય શૂટરે તાઓ વાન્ગના શૉટ્સ જોયા પછી કોઈ પણ ભોગે તેનાથી આગળ રહેવાય એ રીતે પર્ફોમ કર્યું અને એમાં સફળ થયો
ગઈ કાલે ભારતે શૂટર ગગન નારંગના બ્રૉન્ઝ મેડલ સાથે લંડન ઑલિમ્પિક્સમાં ખાતું ખોલાવ્યું હતું. ગગનને ચાઇનીઝ વાનગીઓ ખૂબ ભાવે છે અને તેણે ગઈ કાલે બપોરે લંચમાં એની જ મોજ માણી હતી. ત્યાર પછી ૧૦ મીટર ઍર રાઇફલની હરીફાઈમાં તેણે પોતાને પરચો બતાવ્યો હતો.
ગગન ફાઇનલમાં વારાફરતી બીજા, ત્રીજા અને ચોથા નંબર પર રહેતો હતો, પરંતુ અંતિમ રાઉન્ડમાં તેણે ચીનના શૂટર તાઓ વાન્ગના શૉટ્સનું બરાબર નિરીક્ષણ કર્યું હતું. તાઓનો પડકાર કુલ ૭૦૦.૪ પૉઇન્ટ સાથે પૂરો થયો હતો અને ત્યારે ગગને મનોમન નક્કી કરી લીધું હતું કે પ્રથમ કે સેકન્ડ ન આવી શકાય તો કાંઈ નહીં, પણ કોઈપણ ભોગે તાઓને ચોથા નંબરે રાખીને ત્રીજો નંબર તો મેળવી જ લેવો. ગગને ધાર્યું હતું એવું કરી બતાડ્યું હતું. ગગને કુલ ૭૦૧.૧ પૉઇન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું અને તેને બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો.
ગગને જીતી ગયા પછી પત્રકારોને કહ્યું હતું કે ‘આગલી બે ઑલિમ્પિક્સમાં હું ફાઇનલ્સમાં ક્વૉલિફાય નહોતો થઈ શક્યો એટલે આ મહા રમતોત્સવનો મેડલ જીતવાની મને વષોર્થી ઇચ્છા હતી જે આજે પૂરી થઈ છે એટલે મારા પરથી બહુ મોટો બોજ દૂર થઈ ગયો હોય એવું મેહસૂસ કરી રહ્યો છું.’
રોમાનિયાના અલિન જ્યૉર્જ મોલ્દોવેનુ (૭૦૨.૧)એ ગોલ્ડ મેડલ અને ઇટલીના નિકોલો કૅમ્પ્રિયાની (૭૦૧.૫)એ સિલ્વર મેડલ જીતી લીધો હતો.
000