Thursday, 29 September 2022 | Login
મોરપીંછ.કોમ - મોરપીંછ.કોમ
મોરપીંછ.કોમ

મોરપીંછ.કોમ

રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે નર્મદા યોજનાના નિર્માણમાં સહભાગી બનીને જમીન આપનારા ખેડૂતોને સંપાદિત જમીનનું યોગ્ય વળતર મળે તે માટેના પ્રોત્સાહક નીતિવિષયક નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, નર્મદા યોજનાની કેનાલો માટેની જમીન આપનારા ખેડૂતોને તાજેતરમાં નવી જંત્રી પ્રમાણેના ભાવો ઉપરાંત વધારાનું ૩૦ ટકા સોલેસીયમ વળતર મળવાપાત્ર થશે. પ્રવકતામંત્રીશ્રીએ જણાવ્યું કે, સુધારેલ નવી જંત્રી આધારિત વળતરની નવી નિતીથી ૮ જિલ્લાના ર૧૬૭૧ હેકટર જમીનના ૮૬૧૩ર ખેડુતોને તેનો લાભ ળશે. જેમાં જૂની જંત્રી પ્રમાણે ૧૦૧૮૩ હેકટર જમીનના પપ૩૯પ ખેડુતોને પણ સુધારેલ નવી જંત્રી મુજબના વળતરની યોજનાનો લાભ મળશે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના લાખો ખેડૂતોને જમીનના વેચાણ માટેના વર્ષો જૂના શોષણમાંથી મૂકિત અપાવવા ખેતીથી ખેતી માટે અને બિન ખેતીની જમીનને નવી શરતમાંથી જૂની શરતમાં તબદીલ કરવા માટેના પિ્રમીયમમાં પ૦ ટકાનો ધટાડો કરીને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. નર્મદા યોજનાની કેનાલોના કમાન્ડ વિસ્તાર માટે પણ પોતાની જમીન સંપાદન કરવા માટે આપનારા કિસાનોને પણ યોગ્ય વળતર મળી રહે તેવી પ્રોત્સાહક નીતિ તૈયાર કરવા મુખ્યમંત્રીશ્રીએ ત્રણ મંત્રીશ્રીઓ મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, જળસંપત્તિ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તથા નાણાં રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલની સમિતિને જવાબદારી સુપરત કરી હતી, અને તેના આધારે નર્મદા યોજનાના કેનાલ બાંધકામમાં ગતિ આવે તે હેતુથી જમીન સંપાદનમાં સહભાગી બનતા ખેડૂતોને જેઓએ જૂની જંત્રી પ્રમાણે વળતર મેળવ્યું છે તેઓને પણ નવી જંત્રીની મુજબ વળતરનો લાભ મળશે.

નર્મદા યોજનાના કમાન્ડ વિસ્તાર માટે કુલ ર૧૬૭૧ હેકટર જમીન સંપાદિત કરવાની થાય છે, અને તે માટે જૂની જંત્રી પ્રમાણે પ૦૦ કરોડ રૂપિયા ચુકવવાના થતા હતા હવે તેની સામે રાજ્ય સરકારની નવી નિતીથી સુધારેલ જંત્રી મુજબ ૧ર૭૦ કરોડ રૂપિયા રકમની ચુકવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. આમ ૭૭૦ કરોડની વધારાની રકમ ખેડુતોને ચુકવાશે. આ રકમ સીધેસીધી ખેડુતોના બેંક એકાઉન્ટમાં જમા કરવા માટે પણ રાજ્ય સરકારે નીતિ અખત્યાર કરેલી છે.

ગુજરાત સરકારે નર્મદા યોજના માટેના કમાન્ડ વિસ્તારની કેનાલોના કામ માટે જમીન સંપાદનના વળતર માટે તા.૧૧/પ/ર૦૧૦થી પ્રવર્તમાન જંત્રી ભાવે વળતર આપવાનું નકકી કર્યું હતું. આ નિતી ગુજરાતના ખેડુતોએ આવકાર આપી કમાન્ડ વિસ્તારમાં આવતા અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં ખૂબ જ સાનુકુળ પ્રતિભાવ મળેલ અને અત્યાર સુધીમાં ૧૦૧૮૩ હેકટર જમીન જંત્રી આધારિત સંમત્તિથી સંપાદિત કરવામાં આવેલી છે.

તાજેતરમાં રાજ્ય સરકારે નવી જંત્રીની ધોષણા કરી છે. રાજ્યમાં નર્મદા યોજનાની કેનાલોનું કામ ઝડપથી આગળ વધે અને ખેડુતોને તેમની સંપાદિત થયેલી જમીનનું યોગ્ય વળતર મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખેડુતો માટે પ્રોત્સાહક નિતી અપનાવી સુધારેલ નવી જંત્રી મુજબના ભાવો ઉપરાંત વધારાના ૩૦ ટકા સોલેશ્યમની રકમ આપવાનો મહત્વનો નિતી વિષયક નિર્ણય કરવામાં આવ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમને ચાલુ વર્ષે વર્ષ ર૦૧૧-૧રમાં ૬૮૩પ કરોડ રુપિયાના બજેટની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે જુની જંત્રી આધારિત સંપાદિત થયેલ જમીનના ખેડુતોને નવી જંત્રી આધારિત વળતરની તફાવતની રકમની ચુકવણીની કાર્યવાહી સરદાર સરોવર નર્મદા નિગમને તાત્કાલિક હાથ ધરી પૂરી કરવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગામડાની બધી જ આર્થિક શક્તિને સંપૂટ કરીને ગુજરાતના ગામડાને સુખી અને સમૃદ્ધ બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

એક મહિનાના કૃષિ મહોત્સવના અભિયાનને આગળ ધપાવતાં મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતને કૃષિ ક્રાંતિનું નેતૃત્વ અપાવવા આહ્વાન કર્યું હતું.

અખાત્રીજથી ગુજરાતમાં શરૂ થયેલા કૃષિ મહોત્સવના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓનો વિશાળ કૃષિ મેળો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપૌંઢા ગામે મુખ્ય મંત્રીશ્રીએ ખુલ્લો મુકયો હતો. વનવાસી કિસાન શક્તિના સામર્થ્યની પ્રતિતીરૂપે આદિવાસીઓના કૃષિ અને પશુપાલન આધારિત સમૃદ્ધિના સપના સાકાર કરવા તાલુકા કૃષિ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

મોટાપૌઢામાં વનવાસી ક્ષેત્રોના પશુપાલકો માટે એક લાખ લીટર દૂધની પ્રક્રિયાનું રૂપાંતર કરવાની ક્ષમતા ધરાવતા મિલ્ક ચિલિંગ પ્લાન્ટ અને મોડર્ન પેકેજિંગ સેન્ટરનું લોકાર્પણ કરીને નાના પૌંઢામાં કૃષિ મહોત્સવમાં આવી પહોંચેલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભરઉનાળામાં એક મહિના સુધી ૧૮,૦૦૦ ગામોમાં કૃષિ મહોત્સવના માધ્યમથી ગ્રામ વિકાસના સર્વાંગી સપના સાકાર કરવામાં કિસાન પરિવારોના ઉમંગને આવકાર્યો હતો.

ધોમધખતા ઉનાળામાં ખેડૂતોની અને ખેતીની ચિંતા કરનારી આ સરકારની પ્રતિબદ્ધતાની રૂપરેખા આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, કૃષિ મહોત્સવની સફળતાએ ગુજરાતને ભારતમાં કૃષિક્રાંતિના નેતૃત્વનું ગૌરવ અપાવ્યું છે. ખેડૂતની અનેકવિધ પ્રકારની મૂંઝવણો અને મુશ્કેલીઓનો ઉકેલ આ કૃષિ મહોત્સવના અભિયાનથી ગુજરાત સરકાર લાવી શકી છે. ચાર કૃષિ યુનિવર્સિટીઓના ૭૦૦ જેટલા કૃષિ વૈજ્ઞાનિકો અને એક લાખ જેટલા સરકારી કર્મયોગીઓ ખેતરો ખૂંદી રહ્યા છે. તેના પરિણામે સાત-સાત વર્ષથી ગુજરાતના કિસાનોએ ખેતીનું ઉત્પાદન અગાઉ રૂા. ૧૪,૦૦૦ કરોડની કૃષિની આવક હરણફાળ ભરીને રૂ. પ૯,૦૦૦ કરોડ ઉપર પહોંચી છે અને આ વર્ષે તો રૂા. ૭૦,૦૦૦ કરોડનો ખેત ઉત્પાદનનો વિક્રમ સર્જશે.

મોટાપૌઢાના મિલ્ક ચિલીંગ પ્લાન્ટના લોકાર્પણનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આદિવાસી કિસાન પરિવારની નારીશક્તિએ હવે દૂધના વેપારમાં પોતાનું સામર્થ્ય પુરવાર કર્યું છે.

ખેતીવાડીના બધા જ પાસાઓ વિશે ખેડૂતને સમજ આપવાના અનેક પ્રયોગોથી જમીનની સુધારણા થઇ, ઉત્તમ બિયારણ અને સરખી માવજતથી બાગાયત ખેતીમાં વાડી પ્રોજેકટથી આદિવાસી ખેડૂત મબલખ આવક મેળવતો થયો છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનની ગુણવત્તા ટકાવી રાખવાના રાજ્ય સરકારના આ પ્રયોગને ભારત સરકારે પણ દેશમાં અપનાવવાની નેમ રાખી છે. ગુજરાત સરકારની જમીન અને પાણીની સમસ્યા ઉકેલવા કેટકેટલી મથામણ કરી છે તેની રૂપરેખા તેમણે આપી હતી અને ખેતીના સુધારેલા આધુનિક ઓજારોથી યાંત્રિક ખેતી માટે કૃષિ ટેકનોલોજી ગામડામાં કિસાનો સામૂહિક ધોરણો અપનાવતા થયા છે.

મૂલ્યવર્ધિત ખેતીના રૂપાંતર પ્રક્રિયાથી આદિવાસી ક્ષેત્રમાં કેળાની ખેતી અને તેની મૂલ્યવર્ધિત પેદાશોની નિકાસ માટે પણ વનવાસી ખેડૂતો કઇ રીતે સક્ષમ બને તેની સ્વયંસ્પષ્ટ સમજ પણ મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી. ખેતીની સાથે પશુપાલનની સમૃદ્ધિ સાથે ગુજરાત સરકારે હવે ખેતીને ત્રણ ભાગમાં વિકસાવવા ખેડૂતોને આહ્વાન કરતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, નિયમિત ખેતી, પશુઉછેર દ્વારા દૂધ ઉદ્યોગ અને વૃક્ષોની ખેતીથી ખેડૂતની સમૃદ્ધિમાં વધારો થયો છે.

પશુ-છાત્રાલયનો આખા દેશમાં પશુ ઉછેરનો પર્યાવરણલક્ષી પ્રયોગ પહેલીવાર આકોદરા એનિમલ હોસ્ટેલ શરૂ કરીને સફળ બનાવ્યો તેની ભૂમિકા આપી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના ગામે ગામ પશુ છાત્રાલય ઉભા કરીને સમગ્ર ગામમાં પશુની ઉત્તમ માવજતથી ગામડાની આર્થિક શક્તિને સંપૂટ કરી લેવા તેમણે આહ્વાન આપ્યું હતું.

જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે કૃષિ ક્ષેત્રે ૧૦ ટકાથી વધુનો દર હાંસલ કર્યો છે. કૃષિ મહોત્સવના બહુઆયામી પગલાંને કારણે ગુજરાત કૃષિક્ષેત્રે સમગ્ર દેશ માટે ‘મોડેલ' સ્વરૂપ બન્યું છે.

કૃષિ ઉપરાંત પશુપાલન ક્ષેત્રે પણ અનેક પગલાં લેવાયા છે. ગુજરાતમાં પાક પદ્ધતિમાં પરિવર્તન, ડ્રીપ ઇરીગેશન, અદ્યતન ખેતપેદાશો, વધુ ઉત્પાદન જેવા અનેક ફાયદા ખેડૂતોને કૃષિ મહોત્સવને કારણે થયા છે, એમ જણાવી રાજ્યમાં કૃષિ ક્ષેત્રે થયેલી હરિયાળી ક્રાંતિની રૂપરેખા કૃષિ મંત્રીશ્રીએ આપી તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર છેલ્લા છ વર્ષથી કૃષિ મહોત્સવનું આયોજન કરતી રહી છે. આ સતત સાતમું વર્ષ છે. જે અંતર્ગત એક મહિના સુધી ખેડૂતોને અદ્યતન ખેતપેદાશો-વૈજ્ઞાનિક સંશોધનોથી માહિતગાર કરશે જેના દ્વારા જિલ્લાના-પ્રદેશના ખેડૂતો હવે કૃષિક્ષેત્રે નવી ઊંચાઇઓ હાંસલ કરશે ખેડૂતોને સ્પર્શતા પાણી, સિંચાઇ, ચેકડેમ, બોરીબંધ વગેરે ક્ષેત્રે અનેક પગલાં લેવાયા છે.

બાગાયતી પાકો માટે રાજ્યમાં અગ્રેસર એવા વલસાડ જિલ્લામાં શાકભાજી ઉત્પાદનથી ખેડૂતોના જીવનધોરણમાં આવેલા પરિવર્તનની ઝાંખી કરાવી વન, પર્યાવરણ અને આદિજાતિ કલ્યાણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલે કૃષિ મહોત્સવમાં ઉમટેલી જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ બાદ અંતરિયાળ વિસ્તારોમાં પણ ફુલો સહિતના વિવિધ પાકો લેતા થયા છે. જે કૃષિ મહોત્સવની સફળતા દર્શાવે છે. રાજ્યના કૃષિ બજેટની ચર્ચા કરતાં મંત્રી શ્રી મંગુભાઈ પટેલે કૃષિ સહિત દરેક ક્ષેત્રોમાં રાજ્ય સરકારે ફાળવેલા બજેટની સરાહના કરી હતી. અંતરિયાળ આદિવાસી વિસ્તારોના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકારે લીધેલા શ્રેણીબદ્ધ પગલાંઓની જાણકારી તેઓએ આ વેળા રજૂ કરી હતી.

ગુજરાત વિધાનસભાના દંડક શ્રીમતી ઉષાબેન પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કૃષિલક્ષી-ગ્રામ વિકાસનો અભિગમ કેળવીને ગ્રામવિકાસને ઉત્તેજન આપ્યું છે ત્યારે સૌએ વ્યાપક જનભાગીદારીથી કૃષિ મહોત્સવને વધાવી લેવો જોઇએ. તેમણે રાજ્ય સરકારના કૃષિ મહોત્સવની સફળતાનો ચિતાર વર્ણવ્યો હતો.

રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોની ચિંતા સેવીને રાજ્ય સરકારે સમયસર ઉપયોગી માર્ગદર્શન આપવા માટે ઉદાહરણરૂપ બાબત બની રહી છે. રાજ્યનો કૃષિ વિકાસ દર સતત વધતો રહ્યો છે. જે કૃષિ મહોત્સવની સફળતાની ફલશ્રૃતિ છે. શ્રી ચુડાસમાએ કન્યા કેળવણી મહોત્સવથી રાજ્યમાં કન્યા કેળવણીનો દર વધ્યો છે ત્યારે કૃષિ મહોત્સવથી કૃષિ વિકાસદર, ઉત્પાદન અને ખેડૂતોના બદલાયેલા જીવનધોરણનો પણ ખ્યાલ આપ્યો હતો.

કૃષિ મહોત્સવ-ર૦૧૧ના કાર્યક્રમ દરમિયાન વલસાડ સહિત ગુજરાત કૃષિ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રના જુદા જુદા જિલ્લાઓના પ્રગતિશીલ ખેડતોનું સન્માન તથા જુદા જુદા લાભાર્થીઓને મુખ્ય મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરાયા હતા.

મુખ્ય મંત્રીશ્રી સહિત મહાનુભાવો દ્વારા આ વેળા ખેતી ક્ષેત્રની ઉપયોગી પુસ્તિકા તથા સી.ડી.નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લાની જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મુખ્ય મંત્રીશ્રીને કન્યા કેળવણી માટે ચેક અર્પણ કરાયા હતા.

અંતમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી એ. આર. પાઠકે આભારવિધિ કરી હતી.

આદિજાતિ ખેડૂતોના વિકાસ માટેના આ કર્મયજ્ઞમાં મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ સોલંકી, મંત્રીશ્રીઓ સર્વશ્રી ઇશ્વરસિંહ પટેલ, રણજીતભાઇ ગીલીટવાળા, રાજ્યસભાના સાંસદ શ્રી કાનજીભાઈ પટેલ, શ્રી ભરતસિંહ પરમાર, સાંસદ શ્રી સી. આર. પાટીલ, ધારાસભ્યો સર્વશ્રી દોલતભાઈ દેસાઇ, આર.સી.પટેલ, લક્ષ્મણભાઈ, ભારતીબેન, જીતુભાઈ, નરેશભાઈ, રમણભાઈ પાટકર, વિજયભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયત અધ્યક્ષો, વસુધારા ડેરીના અધ્યક્ષ શ્રી મોંઘાઇ સહિત સરકારી ક્ષેત્રના અગ્રણીઓ, ૫શુપાલન વિભાગના અગ્રસચિવ શ્રી રાજીવકુમાર ગુપ્તા, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસવડા અને વિશાળ જનસમુદાય જોડાયો હતો.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિશ્વકક્ષાનો મેરીટાઇમ પાર્ક ભરૂચ જિલ્લાના દરિયાકાંઠે સ્‍થાપવાની આજે જાહેરાત કરી હતી.

મધ્‍ય ગુજરાતના દહેજ SEZ માં ડેનમાર્કની રોક્ષુલ રોકવુડ કંપનીના રૂા. ૧પ૯ કરોડના મૂડીરોકાણથી માત્ર ૧પ મહિનાના ગાળામાં જ કાર્યાન્‍વિત થયેલા બાંધકામ ક્ષેત્રે ફાયરસેફ ઇન્‍સ્‍યુલેશન મટીરીયલ્‍સ સ્‍ટોન વુલના મેન્‍યુફેકચરીંગ પ્‍લાન્‍ટનું મુખ્‍ય મંત્રીશ્રીએ આજે ઉદ્દઘાટન કર્યું હતું.

મુખ્‍ય મંત્રીશ્રીએ સૂચિત મહત્‍વાકાંક્ષી મેરીટાઇમ પાર્કની રૂપરેખા આપતાં જણાવ્‍યું કે, ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના વિશાળ સમુદ્રકિનારા ઉપર શિપ બિલ્‍ડીંગ ઇન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ શિપ રીપેરીંગ ઇન્‍ડસ્‍ટ્રીઝના વિકાસનું નવું જ ક્ષેત્ર વિકસાવવા રાજ્‍ય સરકાર પ્રતિબદ્ધ છે. દરિયાકાંઠે ભરૂચની ધરતી ઉપર હિન્‍દુસ્‍તાનનો સર્વપ્રથમ એવો મેરીટાઇમ પાર્ક વિશ્વકક્ષાનો બનાવવાની નેમ વ્‍યકત કરતાં તેમણે એમ પણ જણાવ્‍યું કે, વિશ્વ વેપાર અને સામૂદ્રિક વેપારનું અર્થતંત્ર ધમધમતું થવાનું છે તેને ધ્‍યાનમાં લઇને ગુજરાત સમગ્ર દુનિયાની શીપીંગ એન્‍ડ શીપ બિલ્‍ડીંગ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં સૌથી વધુ હિસ્‍સો આપનારું રાજ્‍ય બનવાની પુરી સાનુકુળતા ધરાવે છે. ભરૂચ જિલ્લાની આ ધરતી ઉપર દહેજ મેરીટાઇમ પાર્ક આકાર લેશે ત્‍યારે ગુજરાતના અનેક ગરીબ યુવાનોને શિપ બિલ્‍ડીંગ માટેની ટ્રેઇનીંગ આપીને રોજગારીના કૌશલ્‍ય સંવર્ધન સાથે મેરીટાઇમ પાર્ક રોજગારલક્ષી વિકાસનું સક્ષમ માધ્‍યમ બની જશે.

સમગ્ર વિશ્વના સૌથી ઉત્તમ એવા રપ સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ ટોપ-રપ)માં ભારતમાંથી એકમાત્ર ગુજરાતના દહેજ SEZ ની પસંદગી થઇ છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, દુનિયાના વિકસીત દેશો અને સમૃદ્ધ રાષ્‍ટ્રોના SEZ ની હરોળમાં સ્‍થાન પ્રાપ્ત કરવાની ક્ષમતા દહેજ- SEZ એ પુરવાર કરી છે. ‘‘ટોપ-રપ વર્લ્‍ડ SEZ ''ના ઉત્તમ પેરામીટર્સની કસોટીમાંથી પાર ઉતરીને દહેજ SEZ દ્વારા ગુજરાતની વાયબ્રન્‍ટ ઇકોનોમી, શૂન્‍ય સપાટીએ પહોંચેલા માનવદિન નુકશાનની સિદ્ધિ, ઊર્જા શક્‍તિની કાર્યક્ષમતા અને રાજ્‍ય સરકારના નીતિ નિર્ધારણ પ્રશાસનની દુનિયાને પ્રતીતિ થઇ છે.

દહેજમાં પેટ્રોલિયમ, કેમિકલ્‍સ એન્‍ડ પેટ્રોકેમિકલ્‍સ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજીયન (PCPIR) આકાર લઇ રહ્યો છે તેની ભૂમિકા આપતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, ગુજરાત ભારતનું પેટ્રોકેપિટલ બની ગયું છે અને ફાર્માસ્‍યુટીકલ્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ ક્ષેત્રે પણ ભારતનું અગ્રીમ રાજ્‍ય બનવાની પ્રતિષ્‍ઠા મેળવી શકયું છે તે સંદર્ભમાં દહેજ- PCPIR અને દહેજ- SEZ ભારતના અર્થતંત્રનો મજબૂત આધારસ્‍થંભ ધરાવે છે.

મુખ્‍ય મંત્રીશ્રીએ ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે સામૂદ્રિક વિશ્વ વ્‍યાપારના બંદર આધારિત નવા ગ્રોથ સેન્‍ટર વિકસી રહ્યા છે તેની રૂપરેખા આપતાં એમ પણ જણાવ્‍યું કે, ગુજરાત સરકારે ઔદ્યોગિક અને માળખાકીય સુવિધા વિકાસમાં પર્યાવરણની સુરક્ષાને પણ પ્રાધાન્‍ય આપ્‍યું છે.

સમગ્ર વિશ્વ ગ્‍લોબલ વોર્મિંગના સંકટની સામે ચિંતાતુર છે ત્‍યારે ભોગવાદી જીવનશૈલીના કારણે પ્રકૃતિનું શોષણ નહીં પરંતુ પ્રકૃતિનું દોહન કરીને અને કુદરતી સંસાધનોના સુવિચારિત ઉપયોગ માટે આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ કરીને ગુજરાત વિકાસમાં પર્યાવરણની જાળવણી સાથે સુખ-સુવિધામાં ઓટ ના આવે તેવા અભિગમથી માત્ર ‘‘ડેવલપમેન્‍ટ ગ્રોથ'' નહીં પણ ગ્રીન ગ્રોથ ટેકનોલોજી અપનાવી રહ્યું છે.

ગુજરાતમાં ૧૪ જેટલા વિવિધ SIR (સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિઝીયન) આકાર લઇ રહ્યા છે અને અનેક વિશ્વકક્ષાની કંપનીઓના મૂડીરોકાણ તથા પ્રોજેકટ આવી રહ્યા છે ત્‍યારે ગ્રીન ટેકનોલોજી અને ગ્રીન એનર્જી સેવિંગની દિશામાં ગુજરાતે અનેક ઇકોફ્રેન્‍ડલી એનવાયર્નમેન્‍ટના આયામો અપનાવ્‍યા છે.

મુખ્‍ય મંત્રીશ્રીએ આ સંદર્ભમાં ડેન્‍માર્કની રોકવુલ ગ્રૃપ કંપનીના આ એનર્જી એફિસીયન્‍ટ ઇન્‍સ્‍યુલેશન પ્‍લાન્‍ટને ગ્રીન કન્‍સ્‍ટ્રકશન ટેકનોલોજીના ઇકોફ્રેન્‍ડલી ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટ તરીકે આવકારતાં જણાવ્‍યું કે, ગુજરાતે ઊર્જા સંરક્ષણ ક્ષેત્રે બિન પરંપરાગત ઊર્જાષાોતો અને વિશેષ કરીને સૌરઊર્જા, પવનઊર્જા તથા બાયોમાસ એનર્જીના વિકાસ માટેની ઉત્તમ પ્રોત્‍સાહક નીતિઓ અમલમાં મુકી છે અને વિશ્વનો સૌથી મોટો સોલાર એનર્જી પાર્ક પણ ગુજરાતની ધરતી ઉપર આકાર લઇ રહ્યો છે.

મુખ્‍ય મંત્રીશ્રીએ ગુજરાતના દરિયાકાંઠા ઉપરના ઔદ્યોગિક અને માળખાકીય વિકાસની અસીમ સંભાવનાનો ઉલ્લેખ કરી ઉદ્યોગો માટે પાણીની આવશ્‍યકતાની પૂર્તિ કરવા સૂર્યઊર્જા અને પવનઊર્જા શક્‍તિ આધારિત દરિયાના પાણીમાંથી મીઠા પાણી રૂપાંતરના સી-વોટર ડિસેલીનેશન પ્‍લાન્‍ટ સ્‍થાપવાની પ્રોત્‍સાહક નીતિનો પણ નિર્દેશ આપ્‍યો હતો અને જણાવ્‍યું હતું કે, ગુજરાત સરકાર સી-વોટર ડિસેલીનેશન પ્‍લાન્‍ટ સોલાર એન્‍ડ વિન્‍ડ એનર્જીના માધ્‍યમથી સ્‍થાપવા માટેની દિશામાં પહેલ કરવા ઇચ્‍છે છે.

ગુજરાતમાં ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો અને તાપી જિલ્લો સહિત જયાં વિપુલ કેળાની ખેતીનું ઉત્‍પાદન થઇ રહ્યું છે તેવા વિસ્‍તારોમાં કેળાની ખેતી પછી કેળના થડ અને રેસાના વેસ્‍ટમાંથી કાગળ અને કાપડ બનાવવાના સફળ સંશોધનો નવસારી કૃષિ યુનિવર્સિટીએ કર્યા છે તેને કોમર્શીયલ સેકટરમાં લઇ જઇ કેળના થડ અને રેસામાંથી કાપડ તથા કાગળ ઉત્‍પાદનના ઔદ્યોગિક એકમો સ્‍થાપવાની નવી ક્ષિતિજો આકાર લઇ રહી છે અને ખેડૂત કેળાના ઉત્‍પાદકોને પણ મૂલ્‍યવર્ધિત ખેતપેદાશ રૂપાંતર પ્રક્રિયાના ઔદ્યોગિક એકમો થકી આર્થિક ફાયદો થશે એ દિવસો દૂર નથી એમ તેમણે જણાવ્‍યું હતું.

ગુજરાતનો વિકાસ આજે દુનિયામાં ચર્ચાનો વિષય છે અને વિશ્વની અનેક અગ્રગણ્‍ય કંપનીઓ તથા વિકસીત દેશો ગુજરાતમાં ભાગીદાર બનવા આવી રહ્યા છે તેનું કારણ ગુજરાત સરકારની નીતિઓ અને પારદર્શક વહીવટ, સક્ષમ શ્રમયોગી-લેબર ફોર્સ એન્‍ડ લેબર રિલેશન્‍સ, ઉત્તમ પ્રકારનું માળખાકીય સુવિધા નેટવર્ક તથા દીર્ઘદ્રષ્‍ટિભર્યું વિકાસ આયોજન અને સુચારું અમલીકરણ પરિણામલક્ષી બન્‍યું છે, તેમ તેમણે જણાવ્‍યું હતું.

આજથી બસો વર્ષ પહેલાં ગુજરાતીઓએ નાના નાવડામાં સાહસિકતાના બળ ઉપર દરિયાપાર જઇને વિશ્વને પોતાનું ઘર બનાવ્‍યું હતું. હવે ર૧મી સદીમાં એવો યુગ આવી રહ્યો છે કે વિશ્વ આખું ગુજરાતને પોતાનું ઘર બનાવશે. આપણું આ સપનું છે અને આજે જયારે વિશ્વભરની અગ્રગણ્‍ય સરકારો તથા ઉદ્યોગો ગુજરાતમાં આવવા તત્‍પર બન્‍યા છે ત્‍યારે ગુજરાતની ધરતી ઉપર તેને સાકાર કરવા, ગુજરાતના લાખો યુવાનોને રોજગારીની તકો મળે અને છેવાડાના સામાન્‍ય માનવીને વિકાસના લાભો મળે તે દિશામાં આ સરકાર વિકાસનો મંત્ર લઇને આગળ વધી રહી છે, એમ પણ મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

ડેન્‍માર્કના રાજદૂત શ્રીયુત ફ્રેડી સ્‍વેન (Mr. FREDDY SWANE) ગુજરાતની તેમની આ પ્રથમ મુલાકાતની ફલશ્રૃતિરૂપે રાજ્‍ય સરકારની પ્રોત્‍સાહક નીતિઓ અને કુશળ પ્રશાસનની પ્રસંશા કરી જણાવ્‍યું કે, ડેન્‍માર્ક ગુજરાતમાં ભાગીદારીના ક્ષેત્રો વિકસાવવા આતુર છે. ગુજરાતનું વિકાસ વિઝન અને વાયબ્રન્‍ટ ગવર્નન્‍સ જોતા ગુજરાત સાતત્‍યપૂર્ણ પ્રગતિનું અનેરૂં દ્રષ્‍ટાંત પુરું પાડે છે.

રોકવુલ ગ્રૃપના ચેરમેન શ્રીયુત પિટર હાડેમેકર (Mr. Pete Hoedemaker) અને અને ગ્રૃપ સીઇઓ શ્રીયુત ઇલકો વાન હીલ (Mr. EELCO VAN Heel) રોકવુલ ગ્રૃપ દ્વારા આ પ્રોજેકટામાં રર.૭ મીલીયન યુરોડોલરના રોકાણથી ઇકોફ્રેન્‍ડલી ઇન્‍સ્‍યુલેશન પ્રોડકશનની વિશેષતા જણાવી હતી. વાર્ષિક ૩૦,૦૦૦ ટન ઇન્‍સ્‍યુલેશન પ્રોડકટની ક્ષમતા ધરાવતા આ પ્‍લાન્‍ટથી એક અબજ ટન કાર્બન ડાયોકસાઇટ (CO2)ની બચત થશે.

આ પ્રસંગે રાજ્‍ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, સંસદસભ્‍ય શ્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્‍યશ્રી અને ઉદ્યોગકારો સહિત આમંત્રિતો ઉપસ્‍થિત રહ્યા હતા.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ અમદાવાદના સુપ્રસિધ્‍ધ જગન્‍નાથજી મંદિરના નવા ગાદીપતિ તરીકે મહંત શ્રી દિલીપદાસજી મહારાજને સન્‍માન સહ ચાદરવિધિ કરતા શ્રધ્‍ધાસહ જણાવ્‍યું હતું કે, જગન્‍નાથ મંદિરના સપ્‍તઙ્ગષિ સમા સાતેય બહ્મલિન મહંતોની ગાદી પરંપરાને નવનિયુકત આઠમા મહંત શ્રી દિલીપદાસજી મહારાજ આધ્‍યાત્‍મિક સેવા વિરાસત તરીકે વધુ કિર્તીવાન બનાવશે.

મંત શ્રી દિલીપદાસજી મહારાજના સન્‍માન ચાદરવિધિ સમારોહ આજે જગન્‍નાથ મંદિર પરિસરમાં વિશાળ ભાવિક ભકતજનોની ઉપસ્‍થિતિમાં દેશભરમાંથી ચાદર વિધિ સન્‍માન માટે આવેલ અગ્રગણ્‍ય સંતો, મહામંડલેશ્વરશ્રીઓ અને મહંતોના આશીર્વાદથી સંપન્‍ન થયો હતો. મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ચાદર વિધી સન્‍માન કરવામાં સહભાગી બનીને ધન્‍યતા અનુભવી હતી.

જગન્‍નાથ મંદિરના ત્રણ ગાદીપતિઓના સાનિધ્‍ય અને આશીર્વાદનું સૌભાવ્‍ય શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને મળ્‍યું છે તેનો અંતઃકરણથી ઙ્ગણ સ્‍વીકાર કરતા મુખ્‍યમંત્રીએ મંદરના ટ્રસ્‍ટી મંડળ અને સંતગણ તરફથી સન્‍માન પત્ર આપીને અભિવાદન કરવામાં આવ્‍યું તે પ્રસંગના આયોજનથી પોતે સંપુર્ણ અજાણ હોવાનું જણાવ્‍યું હતું અને ઉમેર્યું હતું કે, આજનો અવસર તો માત્ર મહંતશ્રી દિલીપદાસજી મહારાજના ચાદરવિધિ સન્‍માનનો ગૌરવ પ્રસંગ છે.

ભગવાન જગન્‍નાથજીને ગરીબોના દેવતા ગણાવતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ પૂરી પછી જગન્‍નાથજીએ કર્ણાવતી-અમદાવાદને કેમ પસંદ કર્યું તેની ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્‍યું કે અમદાવાદ શહેરનું નિર્માણ જ મીલમજદૂરો ગરીબ શ્રમજીવીઓએ કરેલું છે. જગન્‍નાથજી ભગવાન તો ગરીબોના બેલી છે અને તેથી જ તેમનો મહાપ્રસાદ ગરીબોને પ્રિય એવી ખિચડીનો રહ્યો છે.

જગન્‍નાથજી મંદિરના બ્રહમલીન સાતેય મહંતશ્રીઓને ભાવાંજલિ ભાવંજલિ અર્પતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે , જગન્‍નાથ મંદિર અને તેના મહંતશ્રીઓ અને ટ્રસ્‍ટીઓની સેવાની સુવાસ અને આશીર્વાદ સમગ્ર રાષ્‍ટ્ર, ગુજરાત અને સામાન્‍ય નાગરિકના જીવનમાં સુખસુવિધા લાવશે.

દેશમાં વરસાદ સારો થાય તો ભગવાન જગન્‍નાથજીના રથચક્રની જેમ સુખસુવિધાનુ અર્થચક્ર પણ સુચારૂ ગતિમાન રહે તેવા આશીર્વાદ જગન્‍નાથજી ભગવાનના સૌને મળે તેવી અભ્‍યર્થના તેમણે વ્‍યકત કરી હતી. સંતગણને પણ આવા સુખના આશીર્વાદ ભાવિકભક્‍તોને આપવા મુખ્‍યમંત્રીશ્રીએ પ્રાર્થના કરી હતી.

મુખ્‍ય મંત્રીશ્રીએ આ શહેર, આ રાજ્‍ય અને ભારતમાં સર્વત્ર શુભભાવના ફળદાયી બને અને અશુભને છોડી દઇને સૌ સુખ શાંતિનો અહેસાસ કરે તેવા સંતગણો પાસેથી આશીર્વાદ મેળવ્‍યા હતા.

અધ્‍યક્ષસ્‍થાનેથી હરિદ્વારના જગદગુરૂ રામાનંદાચાર્ય, શ્રી હંસદેવાચાર્યજી મહારાજ અને અયોધ્‍યાના અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્‍યક્ષ શ્રી જ્ઞાનદાસજી મહારાજે ભારતમાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદી જેવા રાષ્‍ટ્ર પ્રસાશકનું સમર્થન કરતાં જણાવ્‍યું હતું કે, આજે ભારતને એક અને અખંડિત રાખવા, વિકાસ અને સંસ્‍કૃતિનું સંવર્ધન કરવા માટેના રાષ્‍ટ્રીય નેતૃત્‍વની બધી જ શકિત અને ક્ષમતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીમાં જનતા જોઇ રહી છે ત્‍યારે દેશના પ્રધાનમંત્રી પદે તેમને સૌ ઇચ્‍છે છે. માનવતાની શકિતઓ, સંસ્‍કૃતિ રક્ષા તથા આતંકવાદ માઓવાદ જેવા અધર્મી સંકટો સામે લડીને પરાસ્‍ત કરવાની ઇચ્‍છાશકિત ધરાવતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદી દેશનું નેતૃત્‍વ કરે તેવા સંતો મહંતો આશીર્વાદ આપે છે.

આ પ્રસંગે ઉપસ્‍થિત પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ શ્રી અર્જુન મોઢવાડિયા અને વિપક્ષના નેતા શ્રી શકિતસિંહ ગોહિલે પણ પ્રાસંગિક પ્રવચનમાં નવનિયુકત મહંત શ્રી દિલીપદાસજી મહારાજને શુભકામના પાઠવી હતી અને જણાવ્‍યું હતું કે, ભગવાન જગન્‍નાથજી કે ધર્મસત્તાની શકિત જ સર્વાપરિ છે. ઙ્ગષીગણ વર્ય સંતો એવા આશીર્વાદ આપે જેમાં સહુનું કલ્‍યાણ થાય.

જગન્‍નાથજી મંદિરના મુખ્‍ય ટ્રસ્‍ટી શ્રી મહેન્‍દ્રભાઇ ઝા અને મુખ્‍ય યજમાન શ્રી બાબુભાઇ દેસાઇએ ચાદરવિધિ સમારોહ અને નવનિયુકત મહંતશ્રીને શુભકામનાઓ આપવા માટે સંતો-મહંતો અને ભાવિકોની વિશાળ ઉપસ્‍થિતિને マદયપૂર્વક આવકારી હતી.

આ પ્રસંગે દેશભરમાંથી અગ્રગણ્‍ય સંતો તથા ભારતીય સંસ્‍કૃતિના ચાહક એવા અગ્રગણ્‍ય નેતાઓ અને આમંત્રિતો ઉપસ્‍થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ચેન્નાઇમાં તામિલનાડુના મુખ્યમંત્રીશ્રી તરીકે શપથ ગ્રહણ કરનારા સુશ્રી જયલલિતાને શપથવિધિ સમારોહમાં રૂબરૂ મળીને હાર્દિક શુભકામના પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રી સુશ્રી જયલલિતાના આમંત્રણથી શપથ વિધિ સમારોહમાં હાજરી આપવા આજે સવારે ચેન્નાઇ આવી પહોંચ્યા હતા અને શપથવિધિ સંપન્ન થયા પછી શાલ અને પુષ્પગુચ્છથી સુશ્રી જયલલિતાનું ભાવભર્યું અભિવાદન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામો માત્ર તામિલનાડુમાં સત્તા પરિવર્તન પૂરતાં મર્યાદિત નથી પરંતુ તેનો પ્રભાવ દેશની સાંપ્રત રાજનીતિ ઉપર પણ પડવાનો છે. દેશમાં આજે ગઠબંધનની બે રાજકીય ધરીઓનું ધ્રુવીકરણ થઇ ગયું છે જેમાં એક બાજુ વિકાસની રાજનીતિને વરેલા રાજકીય પક્ષોનું ગઠબંધન અને બીજી બાજુ વોટબેન્કની રાજનીતિને વરેલા પક્ષોનું ગઠબંધનની ધરી ઊભી થઇ છે. તામિલનાડુના પરિણામો વિકાસની રાજનીતિને વરેલી શકિતઓને વધુ બળવત્તર બનાવશે.

મુખ્યમંત્રીશ્રીએ કર્ણાટકની રાજકીય સ્થિતિ સંદર્ભમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ રાજભવનોને સત્તાના દુરૂપયોગથી અભડાવ્યા છે અને બંધારણીય સત્તાઓને રાજકીય વિવાદમાં ઢસડી જઇને લોકતાંત્રિક અને સંવૈધાનિક મૂલ્યોને નુકશાન પહોંચાડયું છે.

મુખ્યમંત્રીશ્રીએ સુશ્રી જયલલિતાને અને તેમના નવનિયુકત મંત્રીમંડળના સભ્યોને તામિલનાડુના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કપાસની નિકાસબંધીને ખેડૂતહિત વિરોધી ગણાવીને કપાસની નિકાસ ઉપરના પ્રતિબંધને તાત્‍કાલિક અસરથી ઉઠાવી લેવા તથા કપાસના ઉત્‍પાદન ક્ષેત્રે નિકાસ દ્વારા દેશના અર્થતંત્રમાં અગ્રગણ્‍ય ફાળો આપતાં ગુજરાતના ખેડૂતોને થઇ રહેલા નુકસાનમાંથી ઉગારવા માટે ખાસ કિસ્‍સામાં ગુજરાતને જ કપાસની દસ લાખ ગાંસડીઓની નિકાસનો કોટા ફાળવવા વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહને આજે ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરતો પત્ર પાઠવ્‍યો છે.

ચેન્‍નાઇ-તામિલનાડુના પ્રવાસેથી મોડી સાંજે પરત આવેલા મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કપાસની નિકાસબંધીના કેન્‍દ્ર સરકારના નિર્ણયથી ગુજરાતના કપાસ ઉત્‍પાદકો અને કપાસની ખેતી આધારિત ગ્રામ અર્થતંત્ર ઉપર કેવી વિપરીત અસર પડશે તેની સવિસ્‍તાર જાણકારી આપતાં વડાપ્રધાનશ્રીને પત્રમાં જણાવ્‍યું છે કે, અગાઉ પણ તેમણે કપાસની નિકાસના પ્રતિબંધને કારણે કપાસ ઉત્‍પાદકોને આર્થિક સંકટમાં ધકેલી દેવાયા છે તે અંગે સવિસ્‍તાર રજૂઆત કરી જ હતી. ગુજરાત દેશનું ત્રીજા ભાગનું કપાસનું ઉત્‍પાદન કરે છે અને 50 ટકા કપાસની નિકાસ કરે છે. ગુજરાતનો કપાસ આજે વિશ્વના બજારોમાં તેની ગુણવત્તાને કારણે મશહૂર બનેલો છે અને 2003માં ગુજરાતનું કપાસ ઉત્‍પાદન 16 લાખ હેકટરમાં હતું તે વધીને ગયા વર્ષે 24.64 લાખ હેકટર ઉપર પહોંચી ગયું છે. આ વર્ષે તો ગયા વર્ષના 74 લાખ ગાંસડી કપાસના ઉત્‍પાદન સામે ખેડૂતોએ 104.55 લાખ ગાંસડી કપાસનું ઉત્‍પાદન કર્યું છે. કપાસની નિકાસબંધી અંગે કેન્‍દ્રના નાણાં અને વાણિજ્‍ય મંત્રાલયોની નીતિ કપાસના ખેડૂતોને અન્‍યાય કરનારી છે અને કપાસ ઉપર નિકાસ પ્રતિબંધ ફરમાવીને ગુજરાતના કપાસ ઉત્‍પાદકોને નિરૂત્‍સાહ કરી દેવાની ચાલ રમાઇ રહી છે. 2010માં તો કેન્‍દ્રીય નાણાં મંત્રાલયે તો પ્રતિ ટન રૂા.2500ની એક્ષ્પોર્ટ ડયુટી લાદી દીધી હતી, જેનું જાહેરનામુ 9મી એપ્રિલ 2010ના રોજ બહાર પાડી દીધું હતું.

આ ખેડૂત વિરોધી નીતિ છે તેવો સ્‍પષ્‍ટ ઉલ્લેખ કરતાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, આંતરરાષ્‍ટ્રીય બજારોમાં કપાસના ભાવ વધી રહ્યાં છે ત્‍યારે ઘરઆંગણે કપાસના ભાવ સતત ઘટી રહ્યાં છે. કપાસ ઉત્‍પાદકો પાસે કપાસનો સંગ્રહ કરવાની કોઇ જ વ્‍યવસ્‍થા નથી તેથી આ મહામૂલો કપાસ નીચા ભાવે વેચવાની ફરજ ગુજરાતના કપાસ ઉત્‍પાદકોને પડી છે. થોડાક દિવસ પહેલાં જ બીટીકોટન, એસ/6ના ભાવ સડસડાટ નીચે ઉતરી ગયા છે અને રૂા.62,500 પ્રતિ કેન્‍ડીના કપાસનો ભાવ ઘટીને રૂા.44,000 થઇ ગયો જ્‍યારે શોર્ટ સ્‍ટેપલ વી 797 જાતના કપાસના ભાવમાં તો ગયા મહિને રૂા.50,000 કેન્‍ડી દીઠ હતો તે અડધો અડધ ઘટીને રૂા.25,000 થઇ ગયો છે. રો-બીટી કોટન ભાવ ચાલુ સીઝનમાં કિવન્‍ટલ દીઠ રૂા.7250 હતાં તેમાં પણ 40 ટકા ઘટાડો થઇ ગયો છે.

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, ગયા વર્ષે કપાસનું ઉત્‍પાદન 295 લાખ ગાંસડી હતું ત્‍યારે 85 લાખ ગાંસડી એક્ષ્પોર્ટ ક્‍વોટા મંજુર થયેલો. આજે 330 લાખ ગાંસડી કપાસનું ઉત્‍પાદન થયું છે ત્‍યારે માત્ર ને માત્ર 55 લાખ ગાંસડી એક્ષ્પોર્ટ કવોટા જ મંજુર થયેલો છે.

કેન્‍દ્રીય વાણિજ્‍ય મંત્રાલયનો આ અભિગમ કઇ રીતે અપનાવવામાં આવ્‍યો છે તે સાદી સમજમાં આવતું નથી એમ જણાવી મુખ્‍ય મંત્રીશ્રીએ અત્‍યારે દેશમાં કપાસના ભાવો સતત નીચા જવાના કારણે અને આંતરરાષ્‍ટ્રીય બજારોમાં કપાસના ભાવ ઉંચા હોવા છતાં કપાસની નિકાસબંધીના નિર્ણયથી સમગ્રપણે કપાસ ઉત્‍પાદકોમાં અત્‍યંત આક્રોશ પ્રવર્તે છે આથી કપાસની નિકાસ ઉપરનો પ્રતિબંધ તત્‍કાળ અસરથી ઉઠાવી લેવો જોઇએ અને ગુજરાતના કપાસની નિકાસ માટે ખાસ કિસ્‍સામાં 10 લાખ ગાંસડી ક્‍વોટાની નિકાસની છૂટ આપવી જોઇએ એવી ભારપૂર્વક માગણી મુખ્‍યમંત્રીશ્રીએ કરી છે.

ગત વર્ષે રાજયની મેડીકલ, પેરામેડીકલ અને સંલગ્‍ન વિદ્યા શાખાઓના પ્રથમ વર્ષમાં જે પ્રમાણે સરળતાથી પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી તે જ પ્રમાણે ચાલુ શૈક્ષણિક વર્ષ માટે પણ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ આયોજન અને સમયબધ્‍ધ કાર્યક્રમ મુજબ હાથ ધરવામાં આવશે. આ માટે બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદ ખાતે આવેલી એડમીશન કમિટિ ફોર પ્રોફેશનલ મેડીકલ એજયુકેશનલ કોર્સીસ મારફતે ચાલુ શૈક્ષણિક વર્ષ માટે વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રીશ્રી જય નારાયણ વ્‍યાસે આજે એડમીશન કમિટિ ફોર પ્રોફેશનલ મેડીકલ એજયુકેશનલ કોર્સીસ દ્વારા નકકી કરાયેલા પ્રવેશ અને કાઉન્‍સેલિંગ માટેના કાર્યક્રમની વિગતો આપતાં જણાવ્‍યું હતું કે તા. ૨૭ મે થી તા. ૧૦ જુન, ૨૦૧૧ દરમ્‍યાન પ્રવેશ ઇચ્‍છુક વિદ્યાર્થીઓએ પ્રવેશપત્રો ભરીને પરત આપવાના રહેશે. તા. ૨૫ જુન, ૨૦૧૧ ના રોજ મેરીટ લીસ્‍ટ બહાર પાડવામાં આવશે જયારે તા. ૫ જુલાઇ થી તા. ૨૦ જુલાઇ, ૨૦૧૧ દરમ્‍યાન પ્રથમ કાઉન્‍સેલીંગ યોજાશે.

મંત્રીશ્રીએ. કહ્યું હતું કે રાજયમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામો બાદ મેડીકલ અને અન્‍ય સંલગ્‍ન વિદ્યાશાખાઓમાં પ્રવેશ મેળવવા ઇચ્‍છતા વિદ્યાર્થીઓને અરજી કરવામાં સરળતા રહે તે માટે રાજયમાં આવેલી મેડીકલ કોલેજો, પેરામેડીકલ અને અન્‍ય મેડીકલ શૈક્ષણિક સંસ્‍થાઓના વિવિધ અભ્‍યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની પ્રક્રિયા આગામી તા. ૨૩ મે, ૨૦૧૧ થી શરૂ કરાશે. તાજેતરમાં ધોરણ-૧૨ ના વિજ્ઞાન પ્રવાહ–બી અને એબી ગ્રુપના ઉત્તિર્ણ તથા ગુજકેટ-૨૦૧૧ ની પરીક્ષા જેમણે આપી હોય તેવા લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે ગ્રાન્‍ટ-ઇન-એઇડ, સરકારી, સ્‍વનિર્ભર કોલેજોની સરકારી બેઠકો ઉપર પ્રવેશ માટેના ફોર્મ તા. ૨૩ મે થી તા. ૬ઠ્ઠી જુન, ૨૦૧૧ સુધીમાં પ્રમાણિત થયેલી એક્ષીસ બેંકની શાખાઓમાંથી મળી શકશે.

આરોગ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, રાજયની મેડીકલ, ડેન્‍ટલ, ફીઝીયોથેરાપી, આયુર્વેદ, હોમિયોપેથીક, બી.એસ.સી. (નર્સિંગ), ઓર્થોટીક, ઓપ્‍ટોમેટ્રી, ઓકયુપેશનલ થેરાપી, નેચરોપેથી અને બી.એ.એસ.એલ.પી.ના અભ્‍યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે તા. ૨૩ મે થી તા. ૬ જુન, ૨૦૧૧ દરમ્‍યાન પ્રવેશપત્રો આપવામાં આવશે. જયારે વિદ્યાર્થીઓએ આ પ્રવેશપત્રો તા. ૨૭ મે થી તા. ૧૦ જુન, ૨૦૧૧ દરમ્‍યાન ભરીને પરત આપવાના રહેશે. આ પ્રવેશપત્રો વિદ્યાર્થીઓએ જરૂરી માર્કશીટ, પ્રમાણપત્રો વગેરેની નકલો સાથે વિગતવાર ભરીને શકય હોય ત્‍યાં સુધી બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદ ખાતેની એડમીશન કમિટિ ફોર પ્રોફેશનલ મેડીકલ એજયુકેશનલ કોર્સીસ ના કાર્યાલયમાં રૂબરૂમાં જાતે આપવાનું ખાસ જણાવવામાં આવ્‍યું છે જેથી કરીને પ્રવેશપત્રો આપતી વખતે જ તેની પુરતી ચકાસણી થઇ શકે અને વિદ્યાર્થી પ્રવેશપત્ર આપ્‍યા બાદ સામેલ વિગતો અંગે નિશ્ચિંત થઇ શકશે. સાથે સાથે ટપાલ, કુરીયર દ્વારા મોકલાવેલા અરજીપત્રકો સ્‍વીકારવામાં આવશે નહીં. ત્‍યારબાદ મળેલા પ્રવેશપત્રોની ચકાસણી બાદ આગામી તા.૨૫ જુન, ૨૦૧૧ ના રોજ પ્રવેશ માટેનું મેરીટ લીસ્‍ટ જાહેર કરવામાં આવશે. આ લીસ્‍ટ આધારિત તમામ ફેકલ્‍ટી માટેના પ્રવેશ અંગેનું તા. ૫ જુલાઇ થી તા. ૨૦ જુલાઇ, ૨૦૧૧ દરમ્‍યાન કાઉન્‍સેલીંગ યોજવામાં આવ્‍યું છે.

મંત્રીશ્રીએ રાજયમાં મેડીકલ અભ્‍યાસ ક્રમો માટેની વધુ બેઠકો ઉભી કરવા અને શૈક્ષણિક સવલતો ઉભી કરવા માટે નવી મેડીકલ કોલેજો શરૂ કરવા હાથ ધરેલા પ્રયાસોની વિગતો આપતા જણાવ્‍યું હતું કે આ પ્રયાસોના ફળસ્‍વરૂપ જો આ પ્રવેશ પ્રક્રિયા દરમ્‍યાન જ મેડીકલ કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયા દ્વારા રાજયમાં નવી મેડીકલ કોલેજોને મંજૂરી મળે કે હાલની કોલેજોની બેઠકોમાં વધારાને મંજૂરી મળે તો ચોકકસ પણે આગામી તા. ર૦ ઓગસ્‍ટથી તા. ૩૦ ઓગસ્‍ટ, ૨૦૧૧ દરમ્‍યાન પ્રવેશ માટે દ્વિતિય કાઉન્‍સેલીંગ યોજાશે અને આ બંને પ્રયાસો બાદ પણ જો કોઇ બેઠક ખાલી પડે તો આવી બેઠકો માટે પણ સપ્‍ટેમ્‍બર, ૨૦૧૧ ના તૃતીય સપ્‍તાહ માં કાઉન્‍સેલીંગ યોજવાનું નકકી કરવામાં આવ્‍યું છે.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનો પ્રત્યેક તાલુકો વિકાસ માટે પોતાનો ભાગ્યવિધાતા બને એવા નિર્ધાર સાથે તાલુકા સરકારનું ગૌરવરૂપ મોડેલ ઉભૂં કરવા તાલુકા ક્ષેત્રના તમામ અધિકારીઓને પ્રેરક આહ્‍વાન કર્યું છે.

સક્ષમ વિકેન્દ્રીત તાલુકા પ્રશાસનની ક્રાંતિકારી વિભાવનાને સાકાર કરવા રાજ્યના તમામ રરપ તાલુકામાં “આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો-“નો મહત્વાકાંક્ષી કાર્યક્રમ શરૂ થયો છે. તાલુકા સરકારના પ્રજાભિમુખ અભિગમને સાકાર કરવા માટે તાલુકાના તમામ અધિકારીઓ સક્ષમ તાલુકા ટીમ તરીકે પોતાના સામર્થ્ય અને શકિતની પ્રતીતિ કરાવે તે માટેનું માર્ગદર્શન આપવા આજથી ગુજરાતમાં ત્રણ દિવસ માટે ત્રણ વિભાગીય સેમિનારો યોજવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનનો સેમિનાર આજે રાજકોટમાં યોજવામાં આવ્યો હતો અને આઠ જિલ્લાઓના તમામ તાલુકાઓના મળીને ૬૦૦ જેટલા તાલુકા અધિકારીઓની રર જૂથ ચર્ચાઓ યોજીને તાલુકાનો સમગ્ર વહીવટ સમર્થ અને શકિતશાળી બને તે માટે આયોજન રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી તથા મહેસૂલ અગ્રસચિવશ્રી પી. પનીરવેલ સહિત રાજ્ય તથા જિલ્લા કક્ષાના અધિકારીઓએ "આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો' વિશેની મુખ્યમંત્રીશ્રીની સંકલ્પનાને મૂર્તિમંત કરવાની સવિસ્તર ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર-કચ્છના આ ક્ષેત્રિય સેમિનારમાં વિડિયો કોન્ફરન્સથી ગાંધીનગરથી જ પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. ગુજરાત આજે ર૧મી સદીના પ્રથમ દશકમાં વહીવટ અને વિકાસની નવતર સિધ્ધિઓ અને સફળ આયામો સાથે નવી ઊંચાઇ ઉપર પહોંચ્યું છે અને તેમાં ટીમ ગુજરાત તરીકે રાજ્યો રાજ્યો વચ્ચે વિકાસની તંદુરસ્ત સ્પર્ધામાં અગ્રેસર રહ્યું છે એમાં ર૬ જિલ્લાઓના વહીવટીતંત્રની ટીમોએ આધારસ્થંભ બનીને દશ વર્ષથી ગુજરાતના વિકાસનું વિઝન સાકાર કરીને ટીમ ગુજરાતની સમર્થતા પૂરવાર કરી છે હવે, રાજ્યના રરપ તાલુકા પણ વાઇબ્રન્ટ બને, પોતાના વિકાસ માટેનું સર્વાંગીણ દર્શન અને જનસામાન્યની પ્રત્યેક સમસ્યાના સમાધાન માટેની શકિત પ્રદર્શિત કરે એવી નેમ રાખી છે. રરપ તાલુકાના આધારસ્થંભ ઉપર ઉભેલું ગુજરાત પ્રગતિની કેવી ઊંચાઇ સર કરશે એનું ગૌરવ, તાલુકા સરકારનું નેતૃત્વ લેનારા, પ્રજાશકિતને વિકાસમાં પ્રેરિત કરનારા અને સમસ્યાના સમાધાનથી તાલુકાની આગવી તાકાત બતાવનારા અધિકારી તરીકે લેવા તેમણે પ્રેરણા આપી હતી.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં સંસાધનોની કોઇ કમી નથી પરંતુ માત્ર વિભાગોની યોજનાઓનું સુચારૂ અમલીકરણ અને ભૌતિક માળખાકીય સુવિધા વિકાસ પુરતો સીમિત ઉદ્‍ેશ “આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકા''નો નથી જ. તાલુકાના પ્રત્યેક ગામમાં વિકાસનો ધબકાર ઝીલાય અને છેવાડાના સામાન્ય માનવીની જીંદગીમાં બદલાવ આવે, તાલુકાની તમામ વહીવટી શકિત પૂરા મિજાજની ટીમ તાલુકાની તાકાત વિકાસના વિઝનને નિતનવા આયામો સાથે સાકાર કરે એવી અપેક્ષા છે.

“રોજબરોજના કામોમાં અડચણો આવશે, અંતરાયો આવશે, અગ્રતાક્રમ બદલાશે પરંતુ આ આપણું લક્ષ્ય કયાંય વિચલિત નહી થાય તેવા મક્કમ નિર્ધાર સાથે તાલુકા સરકારનું સામર્થ્ય ઉભૂં કરવું છે'' એવી પ્રેરણા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે તાલુકા ગરીબ કલ્યાણ મેળાએ તાલુકા ટીમની શકિતને સફળતાથી પ્રદર્શિત કરી છે, આજ ક્ષમતા અને પ્રતિબધ્ધતા સાથે તાલુકામાં વિકાસની તંદુરસ્ત સ્પર્ધાનું અને પ્રજાશકિતને પ્રેરિત કરવા માટેના વિશ્વસનિય નેતૃત્વનું વાતાવરણ ઊજાગર કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ત્રણેય ઝોનલ સેમિનારોના મળીને રરપ તાલુકાના એકંદર બે હજાર જેટલા તાલુકા અધિકારીઓ સામૂહિક મંથન કરીને પોતાના તાલુકામાં જાય અને સંબંધકર્તા જિલ્લાઓની પંચાયતોના પ્રમુખશ્રીઓ અને પદાધિકારીઓ સહિતની ટીમ દરેક તાલુકામાં આગવી શકિત અને ક્ષતિઓનું મૂલ્યાંકન કરે અને વિકાસનું ર૦૧પ સુધી વિઝન ધડીને અમલમાં મૂકે તેવું પ્રેરક સૂચન કર્યું હતું. દરેક તાલુકો એક સપ્તાહમાં એક ઉત્તમ કાર્ય કરે તો પણ, મહિનામાં રરપ તાલુકાના ૧૦૦૦ ઉત્તમ કામોથી તાલુકાની વિકાસની આખી તાસીર અને તકદીર બદલાઇ જશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

તાલુકા ટીમને પૂરતા સંસાધનો અને નિર્ણાયક મોકળાશથી કામ કરવાનો આ અનેરો અવસર છે અને હિંમતપૂર્વક નવા આયામોનો અમલ કરતાં કોઇ ભૂલ થઇ જાય તો તેને સુધારી લેવાની પણ તક છે, એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ સહિયારા પુરૂષાર્થ અને સામૂહિક પરિશ્રમથી ખૂટતી કડીઓ એકત્ર કરીને, જોડીને તાલુકાને વિકાસના ઉત્તમ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરે તે માટેના વિવિધ સૂચનો તેમણે કર્યા હતા.

આપણે એવા પ્રત્યેક તાલુકાના વિકાસની સ્પર્ધા કરીએ જેમાં આખો દેશ તાલુકાની ઉત્તમ શકિતને નિહાળવા પ્રેરિત થાય એવું પણ આહ્્‍વાન કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાલુકા ટીમના સૌ હોનહાર અને ઉત્તમ વ્યવસ્થાપન અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક તાલુકાની પ્રજાશકિતને તાલુકા સરકારના અભિગમને સાર્થક કરવા માટે જોડવાની પ્રેરણા આપતા જણાવ્યું કે દરેક તાલુકામાં વિકાસની દ્રષ્ટિને વરેલા સામાજિક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને અન્ય સેવા ક્ષેત્રોનો આગેવાન સમૂહ સારા કામની સુવાસ ફેલાવામાં પોતાનું ઉત્તમ યોગદાન આપે તેવા વાતાવરણનું નિર્માણ કરવું છે અને મૌલિક યોગદાન માટે સમાજની શકિતને પ્રેરિત કરવી છે. આ સંદર્ભમાં, મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં વિકાસ માટે જનશકિતનો આટલો વ્યાપક અને ઉમદા સહકાર મળી રહ્યો છે. કોઇ અવરોધ નથી, ત્યારે આપણે ટેકનોલોજીના સેવા સુવિધાના નેટવર્કથી પબ્લીક ડિલીવરી સીસ્ટમમાં છેક ગ્રામ્યસ્તર સુધી પ્રશાસનિક વહીવટી ક્ષમતાનો પરિચય કરાવીએ.

મુખ્યમંત્રીશ્રી આવતીકાલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓના બધા તાલુકા અધિકારીઓના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારા આવા જ સેમિનારમાં માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહેશે.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારના ગુજરાતના ખેડૂત વિરોધી રાજકીય આટાપાટા અને પેંતરા સામે આક્રોશ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ દ્વારા ગુજરાત સરકાર ખેડૂતોના હિત માટે જ કાર્યરત રહેશે.

અખાત્રીજથી સમગ્ર ગુજરાતમાં એક મહિનાનો કૃષિ મહોત્સવ ગામે ગામ ઉજવાઇ રહ્યો છે. મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓના કાર્યક્ષેત્રમાં ચાર વિભાગીય કૃષિ મહોત્સવ અને કૃષિ મેળામાં કિસાન શક્તિના ઉમંગ-ઉત્સાહમાં સહભાગી થવાનો ઉપક્રમ જાળવ્યો છે. અગાઉ ઉત્તર ગુજરાતના કૃષિ મહોત્સવમાં હિંમતનગર ખાતે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના મોટાપોંઢામાં કૃષિ મહોત્સવમાં ખેડૂત પરિવારો સાથે કૃષિક્રાંતિ અભિયાનમાં સહભાગી બન્યા બાદ આજે ગોધરામાં મધ્ય ગુજરાતના કૃષિ મેળામાં વિરાટ સંખ્યામાં માનવમહેરામણ ઉમટયો હતો. અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને વડોદરા જિલ્લાઓના આ વિભાગીય કૃષિ મહોત્સવમાં કિસાન શક્તિનું અભિવાદન કરતાં પહેલાં મુખ્ય મંત્રીશ્રીએ ગોધરામાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા નવનિર્મિત કૃષિ ઇજનેરી કોલેજના ભવનનું લોકાર્પણ કર્યું હતું. કૃષિ મહોત્સવમાં ખેતી-પશુપાલન ક્ષેત્રે નવા સફળ પ્રયોગો કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું અભિવાદન અને કૃષિ મહોત્સવના લાભાર્થીઓને કૃષિ-બાગાયત કીટ્સ સાધન સામગ્રીનું વિતરણ પણ તેમણે કર્યું હતું.

એક મહિના સુધી ધોમધખતા તાપમાં રાજ્ય સરકારના એક લાખ જેટલા કર્મયોગીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો ૧૮,૦૦૦ ગામડા ખૂંદી રહ્યા છે એવા આ કૃષિ ક્રાંતિના અભિયાનની સફળતાથી કેન્દ્ર સરકાર પ્રોત્સાહિત થવાને બદલે રાજકીય પેંતરા રચીને ગુજરાતના ખેડૂત તથા ખેતીવાડી માટે નકારાત્મક ભૂમિકા કરી રહી છે તેની સીલસીલાબંધ ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.

તેમણે જણાવ્યું કે, આખા દેશમાં ખેતીવાડીની દૂર્દશા થઇ છે અને પાક માટે બિયારણ, ખાતર, દવા પૂરતા ના મળે, વીજળીના મળે, પાણી મળે નહીં અને ખેડૂત પાક ઉત્પન્ન કરે ત્યારે તેને પૂરતા ભાવ મળે નહીં એવી કમનસીબ સ્થિતિમાં દેશના ખેડૂતોને ધકેલી દેવાયા છે.

ગુજરાતના ખેડૂતોનું ભલું થાય તે કેન્દ્રની કોંગ્રેસ સરકાર સાંખી શકતી નથી એટલે તમામ નકારાત્મક કારસા રચીને ગુજરાતના ખેડૂતોના હિતના ભોગે આડખીલીરૂપ નિર્ણયો કરતી આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારની આડોડાઇને કારણે ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોના કપાસની નિકાસબંધ કરીને ખેડૂતોને બરબાદ કરતા માલેતુજાર વેપારીઓને સુખી કરવા ખેડૂતોના માલ લૂંટાઇ જાય પછી નિકાસની છૂટ આપવી એવા રાજકીય આટાપાટા રચે છે એવો સ્પષ્ટ આક્ષેપ કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, પહેલાં ખેડૂત વિરોધી કાયદા કરવા પછી કોંગ્રેસને ક્રેડીટ અપાવવા ખેડૂતની ક્રેડીટ ખતમ કરવાના કારસા રચાઇ રહ્યા છે. મુખ્ય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને કપાસની નિકાસબંધી તત્કાલ ઉઠાવી લેવા પત્ર લખ્યો પણ તેનાથી કેન્દ્ર સરકારની આંખ ઉઘડી નથી. કારણ કે, ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવા કેન્દ્ર પેંતરા રચે છે. ખેડૂતોની ચિંતા નથી કરવી પણ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવા છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ નિર્ધારપૂર્વક જણાવ્યું કે, આ સરકાર કેન્દ્ર સરકારની ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવાની રાજકીય આટાપાટાની ધમકીથી ડરી જવાની નથી. કૃષિ મહોત્સવ દ્વારા આધુનિક ખેતી માટેની નવી પદ્ધતિ, સિંચાઇ માટે પાણી, ખેતીવાડી અને બાગાયત માટેનું બિયારણ, કૃષિ સાધન સામગ્રીની કીટ્સ સહાય જેવી ખેડૂતોની તમામ નાની-મોટી જરૂરિયાતોની પૂર્તિ આ સરકાર કરી રહી છે કારણ કે, ગુજરાતનો ખેડૂત સુખી થાય, ગુજરાતના ગામડા સમૃદ્ધ થાય તેવા કૃષિક્રાંતિના એકેએક પાસાનું ધ્યાન રાખ્યું છે.મુખ્ય મંત્રીશ્રીએ કૃષિ મહોત્સવના માધ્યમ દ્વારા ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે ખેડૂતોના હિતમાં કરેલી સફળ કામગીરીની વિગતવાર ભૂમિકા આપી હતી.

ગુજરાતે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરી સમગ્ર દેશ અને દુનિયાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે, એમ જણાવી કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીએ ઉમેર્યું હતું કે, કૃષિ ક્ષેત્રના સર્વાંગીણ વિકાસ માટે રાજ્યમાં ચાર કૃષિ યુનિવર્સિટીઓની રચના કરવામાં આવી છે. કૃષિ મહોત્સવના માધ્યમથી કૃષિ સંશોધનો ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં કૃષિ અને કૃષિકારોના વિકાસ માટે સરકારે લીધેલા પગલાં અને કૃષિક્ષેત્રે ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા હાથ ધરાયેલ કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર છેલ્લા છ વર્ષથી કૃષિ મહોત્સવનું આયોજન કરતી રહી છે. આ સતત સાતમું વર્ષ છે. જે અંતર્ગત એક મહિના સુધી ખેડૂતોને અદ્યતન ખેતપેદાશો-વૈજ્ઞાનિક સંશોધનોથી માહિતગાર કરશે જેના દ્વારા જિલ્લાના-પ્રદેશના ખેડૂતો હવે કૃષિક્ષેત્રે નવી ઊંચાઇઓ હાંસલ કરશે. રાજ્યમાં દર વર્ષે ર૭૦૦ ઉપરાંત પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરી પશુ સારવારની કાળજી લેવામાં આવી છે જેને પરિણામે પશુઓમાં થતા એકસો જેટલા મહાકાય રોગ નાબૂદ થયા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં છેલ્લા છ વર્ષથી યોજાતા કૃષિ મહોત્સવના પરિણામે ખેડૂતોની આવક બમણી થઇ છે તેવી લાગણી વ્યકત કરતાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવના પરિણામે રાજ્યનું ખેત ઉત્પાદન છેલ્લા દસ વર્ષમાં રૂા. ૧૩૦૦૦ કરોડથી વધીને રૂા. પ૮,૧૯૦ કરોડ સુધી પહોંચ્યું છે. કૃષિ મહોત્સવના કારણે કૃષિકારો આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થયા છે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધીના ૧ર જિલ્લામાં વસતા આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં રૂા. ૧૭,રરપ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રૂા. ૧પ,૦૦૦ કરોડની મહત્વાકાંક્ષી વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવાઇ છે તેમ જણાવી અંતરિયાળ આદિવાસી વિસ્તારોના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકારે લીધેલા શ્રેણીબદ્ધ પગલાંઓની જાણકારી તેઓએ આ વેળા રજૂ કરી હતી.

કૃષિની સાથે પશુપાલનનો પણ વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરવાનો વ્યૂહ રાજય સરકારે અપનાવ્યો છે. દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતોએ એક લાખ ટન આદુનું ઉત્પાદન કર્યું છે જે કૃષિ મહોત્સવની સફળતા છે, તેમ શ્રી પટેલે જણાવ્યું હતું.

પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં માર્ગ અને મકાન રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતે તમામ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કરી સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. કૃષિકારોની આવકમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેને પરિણામે ગ્રામીણ અર્થતંત્ર વધુ સંગીન બન્યું છે. ગોધરામાં કૃષિ ઇજનેરી કોલેજનું નિર્માણ થયું છે જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની વાત છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન તથા લાભાર્થીઓને કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મંત્રીશ્રીના હસ્તે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ વિવિધ કૃષિલક્ષી પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્ય મંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રૂા. ૧ર.૯૯ લાખના ચેક મુખ્ય મંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા.

આભારદર્શન શિક્ષણ રાજ્ય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયસિંહ ચૌહાણે કર્યું હતું.

આ પ્રસંગે કૃષિ રાજ્ય મંત્રી શ્રી કનુભાઈ ભાલાળા, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર, પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઇ સોલંકી, સંસદસભ્ય સર્વશ્રી પ્રભાતસિંહ ચૌહાણ, રામસિંહ રાઠવા, ર્ડા. પ્રભાબેન તાવિયાડ, ધારાસભ્યો સર્વશ્રી અરવિંદસિંહ રાઠોડ, ફતેસિંહ ચૌહાણ, જેઠાભાઈ ભરવાડ, તુષારસિંહ મહારાઉલજી, કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આર. કે. ત્રિપાઠી, પ્રભારી સચિવ શ્રી જે. પી. ગુપ્તા, જિલ્લા કલેકટર શ્રી મિલીન્દ તોરવણે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડા. સંધ્યા ભુલ્લર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રશ્મિકાબેન પટેલ, રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. એમ. એમ. શેખ, કૃષિ વિભાગ તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત સમુદાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રની કોંગ્રેસ સરકારને ગુજરાત વિરોધી અને નકારાત્મક માનસિકતા બદલવા અને ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવા આહ્‍વાન આપ્યું હતું. ગુજરાત સરકાર તો રાજ્યના સામાન્ય માનવીના ભલા અને ગુજરાતના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ગુજરાતના વિકાસના વિરોધીઓને સાંખી લેવાશે નહીં.

નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની ઉપર દરવાજા મૂકીને ડેમની ઊંચાઇ પુરી કરવા માટે પણ કેન્દ્ર સરકાર મંજૂરી આપવા આડોડાઇ કરે છે, એમ તેમણે જણાવ્યું હતું.

નર્મદાની શાખા-પ્રશાખા નહેરોના ૮પ,૦૦૦ કિ.મી. કુલ લંબાઇના ભગીરથ બાંધકામનું નેટવર્ક ગુજરાતમાં હરણફાળ ગતિથી આગળ વધી રહ્યું છે. આજે રાધનપુરમાં કચ્છ શાખા નહેર અને રાધનપુર શાખા નહેર અને તેની વિતરણ વ્યવસ્થાના રૂા. ૭૧ર કરોડના ત્રણ મહત્વાકાંક્ષી પ્રોજેકટનું એકી સાથે મુખ્ય મંત્રીશ્રીએ ખાતમુર્હૂત કર્યું હતું. ત્રણેય પ્રોજેકટ બે વર્ષમાં પૂર્ણ થશે અને પાટણ તથા બનાસકાંઠા જિલ્લા ઉપરાંત કચ્છની રણકાંઠાની સૂકી ધરતીને નર્મદાના નીરથી નવપલ્લવિત કરાશે.

કેન્દ્રની કોંગ્રેસ સરકારના અહીં દિલ્હીના સુબાઓએ ગુજરાતને બરબાદ કરવાની સોપારી લીધી છે એવા ગુજરાતના ગામડાના ખેડૂતોના, વિકાસના વિરોધી દિલ્હીના સુબાઓનો હિસાબ ચુકતે કરવાનું ભૂલશો નહીં એવું જનતાને તેમણે આહ્‍વાન આપ્યું હતું.

નર્મદાના નીરની વર્ષોથી ઝંખના સેવનારા રણકાંઠાના ગામેગામથી વિરાટ જનમેદની આજે રાધનપુરમાં નર્મદા યોજનાની શાખા નહેરોના ત્રણ પ્રોજેકટના ખાતમુર્હૂતમાં ઉમટી હતી. પ૦-પ૦ વર્ષ પછી કચ્છ-કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતની ધરતી માટે રાજ્ય સરકારે સરદાર સરોવર નર્મદા યોજના માટે પેઢીઓનો તલસાટ અને પીડા જોઇને સરકારે નર્મદા યોજના ઝડપથી પૂરી કરવા અને ધરતીને સુજલામ્‍ સુફલામ બનાવવા પુરી તાકાત કામે લગાડી છે, એમ આજે મુખ્ય મંત્રીશ્રીએ વિરાટ ખેડૂત પરિવારોની જનશક્તિને વંદન કરતાં જણાવ્યું હતું.

આપણા દેશમાં પાણી માટેના સંધર્ષ અને ન્યાયની અદાલતોમાં રાજ્યો-રાજ્યો વચ્ચે પાણીની વહેંચણીના વિવાદો ચાલી રહ્યા છે ત્યારે આવા વાતાવરણમાં ગુજરાતે નર્મદાની ૪પ૮ કિ.મી.ની મુખ્ય કેનાલનું નિર્માણ પુરું કરીને માત્ર ગુજરાતને નહીં પણ રાજસ્થાનની સૂકી ધરતીને નર્મદાનું પાણી પહોંચાડીને તેની તરસ છીપાવી છે આવો અભિગમ ગુજરાતે સાકાર કરી બતાવ્યો છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

લોકશાહીમાં પાંચ વર્ષની અવધિમાં રાજકીય પક્ષોએ વિધાનસભા, લોકસભા અને પંચાયતની ચૂંટણીઓ એમ ત્રણ-ત્રણ વાર જનતા સમક્ષ જઇને હિસાબ આપવો પડે પરંતુ કેટલાક લોકો જનતાની સુખ-દુઃખની પરવા કરવા માટેના લોકહિતના આયોજનોની વિચારણા કરવી જોઇએ તેને બદલે માત્ર નિવેદનો કરીને ગુજરાત સરકારે કંઇ નથી કર્યું, જે થયું છે તે કેન્દ્ર સરકારે કર્યું છે એવો અપપ્રચાર કરે છે પણ તેમણે જનતાને હિસાબ આપવો પડશે. ગુજરાત સરકારને બદનામ કરવાના નિવેદનો જનતાને ગળે ઉતારી શકવાના નથી, એમ તેમણે જણાવ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાત વિરોધીઓની ચાલ હવે સાંખી નહીં લેવાય. ગુજરાતનો વિરોધ કરનારા સામે સચ્ચાઇથી સરકાર સામાન્ય માનવી અને ગામડાને સુખી કરવાની પ્રતિબદ્ધતા દાખવી છે. બીજા રાજ્યોને કેન્દ્ર સરકાર સિંચાઇના એઆઇબીપી પ્રોજેકટ માટે કેન્દ્રની ૯૦ ટકા સહાય રણ વિસ્તાર વિકાસ માટે સિંચાઇના પ્રોજેકટ માટે આપે છે. પરંતુ નર્મદા યોજનાનો મોટો કમાન્ડ વિસ્તાર, રણ વિસ્તારના વિકાસ પ્રોજેકટમાં આવરી લેવાયો છે છતાં નર્મદા યોજના માટે ૯૦ ટકા ગ્રાન્ટ આપવા તૈયાર નથી. ગુજરાત વિરોધી લોકોને ઓળખી લેવા છે, એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારને આહ્‍વાન કરતાં જણાવ્યું કે, ગુજરાતને અન્યાય કરવાને બદલે ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવા આવો. માત્ર નકારાત્મક માનસિકતાથી ગુજરાતના વિકાસમાં આડોડાઇ કરવાથી ગુજરાતનું કે દેશનું ભલું થવાનું નથી. ગુજરાતની નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારની આડોડાઇથી પુરતું પાણી છેવાડાના વિસ્તારોને મળવામાં વિલંબ થવાનો છે, એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતોને અધમૂઆ કરવા કપાસની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે અને (નરેન્દ્ર) મોદીને કપાસ નિકાસ કરાવીને ક્રેડીટ લેવી છે પરંતુ અમારે ક્રેડીટ નથી જોઇતી. કપાસની નિકાસ કરવાનો પરવાનો જોઇએ છે. પરવાનો આપશો તો ભલે ક્રેડીટ કોંગ્રેસ લઇ જાય.

મુખ્ય મંત્રીશ્રીએ નર્મદા યોજના માટે જમીન આપવા માટે ખેડૂતો જે રીતે ઉત્સાહથી જમીન આપવામાં સહયોગ આપી રહ્યા છે અને સરકારને સમર્થન આપી રહ્યા છે તે માટે લાખ-લાખ અભિનંદન આપ્યા હતા અને ટપક સિંચાઇથી ખેતીને જમીનને આબાદ બનાવવા હાર્દિક અનુરોધ કર્યો હતો અને માત્ર વિકાસ આપણી બધી સમસ્યાઓનો ઉકેલ છે, એમ તેમણે જણાવ્યું હતું.

જિલ્લાના પ્રભારી અને મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, રાધનપુરમાં રૂા. ૭૧૧ કરોડના ખર્ચે નહેરોના કામ સંપન્ન થવાનું છે જેનાથી પાટણ-રાધનપુરની કાયાપલટ થશે.

રાજ્યના ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી નર્મદાના નીર પહોંચે તે માટે જમીન સંપાદન અને ટેન્ડરની પ્રક્રિયા સુગ્રથિત રીતે હાથ ધરાઇ છે. રાજ્ય સરકાર દ્વારા રૂા. ૧૩૦૦ કરોડના ખર્ચે બનનાર નહેરનું કચ્છના રાપર ખાતે ખાતમુર્હૂત કરાયું છે.

રાજકોટ જિલ્લામાં મોરબી ખાતે રૂા. ૩ર૦ કરોડ, લીમડી ખાતે રૂા. ૩પ૦ કરોડના ખર્ચે નહેરોના કામ શરૂ કરાયા છે. હવે આગામી સમયમાં વલ્લભીપુરમાં રૂા. ર૦૦ કરોડના ખર્ચે કામ હાથ ધરાશે. ગુજરાત સરકાર અંદાજે રૂા. હજાર કરોડનો ખર્ચ કામો માટે કરનાર છે.

જે ખેડૂતોએ અગાઉના વર્ષે જમીન સંપાદન માટે સહયોગ આપ્યો છે તેમને નવી જંત્રી પ્રમાણે નાણાં આપવા રાજ્યના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નિર્ણય કર્યો છે. જેના પગલે રાજ્ય સરકારને રૂા. પ૦૦ કરોડનો બોજો પડયો છે પરંતુ ખેડૂતોના આર્થિક વિકાસ માટે ગુજરાત સરકાર બોજો ઉપાડીને પણ રાજ્યના ખેડૂતોનો સર્વાંગી વિકાસ કરવા કટીબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં પીવાના પાણી માટે હાથ ધરાયેલ કામગીરીનો ઉલ્લેખ કરી પાણીના કરકસરપૂર્ણ ઉપયોગ કરવા, સહભાગી સિંચાઇ વ્યવસ્થા અપનાવવા, જળસંરક્ષણના પગલાં અને જળસંચય માટે સંકલ્પ મહેસુલ મંત્રીશ્રીએ લેવડાવ્યા હતા.

આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, સૂકા ભઠ્ઠ એવા પાટણ-રાધનપુર પંથકમાં નર્મદાના નીર આવનાર છે. પાટણ જિલ્લાની ૧૧ લાખ એકર જમીનને નર્મદા નીરથી નવપલ્લવિત થશે. રાજ્યમાં અનેક સ્થળેથી ટેન્કર દ્વારા પાણી આપવાની વાતને સરકારે ભૂતકાળ બનાવી છે. પાટણ-રાધનપુર પંથકને નંદનવન બનાવવાના ધ્યેય સાથે શાખા નહેરનું ખાતમુર્હૂત કરાયું છે. માત્ર ઉત્તર ગુજરાતમાં રૂા. ૧પ કરોડનું દૂધ ઉત્પાદન થાય છે. નર્મદાના પાણી આવતા પશુપાલનના વિકાસ સાથે દૂધ ઉત્પાદન વધશે. સાથે સાથે ખેતીમાં પણ મબલખ ઉત્પાદન થશે, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં નહેરોનું કામ સંપન્ન કરવા જમીન સંપાદનનું કામ ખૂબ હકારાત્મક અને પ્રોત્સાહક રીતે હાથ ધર્યું હોવાની વિગતો તેમણે આપી હતી.

સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ શ્રી ડી. રાજગોપાલને જણાવ્યું હતું કે, સુકા પ્રદેશમાં પાણીની તંગી નિવારવા અને વિસ્તારને સતત ર૪ કલાક પાણી ઉપલબ્ધ થાય તેવા હેતુથી પ્રોજેકટ કાર્યાન્વિત કરાયો છે. શાખા નહેરથી પીવાના પાણીની સાથે ખેતી માટે પણ પાણી ઉપલબ્ધ થશે. રાજ્યમાં કેનાલની કામગીરી ર૦૧૨ સુધીમાં પૂર્ણ કરવા સરકાર કટીબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રસંગે જમીન સંપાદન પેટે નાણાં મેળવનાર કૃષિકારોએ તથા અન્ય સંસ્થાઓએ મુખ્ય મંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં રૂા. ૩પ લાખથી વધુના ચેકો અર્પણ કર્યા હતા.

મુખ્ય મંત્રીશ્રી દ્વારા ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક તથા કૃષિ-બાગાયત કીટ અને કિસાન ક્રેડીટ કાર્ડ અપાયા હતા.

પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી શંકરભાઈ ચૌધરી, ભાવસિંહભાઈ રાઠોડ, રજનીભાઈ પટેલ, ગોવિંદભાઈ પ્રજાપતિ, મફતભાઈ પુરોહિત, અનિલભાઈ માળી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી શ્રી રણછોડભાઈ રબારી, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ, દૂધ સાગર ડેરીના ચેરમેન શ્રી વિપુલ ચૌધરી, નર્મદા નિગમના ડિરેકટર શ્રી મુકેશભાઈ ઝવેરી, શ્રી વસંતભાઈ રાવલ, નર્મદા નિગમના વહીવટી સંચાલક શ્રી એસ. જગદીશન, સંયુકત વહીવટી સંચાલક શ્રી કે. શ્રીનિવાસ, જિલ્લા કલેકટર શ્રી જે. જી. હિંગરાજીયા, અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં જનસમૂદાય ઉપસ્થિત રહ્યો હતો.

ગુજરાત માહિતી બ્યુરો

morpinch1