Thursday, 29 September 2022 | Login
મોરપીંછ.કોમ - મોરપીંછ.કોમ
મોરપીંછ.કોમ

મોરપીંછ.કોમ

આગામી ૬પમા સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી રાજ્યકક્ષાના મહોત્સવ સ્વરૂપે ખેડા જિલ્લાના નડિયાદમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એમ રાજ્ય સરકારના પ્રવકતા, મંત્રીશ્રીઓ સર્વશ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વ, પ્રજાસત્તાક પર્વ જેવા રાષ્ટ્રીય પર્વો અને ગુજરાત ગૌરવ દિવસ-સ્થાપના દિન અને વન મહોત્સવને ગાંધીનગરના સરકારી કાર્યક્રમની મર્યાદિત પરંપરાની ઉજવણીમાંથી બહાર લાવીને જનતા જનાર્દનની ભાગીદારીથી જૂદા જૂદા જિલ્લાઓમાં વિકાસ અને કર્તવ્યભકિતથી રાજ્યકક્ષાના મહોત્સવ તરીકે ઉજવવાનો જે ઉપક્રમ અપનાવ્યો છે તેને ગુજરાતની જનશકિતએ અભૂતપૂર્વ ઉમંગથી પ્રતિસાદ આપેલો છે.

ગુજરાતમાં અત્યાર સુધીના સ્વાતંત્ર્ય પર્વ પાટણ(ર૦૦૩), આણંદ(ર૦૦૪), હિંમતનગર(ર૦૦પ), દાહોદ(ર૦૦૬), મહેસાણા(ર૦૦૭), પાલનપુર(ર૦૦૮), નર્મદા રાજપીપળા(ર૦૦૯) અને રાજકોટ(ર૦૧૦)માં રાજ્યકક્ષાના મહોત્સવ તરીકે ઉજવવામાં આવેલા છે અને હવે ર૦૧૧નું ૬પમું આઝાદી પર્વ રાજ્યકક્ષાના મહોત્સવ રૂપે ખેડા જિલ્લાના નડિયાદમાં ઉજવાશે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ૬પમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર ખેડા જિલ્લામાં જનશકિતની ભાગીદારીથી ઉજવાશે અને જનતા જનાર્દનના દેશભકિત અને કર્તવ્યભાવનાના ઉમંગ ઉત્સાહમાં મુખ્યમંત્રીશ્રી નડિયાદ ખાતે ૧પમી ઓગસ્ટ-ર૦૧૧ ના રોજ ધ્વજવંદન કરાવશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વસંધ્યાએ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિના ઉત્સવ સહિત સમગ્ર ખેડા જિલ્લાના ગામે-ગામ અને નગરોમાં જનભાગીદારીથી વિકાસ ઉત્સવ ઉજવવાના જનહિતના કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને સંસદીય સચિવશ્રીઓ જનસુખાકારી અને સુવિધા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે આઝાદીની લડતમાં નડિયાદ સહિત ખેડા જિલ્લાએ ભારત માતાને ગુલામીની ઝંઝીરોમાંથી મૂકત કરાવવા ઐતિહાસિક યોગદાન આપ્યું હતું અને ૬પમા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભકિત અને ભારત માતા માટે નાગરિકોમાં કર્તવ્યભાવ ઉજાગર કરવા માટેનો ગરીમાપૂર્ણ અવસર બની રહેશે.

ગુજરાત માહિતી બ્યુરો

રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે શહેરોમાં વસતા ગરીબ પરિવારોનું સુવિધાવાળા આવાસોનું સપનું સાકાર કરવા માટે શહેરી ગરીબોની કેન્દ્ર પુરસ્કૃત આવાસ યોજના (IHSDP) અન્વયે શહેરી ગરીબ લાભાર્થી દીઠ પ્રત્યેક આવાસ બાંધકામ યુનિટરૂપે રાજ્ય સરકારની રૂ. ૧૦,૦૦૦ની સહાય વધારીને રૂ. ૪પ,૦૦૦ કરવાનો મુખ્યમંત્રીશ્રીએ સ્તુત્ય નિર્ણય લીધો છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ શહેરી ગરીબોના લાભાર્થે આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, શહેરી ગરીબો માટેની આ આવાસ યોજના (IHSDP) ભારત સરકારની કેન્દ્ર પુરસ્કૃત યોજના છે અને તેમાં આવાસ દીઠ કેન્દ્રીય સહાય ૮૦ ટકા (વધુમાં વધુ રૂ. ૮૦,૦૦૦) તથા રાજ્ય સરકારની સહાય ફાળારૂપે ૧૦ ટકા તથા નગરપાલિકા અને લાભાર્થીનો ફાળો ૧૦ ટકા રાખવામાં આવ્યો છે. પ્રવર્તમાન સમયમાં એક લાખ રૂપિયાની કિંમતમાં સુવિધાવાળા પાકા મકાન બાંધી આપવાનું શકય નથી અને સુવિધાવાળા રૂ. ૧.૭૦ લાખની કિંમતના આવાસ બાંધવા માટે, હાલની કેન્દ્રીય સહાય તદ્ન અપૂરતી છે તેવી કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે રજૂઆત કરી હતી.

ગરીબ કુટુંબોને શહેરમાં પોતાના ‘ઘરના ઘર'નું સપનું પાર પાડવા માટે ગુજરાત સરકારે શહેરોમાં ર૪૭૬૯ આવાસો બાંધી આપવાનું લક્ષ્ય રાખ્યું છે તે પૂર્ણ કરવા માટે કેન્દ્રીય સહાયમાં વધારો કરવો અનિવાર્ય છે. આમછતાં ભારત સરકારે શહેરી ગરીબોના વ્યાપક હિતમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની આ રજૂઆત માન્ય રાખી નથી અને કેન્દ્રીય સહાયમાં કોઇ વધારો મંજૂર કર્યો નથી તેથી અપૂરતી કેન્દ્રીય સહાયના લીધે રૂ. ૧.૭૦ લાખની કિંમતના પાકા આવાસો બાંધવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખશ્રીઓએ શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે સમક્ષ રજૂઆત કરી હતી અને તેમની આ લાગણી શ્રી નીતિનભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રી સમક્ષ વ્યકત કરી હતી અને રાજ્ય સરકારની ખાસ સહાય વધારવાની જરૂરિયાત અનિવાર્ય ગણાવી હતી. આ સંદર્ભમાં શહેરી ગરીબોના લાભાર્થે મુખ્યમંત્રીશ્રીએ આ ઉદાત અભિગમ અપનાવીને રાજ્ય સરકારના ફાળા પેટે રૂ. દશ હજારની આવાસદીઠ સહાયમાં માતબર વધારો કરીને લાભાર્થી દીઠ રૂ. ૪પ,૦૦૦ની રાજ્યની સહાય આપવાનો નિર્ણય લીધો છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ એમ પણ જણાવ્યું કે શહેરોમાં વસતા ગરીબોને આવાસ માટેની સરકારી જમીન પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને વિનામૂલ્યે રાજ્ય સરકારે ફાળવી આપેલી છે.

રાજ્ય સરકારના આ ઉદાર નિર્ણયથી ર૪૭૬૯ જેટલા શહેરી ગરીબ કુટુંબોના સવા લાખ જેટલા પરિવારજનોને પાકા સુવિધાયુકત રૂ. ૧.૭૦ લાખની કિંમતના આવાસો ઉપલબ્ધ થશે. રાજ્યમાં હાલ શહેરી ગરીબોના આવાસોની આ યોજના માટે રાજ્ય સરકાર રૂ. ર૧ કરોડનો આર્થિક બોજ ઉપાડે છે પરંતુ રૂ. ૪પ,૦૦૦ની રાજ્ય સહાય આવાસ દીઠ આપવાના સ્તુત્ય નિર્ણયના પરિણામે આ બોજો રૂ. ૧૧૧ કરોડ ઉપર પહોંચશે એટલે કે રૂ. ૯૦ કરોડનો વધારાનો બોજ રાજ્ય સરકાર ગરીબોના વ્યાપક હિતમાં વહન કરશે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું છે કે રાજ્યમાં હાલ શહેરી ગરીબોના આવાસો માટેની આ કેન્દ્રીયકૃત યોજના (Integrated Housing & Slum Devlopment Project) હેઠળ ૧૦૧૮૩ મકાનો બાંધવાના ૧ર પ્રોજેકટ પ્રગતિમાં છે અને બીજા ર૦ નવા પ્રોજેકટમાં ૧૪પ૮૪ આવાસો બાંધવાના છે. આમ રાજ્યમાં ર૪૭૬૯ જેટલા શહેરી આવાસો ગરીબ પરિવારો માટે બંધાશે જેને રાજ્ય સરકારની ખાસ વધારાની રૂ. ૪પ૦૦૦ની સહાયનો લાભ મળશે.

શહેરી ગરીબો માટેના આ ઉદાત નિર્ણયને પરિણામે શહેરોમાં ઝૂંપડપટ્ટી સુધારણાનું ધ્યેય પણ પાર પડશે અને સવા લાખ જેટલા શહેરી ગરીબ પરિવારજનોનું રપ ચો.મી.ના પાકા સુવિધાવાળા વાળા પ્રત્યેક રૂ. ૧.૭૦ લાખની કિંમતના ઘરના ઘરમાં રહેવાનું સપનું સાકાર થશે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં શહેરીકરણ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે અને શહેરોમાં રોજીરોટી માટે વસતા શહેરી ગરીબોની સુખ-સુવિધાની પૂર્તિ માટે મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૧૩૦૦૦ કરોડની શહેરી ગરીબ સમૃધ્ધિ યોજના અમલમાં મૂકેલી છે. એટલું જ નહીં, ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબો માટે જ્યા ‘ઝૂંપડું ત્યાં મકાન'ની પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપની હાઉસીંગ સ્કીમ પણ તૈયાર કરી છે.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે ચીનના પાવર એનર્જી સેકટરમાં વિશ્વખ્યાત TBEA ટ્રાન્સફોર્મર ઇન્ડસ્ટ્રીઅલ ગ્રુપના ચેરમેન શ્રીયુત ઝાંગ ઝીન (Mr. ZHANG XIN) અને TBEA શેનયાંગ ટ્રાન્સફોર્મર ગ્રુપના ચેરમેન યે જુન (Mr. YE JUN)ની આગેવાનીમાં કંપનીના પદાધિકારીઓના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે મળીને મધ્યગુજરાતમાં વડોદરા નજીક TBEA હાઇવોલ્ટેજ પાવર ટ્રાન્સફોર્મર ઇકવીપમેન્ટ અને સોલાર એનર્જી ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપવા માટેની દરખાસ્ત રજૂ કરીને સપ્ટેમ્બર-ર૦૧૧માં પ્રોજેકટનું નિર્માણ હાથ ધરી એક જ વર્ષમાં એટલે કે સપ્ટેમ્બર-ર૦૧રમાં સમગ્ર મેન્યુફેકચરીંગ પ્લાન્ટ કાર્યરત કરવાની તત્પરતા દાખવી હતી.

TBEAના શ્રીયુત ઝાંગ ઝીન અને શ્રીયુત યે જૂને ગુજરાતના વિકાસમાં સહભાગી બનવા માટે રાજ્ય સરકારના સક્રિય અને વિધેયાત્મક સહયોગની અને નીતિવિષયક નિર્ણયોમાં ઝડપ અને પારદર્શિતાની પ્રસંશા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ચીનની TBEA કંપનીના આગમનને આવકારતાં જણાવ્યું કે ગુજરાત પાવર સેકટર અને બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો, સોલાર એનર્જી, ગ્રીન એનર્જી, વિન્ડ એનર્જીના ક્ષેત્રોમાં દેશમાં પ્રતિષ્ઠા મેળવી રહ્યું છે અને મધ્યગુજરાતમાં એનર્જી ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ હબ બની રહ્યું છે તેની ભૂમિકા આપી હતી. પાવર ટ્રાન્સફોર્મર ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ ઉપરાંત ગુજરાત પાવર એનર્જી ઇકવીપમેન્ટના મેન્યુફેકચરીંગ માટે ધરઆંગણે તથા વિદેશોમાં વિકાસ માટેનું કેન્દ્ર બની રેહવાનું છે તેમ જણાવી તેમણે શેનચાંગ પ્રોવિન્સ સાથે ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ સેકટરની ભાગીદારીની નવી ક્ષિતિજોને આવકારી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, ઊર્જાના અગ્ર સચિવશ્રી જે. પાંડિયન અને ઇન્ડેક્ષ-બી ના મેનેજિંગ ડિરેકટરશ્રી પણ ઉપસ્થિત હતા.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, ગુજરાતની કૃષિ ક્રાંતિની સફળતા અને ગામડાના ખેડૂતોની સમૃદ્ધિથી કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારની ઊંઘ હરામ થઇ ગઇ છે. ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થાય નહીં, બરબાદ થાય એ માટે ખેડૂતને ઘોર અન્યાય થાય, હેરાન-પરેશાન થાય એ માટે દિલ્હી દરબારે સોપારી લીધી છે, એમ ચેતવણી આપતાં તેમણે જણાવ્યું હતું.

‘‘ભૂતકાળમાં ખેડૂત અને ગામડા બરબાદ થતા હતા તેનું મૂળ કારણ કુદરત નહોતી રૂઠી પણ સરકારો રૂઠેલી હતી'' એનો ઉલ્લેખ કરતાં ખેડૂતોને વીજળીના તારના ઝાટકા આપીને ભૂતકાળની આઝાદી પછીની પ૦ વર્ષોની સરકારોએ ખેડૂતોની પેઢીઓને બેહાલ બનાવી દીધી તે કમનસીબ સ્થિતિનો અંત લાવવા આ સરકારે સાચી દિશામાં ખેડૂતોને સુખી કરવા કૃષિ વિકાસ અને જળસંચયનું અભિયાન ઉપાડીને ગુજરાતની ખેતી અને ગામડાંને સમૃદ્ધિના ફળો મેળવવા કર્યા છે.

અખાત્રીજથી સમગ્ર ગુજરાતમાં શરૂ થયેલો સાતમો કૃષિ મહોત્સવ રાજ્યના ૧૮,૦૦૦ ગામોમાં કૃષિ ક્રાંતિનું ઐતિહાસિક અભિયાન બની ગયો છે. મુખ્ય મંત્રીશ્રીએ કૃષિ યુનિવર્સિટીઓના ચારેય કૃષિમેળામાં ઉપસ્થિત રહીને કિસાન શક્તિના પુરૂષાર્થનું અભિવાદન કરવાનો ઉપક્રમ જાળવ્યો છે અને આજે ચોથા ચરણમાં સૌરાષ્ટ્ર પ્રદેશનો કૃષિ મહોત્સવ જૂનાગઢ જિલ્લાના સાગરકાંઠે ઉનામાં યોજવામાં આવ્યો હતો. કાઠિયાવાડની ખમીરવંતી કિસાનશક્તિ ભર તડકામાં મુખ્ય મંત્રીશ્રીનો કૃષિક્રાંતિનો સંદેશ ઝીલવા ઉમટી હતી.

મુખ્ય મંત્રીશ્રીએ કૃષિમેળાનું નિરીક્ષણ કર્યા બાદ બાયોમાસ પ્રોડકશન અંગેની લેબોરેટરી અને જુડવડલીના દૂધ શીત પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમણે પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ અને પશુપાલન ક્ષેત્રે નવા સફળ પ્રયોગો કરનારા કિસાનોનું અભિવાદન કર્યું હતું તથા વિવિધ સરકારી સહાયનું કૃષિ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું.

કૃષિ મહોત્સવને મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અને ઉમળકાનો આનંદ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આતો ગ્રામ વિકાસ માટેનું કિસાનોનું સાચું આંદોલન છે. ગયા પ૦ વર્ષમાં, આઝાદી પછી કયારેય કોઇ સરકાર, તેના મંત્રીઓ, અધિકારીઓ ખેતી માટે, ખેડૂત માટે, ખેતીની જમીન માટે, ખેતીના પાણી માટે, પશુઓ માટેના દુઃખ દર્દ દૂર કરવાની એક પણ ઘટના નથી બની. ખારોપટ, સૂકી ધરતી અને ખેતી-પશુપાલનની બેહાલીથી કચ્છ-કાઠિયાવાડના ખેડૂતોના પેઢીઓના સપના ચૂર થઇ ગયા અને પોતાના સંતાનોને હીરા ઘસવા સુરત-મુંબઇ મોકલવા પેટે પાટા બાંધતા હતા. આ જ સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ પડી ગઇ હતી અને ખેડૂત હોય કે પશુપાલક દુઃખના ડુંગર અને દેવાના બોજમાં ડૂબીને સસ્તા ભાવે જમીન વેચી જીવતર જીવવા મજબૂર બન્યો હતો. આ દૂર્દશા હતી. જેમને બાપદાદાની મિલકત-જમીન વેચી દેવી પડતી હતી તે કોના પાપે થયું એવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

આ ખોટા રસ્તેથી પાછા વળી, કિસાનને બરબાદીમાંથી ઉગારવા પહેલીવાર આ સરકારે ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અને પશુપાલન આધારિત કૃષિ અર્થતંત્રને પ્રાણવાન બનાવ્યું છે એની વિસ્તૃત ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આ સરકારે ખેડૂતને ખેતીના પાક માટે વીજળી નહીં, પાણી જોઇએ અને પાણીને પ્રેમ કરવા જળસંચયનું જનભાગીદારીથી અભિયાન ઉપાડયું. કુદરતે પણ મહેર કરી અને દશ વર્ષમાં દુષ્કાળ ડોકાયો નથી, દુષ્કાળ રાહતની સરકારની ફાઇલો બંધ થઇ ગઇ અને વરસાદના પાણીનો સંગ્રહ થતા સૂકી ધરતીમાં લીલોતરી ઉગી નીકળી છે.

આજ પ્રમાણે જમીનની સુધારણા માટે સોઇલ હેલ્થકાર્ડ આપીને જમીન બગડતી અટકાવી છે એ માટે સોઇલ હેલ્થકાર્ડ જમીનની તંદુરસ્તી માટેની જડીબુટ્ટી બની ગઇ છે. ચાર-ચાર કૃષિ યુનિવર્સિટી દ્વારા વૈજ્ઞાનિક કૃષિ સંશોધનો, વધુ ઉત્પન્ન આપતી પાકોની નવી જાતો તથા શ્રેષ્ઠ બિયારણો પુરા પાડવા છે. પરંતુ ગુજરાતના કિસાનો સુખી થાય એનાથી કેન્દ્રના દિલ્હી દરબારના પેટમાં તેલ રેડાયું છે. ખેડૂતના પ્રશ્નો ઉકેલવા અમે જે કિસાનોના દુઃખ દર્દ દૂર કરવાના પ્રયાસો કર્યા ત્યારે આ કેન્દ્રની સરકારે (નરેન્દ્ર) મોદી ક્રેડીટ લેવા માંગે છે એવો અપપ્રચાર ચલાવ્યો. પરંતુ મારે તો કિસાનને કપાસની નિકાસનો પરવાનો જોઇએ છે. ક્રેડીટ તમે લેજો, પરંતુ ગુજરાતના ખેડૂતના પેટ ઉપર પાટા મારી પોતાના જ દેશના ખેડૂતો બરબાદ થાય તેવા રાજકારણના કારસા કરશો તો ગુજરાતનો ખેડૂત સાંખી નહીં લે એવી સ્પષ્ટ ચેતવણી મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.

ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોના કપાસની નિકાસની ઉપર પ્રતિબંધ એ તો કેન્દ્રની કોંગ્રેસ સરકારના વચેટીયાઓને લાભ અપાવવા રાજ્યના ખેડૂતોને બરબાદ કરવાની અનેક પેંતરાની એક ચાલ છે, એમ તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ કૃષિ વિકાસની અદ્દભૂત સફળતા પછી હવે મૂલ્યવર્ધિત કૃષિ પેદાશો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું. ગુજરાત સરકાર ખેતીની પેદાશોનું મૂલ્યવર્ધિત રૂપાંતર કરીને વિશ્વના બજારમાં તે પહોંચે તેવા વ્યવસ્થાપનમાં ખેડૂતોની પડખે રહેશે, એમ તેમણે જણાવ્યું હતું. બટાટા, ટામેટા, દિવેલા, દૂધ જેવી અનેક ખેતપેદાશોનું મૂલ્યવૃદ્ધિ રૂપાંતરની ચિંતા કરવી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ ખેડૂતોને નિયમિત ખેતી, વૃક્ષોની ખેતી અને પશુપાલનના સંતુલિત કૃષિ વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. ખેડૂતો સાથે બેસીને ગામડા ખૂંદતા સરકારના એક લાખ કર્મયોગીઓ તપસ્યા કરીને કૃષિક્રાંતિનો યજ્ઞ કરી રહ્યા છે તેમાં હવનમાં હાડકાં નાંખવાને બદલે ગુજરાતની કૃષિક્રાંતિના અભિયાનમાં જોડાવા તેમણે આહ્વાન કર્યું હતું.

કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું કૃષિ ક્ષેત્રનું પરિણામ દીર્ઘદ્રષ્ટિથી રાજ્ય સરકારે કરેલા આયોજનની ફલશ્રુતિ છે. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે એક જ કૃષિ યુનિવર્સિટીમાંથી ચાર કૃષિ યુનિવર્સિટી બનાવી નવા સંશોધનો શરૂ કરાવ્યા અને ત્યારબાદ રાજ્યના કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો રાજ્યના ૧૮,૦૦૦ ગામડામાં ગયા અને કિસાનોને કૃષિ મહોત્સવના માધ્યમથી માર્ગદર્શન આપ્યું અને એવું ભગીરથ અભિયાન બન્યું કે દેશના અન્ય રાજ્યોનું ધ્યાન ગુજરાતના કૃષિ મહોત્સવ તરફ ખેંચાયું છે.

મુખ્ય મંત્રીશ્રીએ એક દાયકા પહેલાં ખેડૂતોની સમૃદ્ધિનું સપનું જોયું હતું અને આજે ખેતીની આવક ૯,૦૦૦ કરોડમાંથી પ૯,૦૦૦ કરોડ થઇ છે તે કૃષિ મહોત્સવ અને કિસાનોની અથાગ મહેનતનું પરિણામ છે, તેમ શ્રી સંઘાણીએ વધુમાં ઉમેર્યું હતું.

રાજ્યસભાના સાંસદ શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે, રાજ્યના કૃષિકારોની આવક બમણી કરવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્ય મંત્રીશ્રીએ છેલ્લા દશ વર્ષથી જે બીડું ઝડપ્યું છે તેના નક્કર પરિણામો સાંપડયા છે. આજે કૃષિ મહોત્સવના માધ્યમ દ્વારા રાજ્યના તમામ ગામડાઓમાં ઉનાળાના ધોમધખતા તાપમાં એક માસ સુધી આખી સરકાર કિસાનોને માર્ગદર્શન આપે છે, જેના કારણે દેશને નવો રાહ આપ્યો છે. રાજ્યના કૃષિનો વિકાસ દર ૧૧ ટકા સુધી પહોંચાડયો છે. આ સરકારે માર્કેટીંગ યાર્ડોને અદ્યતન બનાવ્યા છે અને માર્કેટીંગ યાર્ડ સુધીના માર્ગોને પાકા બનાવી ઝડપી પરિવહન સેવાઓ પુરી પાડી છે. રાજ્યમાં શાંતિ અને સલામતી છે જેના કારણે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ આજે ગુજરાતના આંગણે આવી કરોડોનું મૂડીરોકાણ કરી રહ્યા છે. શિક્ષણ જગતમાં આમૂલ પરિવર્તન લાવવા માટે કન્યા કેળવણી- શાળા પ્રવેશોત્સવે અનેરું યોગદાન આપ્યું છે જેના લીધે ડ્રોપ આઉટરેટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ ભાજપા પ્રમુખ શ્રી આર. સી. ફળદુએ જણાવ્યું કે, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યનો તમામ ક્ષેત્રે વિકાસ થઇ રહ્યો છે તેને આપણે સૌ માણી રહ્યા છીએ. ગુજરાતની ધરતી પર કૃષક સમાજમાં પરિવર્તન લાવવાનું કામ આ સરકાર કરી રહી છે. રાજ્યના ૪ર લાખ ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવા માટે ર૦૦પથી પ્રતિ વર્ષ રાજ્યમાં યોજાતા કૃષિ મહોત્સવે કિસાનોમાં અનેરી ચેતના જગાવી છે અને કૃષિકારો આજે બમણી કમાણી કરતા થયા છે. તેમણે ઉમેર્યું કે, વર્ષ ર૦૦૧માં કૃષિ ઉત્પાદન ૭ હજાર કરોડ હતું તેને આજે કૃષિ મહોત્સવ થકી પ૯ હજાર કરોડ સુધી પહોંચાડી દીધું છે. કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો રાજ્યના તમામ ગામડાઓમાં જઇને માર્ગદર્શન આપી રહ્યા છે તેનો સીધો લાભ રાજ્યના કિસાનોને મળી રહ્યો છે. કિસાનોના જીવનમાં બદલાવ લાવવાનું કામ આજે મુખ્ય મંત્રીશ્રી કરી રહ્યા છે. રાજયની તમામ જમીનોનું પૃથ્થકરણ કરનારું પ્રથમ રાજય બન્યું છે, તેના આધારિત ખેડૂતો ખેતી કરતા થયા છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે પ્રગતિશીલ કૃષિકારો, સરદાર પટેલ પુરસ્કાર વિજેતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ‘ટપક સિંચાઇ પદ્ધતિ અને તેની જાળવણી', ‘તાલુકાનું ઘડતર' અને ‘બાગાયતી પાકોના સેમિનારનું સંપૂટ' પુસ્તકોનું વિમોચન કરાયું હતું. મુખ્ય મંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રૂા. ૪.પ૧ લાખના ચેક મુખ્ય મંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ર્ડા. એન. સી. પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, રાજ્યમાં યોજાતા કૃષિ મહોત્સવે દેશ અને દુનિયાને નવો રાહ આપ્યો છે. રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા થતા સંશોધનોને મંત્રીશ્રીઓ દ્વારા જે પ્રોત્સાહન મળે તેને બિરદાવી હતી.

આ પ્રસંગે નાણા મંત્રી શ્રી વજુભાઈ વાળા, કૃષિ રાજ્ય મંત્રી શ્રી કનુભાઈ ભાલાળા, સમાજકલ્યાણ રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહીર, સંસદીય સચિવ શ્રી એલ. ટી. રાજાણી, આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદસભ્ય સર્વશ્રી દિનુભાઈ સોલંકી, નારણભાઈ કાછડીયા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી આર. સી. ફળદુ, ધારાસભ્યો સર્વશ્રી કાળુભાઈ રાઠોડ, શ્રીમતી વંદનાબેન મકવાણા, હીરાભાઈ સોલંકી, રાજશીભાઈ જોટવા, મહેન્દ્રભાઈ મશરૂ, ભગવાનજીભાઈ કરગટીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી ભાવનાબેન ચીખલીયા, ઉત્તરપ્રદેશના કૃષિ મંત્રી શ્રી લક્ષ્મીનારાયણ, મહારાષ્ટ્રના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ મહેતા, કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આર. કે. ત્રિપાઠી, પશુપાલન સચિવશ્રી ર્ડા. રાજીવકુમાર ગુપ્તા, જિલ્લા કલેકટર શ્રી એ. એમ. પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી દિવીબેન બારૈયા, તાલુકા પંચાયતોના પ્રમુખશ્રીઓ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મનસુખભાઈ માંડવીયા, વિવિધ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, કૃષિ તજજ્ઞો, અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૧મી સદીને જ્ઞાનની સદી ગણાવતા જ્ઞાનસંપદાના ઉપાસક એવા શિક્ષકની સદી બની રહેશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ર૧મી સદી જ્ઞાનની સદી છે અને ભારતની સાંસ્કૃતિક ધરોહરનો ઇતિહાસ સાક્ષી છે કે જ્ઞાનયુગમાં હિન્દુસ્તાન જ વિશ્વનું નેતૃત્વ કરે છે અને કરશે.

પ્રાંસલામાં શિક્ષક ચિન્તન શિબિરમાં શિક્ષકના કર્તવ્યધર્મ પ્રત્યે આદરભાવ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર દુનિયામાં લાખોની સંખ્યામાં ઉત્તમ શિક્ષકોની જરૂર છે અને ઉત્તમ શિક્ષકના નિર્માણ માટે ગુજરાતે પહેલ કરી છે.

સ્વામી ધર્મબન્ધુના વેદિક મિશન ટ્રસ્ટના ઉપક્રમે રાજકોટ જિલ્લાના પ્રાંસલામાં યોજાઇ રહેલી શિક્ષક ચિન્તન શિબિરમાં ગણમાન્ય શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં પ્રેરક સંબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જીવન ચારિત્ર્યના ધડતર અને જીવનની પ્રગતિમાં માતા અને શિક્ષકનો મહિમા વિશ્વસ્વીકૃત બનેલો છે.

સાંસ્કૃતિક માનવ ઇતિહાસની ધરોહરમાં ચાણકય જેવા મહાપુરૂષ, જેણે યુગ બદલાવવામાં પોતાનું સ્થાન અંકિત કર્યું તે પોતાને "શિક્ષક' તરીકે ઓળખાવવાનું ગૌરવ લેતા હતા. જો શિક્ષકનો આટલો મહિમા હોય તો ર૧મી સદી જે હિન્દુસ્તાનની સદી બનવાની છે તેમાં સાંસકૃતિક વિરાસતનો ઇતિહાસ સાક્ષી છે કે જ્ઞાનયુગનું વિશ્વમાં નેતૃત્વ હિન્દુસ્તાને જ કરેલું છે અને જ્ઞાનની ધરોહરના જ્ઞાનના ઉપાસક શિક્ષકોની જ આ જ્ઞાનની સદી રહેવાની છે.

હિન્દુસ્તાનને વિશ્વગુરૂ બનાવવામાં શિક્ષકની નિર્ણાયક ભૂમિકાને પુરસ્કૃત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે શિક્ષક આજીવન આવતીકાલનો ભાગ્ય ધડતર નિર્માતા બની રહે છે.

ગુણાત્મક શિક્ષણ વિશેના ચિન્તનને સંસ્થાગત વ્યવસ્થારૂપે સંવર્ધિત કરવાની જરૂર ઉપર ભાર મૂકતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હજારો સાલથી સંયુકત કુટુંબ સંસ્થાએ સમાજને પ્રગતિપથ ઉપર ટકાવી રાખ્યો છે. યુગ બદલાયો છે, શિક્ષણની પધ્ધતિ બદલાઇ છે, જ્ઞાન-ટેકનોલોજીનો પ્રભાવ વધ્યો છે ત્યારે આધુનિક શિક્ષણની વ્યવસ્થા સાથે શિક્ષણના મૂળ આત્મા-સત્વને અકબંધ રાખીને માનવ સંસાધનને સશકત બનાવવાની જરૂર છે-પરિવારની સંયુકત કુટુંબ પ્રથા આ સંદર્ભમાં એક યુનિવર્સિટી હતી, પરંતુ હવે કુટુંબનો વિભકત થતા બાળકના સશકિતકરણ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટીની જરૂર ઉભી થઇ છે અને દુનિયામાં પણ ગુજરાતે જ આ બાળ સશકિતકરણના વૈજ્ઞાનિક બાળશિક્ષણ માટેના વિશ્વવિઘાલય સ્થાપવાની પહેલ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.

જેમ કંપની કોર્પોરેટ સેકટરમાં IIM-IITના કુશળ માનવસંપદાની પ્રતિષ્ઠા છે એમ ગુજરાતમાં IITE જેવી ટિચર્સ યુનિવર્સિટી શરૂ કરીને ઉત્તમ શિક્ષકના નિર્માણથી આખી દુનિયાને લાખો ઉત્તમ શિક્ષકોની જરૂરિયાત પૂરી પાડે તેવું તેમનું સપનું છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ભારત પાસે જે વિશાળ યુવા માનવ સંપદા છે તેનું ઉત્તમ શિક્ષક રૂપે ધડતર કરીને દુનિયાને સંસ્કાર વિરાસતના શિક્ષકો આપવાની ક્ષમતા હિન્દુસ્તાન ધરાવે છે તે પૂરવાર કરવાનું આહ્‍વાન તેમણે આપ્યું હતું.

ગુજરાત, સ્પોર્ટસ યુનિવર્સિટી દ્વારા ઉત્તમ ખેલાડીઓ તૈયાર કરવા પ્રતિબધ્ધ છે અને આગામી ઊર્જાશકિતમાં એનર્જી પેટ્રોલિયમ સેકટર કુશળ માનવ સંસાધન શકિતના નિર્માણમાં પણ યોગદાન આપી રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કામધેનુ યુનિવર્સિટી દ્વારા વૈજ્ઞાનિક પશુઉછેર-પશુસંવર્ધન ક્ષેત્રે માનવશકિત પ્રશિક્ષણનું વિશ્વકક્ષાનું અધ્યયન વ્યવસ્થાપન ઉભૂં કરવાની ગુજરાત સરકારની નેમ વ્યકત કરી હતી.

ગુજરાતની રક્ષાશકિત યુનિવર્સિટી અને ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપનાની વિશિષ્ઠ ભૂમિકા આપતાં તેમણે જણાવ્યું કે ભારતમાં પહેલીવાર ગૂના સંશોધન ક્ષેત્રે અને સુરક્ષાના ક્ષેત્રે આધુનિક કુશળ માનવશકિતને પ્રશિક્ષિત કરવાની શરૂઆત ગુજરાતે જ કરી છે.

એન.સી.ઇ.આર.ટી.ના પૂર્વ અધ્યક્ષશ્રી જે. એસ. રાજપૂતે કહ્યું હતું કે આ દેશમાં બે પ્રકારના લોકો છે. એક નિરાશાવાદી, બીજા આશાવાદી. આશાવાદી વ્યકિત વિકાસ પરત્વે આગળ વધે છે. ગુજરાતનું નેતૃત્વ આશાવાદી હોવાથી અહીં વિકાસ થયો છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પણ ધણા નવપ્રવર્તક પગલાં લેવામાં આવ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશીના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ધણા સુધારા થયા છે. આજના યુવાનો માટે શ્રી નરેન્દ્રભાઇ મોદી આદર્શરૂપ છે.

શ્રી રાજપૂતે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, અધ્યાપક યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ આશાવાદી નેતૃત્વનું પરિણામ છે જે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ છે.

પ્રારંભમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સાફો તથા શાલ ઓઢાડીને વૈજ્ઞાનિકો શ્રી આભાષ મિત્રા, શ્રી એસ. એસ. રાવ અને શ્રી અરવિંદભાઇએ સન્માન કર્યું હતું. સંસ્થામાં વિવિધ સેવા આપનાર વ્યકિત વિશેષોનું મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

વૈજ્ઞાનિકો ડો. આભાષ મિત્રા, શ્રી રાવ, શિક્ષણવિદ શ્રી ર્ડા. જી. રવિન્દ્ર, ર્ડા. રાજેન્દ્ર દિક્ષિતનું મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ સન્માન કર્યું હતું.

આચાર્ય આદિત્ય સ્વામી અને સ્વામી શ્રી સુરેન્દ્રાનંદજીનું પણ મુખ્યમંત્રીશ્રીએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

આ પ્રસંગે રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યશ્રી પ્રવિણભાઇ માંકડીયા, કાર્યકારી જિલ્લા કલેકટરશ્રી નલીન ઉપાધ્યાય, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે. ડી. બગડા, શિબીરાર્થી શિક્ષક ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે આભારદર્શન શ્રી રાજેન્દ્ર દિક્ષિતે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રેરણાસ્ત્રોત સ્વામી શ્રી ધર્મબંધુજી મહારાજે કર્યું હતું.

કાર્યક્રમ પૂર્વે પંજાબ રાજ્યના મહિલા અને બાળકલ્યાણ મંત્રી સુશ્રી લક્ષ્મીકાંતા ચાવલાએ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા મે. મારૂતિ સુઝુકી લિ.ના અધ્યક્ષ શ્રી આર. સી. ભાર્ગવ અને મેનેજીંગ ડિરેકટરશ્રી શિંઝો નાકાનિશી (Mr. SHINZO NAKANISHI) એ ગુજરાતમાં મારૂતિ સુઝૂકી કાર મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપવા માટે ફળદાયી પરામર્શ કર્યો હતો.

હરિયાણામાં મારૂતિ-કાર ઉત્પાદક આ કંપનીએ તેના આગામી મારૂતિકાર વિસ્તરણ પ્રોજેકટની ઉજ્જવળ સંભાવના માટે ગુજરાતને પહેલી પસંદગી આપી છે. મુખ્યમંત્રીશ્રી સાથે આજે યોજાયેલી આ બેઠકમાં મારૂતિ-સુઝુકી કાર મેન્યુફેકચરીંગ પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવા માટે કરેલા અભ્યાસની વિગતો અને સંલગ્ન પાસાંઓની ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારના અભિગમને ખૂબજ સકારાત્મક અને પ્રોત્સાહક ગણાવતાં શ્રી આર. સી. ભાર્ગવે જણાવ્યું કે ગુજરાત ઉત્તમ પસંદગીનું સ્થળ છે. સૂચિત મારૂતિકાર ઉત્પાદન પ્રોજેકટ માટે પ૦૦ એકર જમીનની પ્રથમ તબક્કામાં જરૂરિયાત છે અને ૧૦ લાખ જેટલી મારૂતિકારોનું ઉત્પાદન કરનારા આ પ્રોજેકટ દ્વારા એકંદરે દોઢ લાખ જેટલી સીધી રોજગારીની તકોનું સર્જન થશે.

ગુજરાતમાં કાર ઓટોમોબાઇલ્સનું વિશાળ ભવિષ્ય ધ્યાનમાં લઇને તેમણે ઓટોમોબાઇલ્સ સેકટરમાં કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણનો પ્રોજેકટ હાથ ધરવાની પણ પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. મારૂતિ સુઝૂકી કારનો આ પ્રોજેકટ પાંચ વર્ષમાં દશ લાખ નવી કાર ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે અને વૈશ્વિક માંગને ધ્યાનમાં રાખીને બીજા તબક્કકામાં વધુ દશ લાખ મારૂતિકાર ઉત્પાદન કરવાના વિસ્તૃતિકરણની સંભાવના તેમણે દર્શાવી હતી.

ગુજરાતમાં દરિયાકાંઠાના પરિવહન માટે અને વિશ્વના બજારોમાં કાર નિકાસ માટેની બંદરીય માળખાકીય સુવિધાઓને ઉત્તમ ગણાવતાં કંપનીના અધ્યક્ષશ્રીએ મારૂતિ કારની નિકાસની સવલતોને પણ પસંદગીના ધોરણમાં કેન્દ્રસ્થાને રાખી છે તેમ જણાવ્યું હતું.

શ્રી આર. સી. ભાર્ગવે જેમ હરિયાણામાં મારૂતિકારના ઉત્પાદક પ્રોજેકટ એકમોથી આનુસંગિક ઉદ્યોગો, રોજગારલક્ષી તકો અને સામાજિક માળખાકીય સુવિધાઓનો ઝડપી વિકાસ થયો છે, એમ ગુજરાતમાં પણ કંપની આ જ દિશામાં કાર મેન્યુફેકચરીંગ પ્લાન્ટ ઉપરાંત, સ્કીલ ડેવલપમેન્ટ તથા વેન્ડર્સ પાર્ક જેવા આધુનિક સંલગ્ન પ્રોજેકટ પણ હાથ ધરશે એવી અભિલાષા વ્યકત કરી હતી.

મારૂતિ સુઝુકી કારના સૂચિત પ્રોજેકટ માટે રાજ્યમાં સ્થળની પસંદગી અને અન્ય પ્રક્રિયાઓ ત્રણેક મહિનામાં પૂર્ણ કરવાની તત્પરતા સાથે કંપની સંચાલકોએ મુખ્યમંત્રીશ્રીના વિધેયાત્મક વલણની પ્રસંશા કરી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગ અગ્ર સચિવશ્રી એમ. શાહુ અને કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે આજે યુનિસેફના ઇન્ડીયા કન્ટ્રી રિપ્રેઝેન્ટેટીવ સુશ્રી કેથેરિના હલશોફ (Ms KATHARINA HULSHOF)ની આગેવાની હેઠળના ઉચ્ચસ્તરીય યુનિસેફ પ્રતિનિધિમંડળે ગુજરાતમાં રાજ્ય સરકારના કુપોષણ નિવારણ, પ્રાથમિક શિક્ષણ અને સેનિટેશન જેવા સામાજિક સેવાઓના અભિયાનોમાં વ્યાપક ફલક ઉપર સહભાગી થવાની તત્પરતા વ્યકત કરી હતી.

યુનિસેફના સુશ્રી કેથેરિન હલશોફે ગુજરાતમાં બાળકો અને માતૃ કલ્યાણના કાર્યક્રમોમાં રાજ્ય સરકારે જનશકિતને જોડીને જે આગવી પહેલરૂપ વિશેષ સિધ્ધિઓ મેળવી છે તેની પ્રસંશા કરી હતી અને, રાજ્ય સરકારના પ્રયાસો દ્વારા જનભાગીદારીને પ્રેરિત કરવાના અભિયાનોની સફળતાને ધ્યાનમાં લઇને ર૦૧ર સુધીના લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં યુનિસેફ સક્રિય સહયોગ આપવા પ્રતિબધ્ધ છે એમ જણાવ્યું હતું.

ગુજરાત સરકારે કુપોષણને નાબૂદ કરવા માટે જે આક્રમકતા અને નિર્ધારપૂર્વકના વિવિધલક્ષી કાર્યક્રમો હાથ ધર્યા છે તેની પ્રસ્તુતિ નિહાળીને યુનિસેફ ડેલીગેશન ખૂબ જ પ્રભાવિત થયું હતું. મુખ્યમંત્રીશ્રીએ યુનિસેફના સક્રિય સહયોગને ઉમળકાભેર આવકાર આપ્યો હતો અને રાજ્ય સરકાર તથા યુનિસેફના સંકલન માટેના પ્રેરક સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં અધિક મુખ્ય સચિવશ્રી આર. એમ. પટેલ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, ઉચ્ચ શિક્ષણ અને મહિલા બાળ કલ્યાણ સચિવ શ્રીમતી જયંતિ રવી પણ ઉપસ્થિત હતા.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક જૂથ જી.એમ.આર. ગ્રુપના અધ્યક્ષશ્રી જી. એમ. રાવ અને બિઝનેસ ચેરમેન સર્વશ્રી શ્રીનિવાસ બોમ્મીડાલા અને બી. વી. એન. રાવના કંપની ડેલીગેશને ઉત્તર ગુજરાતમાં રણકાંઠે ચારણકામાં આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ સોલાર એનર્જી પાર્કમાં રપ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપી રહ્યું છે તેની વિગતો આપી હતી.

ઊર્જા અને શહેરી આંતરમાળખાકીય ક્ષેત્રે પ્રતિષ્ઠિત જી.એમ.આર. ગ્રુપનો ગુજરાતમાં આ પ્રથમ પ્રોજેકટ છે અને, રાજ્ય સરકારના પ્રોત્સાહક ઔદ્યોગિક વિકાસના અભિગમથી પ્રેરિત થઇને ગુજરાતમાં શહેરી ક્ષેત્રે માળખાકીય સુવિધા વિકાસ અને સૂર્યઊર્જાના વિકાસમાં સહભાગી બનવાની જીએમઆર ગ્રુપે તત્પરતા વ્યકત કરી હતી.

જીએમઆર ગ્રુપના અધ્યક્ષશ્રી જી. એમ. રાવે તેમની કંપનીએ દિલ્હી અને હૈદ્રાબાદના વિમાનમથકોના નિર્માણ સહિત પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે રાષ્ટ્રીય પ્રોજેકટના નિર્માણ અંગેની સિધ્ધિઓની જાણકારી પણ મુખ્યમંત્રીશ્રીને આપી હતી. ગુજરાતમાં ધોલેરા SIR અને ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રોજેકટમાં પણ તેમણે અત્યંત રસ દાખવ્યો હતો.

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગના અગ્ર સચિવશ્રી એમ. શાહુ અને ઊર્જાના અગ્ર સચિવશ્રી જે. પાંડિયન ઉપસ્થિત હતા.

ગુજરાત માહિતી બ્યુરો

રાજ્ય સરકારના પ્રવકતા, આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે દિલ્હીમાં રાષ્ટ્રપતિ મહોદયા સમક્ષ જઇને, ગુજરાત સરકાર વિરૂધ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપોનું આવેદનપત્ર આપનારા ગુજરાત કોંગ્રેસના નેતાઓને, અત્યંત આકરો અને સણસણતો પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે, કેન્દ્રની કોંગ્રેસ શાસિત યુપીએ સરકારની ભ્રષ્ટાચારી રીતિ-નીતિઓ અને કોંગ્રેસીઓના બેફામ ભ્રષ્ટાચારોના કારણે ભારતની આબરૂના દરરોજ લીરેલીરા ઉડી રહ્યા છે અને આખા દેશમાં જનતા જનાર્દનના ઉગ્ર આક્રોશથી કેન્દ્રના ભ્રષ્ટ કોંગ્રેસ શાસનના પાયા હચમચી ઉઠયા છે, ત્યારે કોંગ્રેસના નેતાઓએ ગુજરાતની નરેન્દ્રભાઇ મોદીની દેશ અને દુનિયામાં પારદર્શી અને પ્રમાણિક સરકારને બદનામ કરવા ‘‘જૂઠાણાનું ચાર્ટર'' દેશની જનતાની આગળ ધરીને, કોંગ્રેસના દિલ્હી દરબારના ભ્રષ્ટ કાળાં કરતૂતોને છાવરવાના નિષ્ફળ હવાતીયાં માર્યા છે.

તેમણે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદી વિરૂધ્ધ એક તસુભાર પણ પૂરાવો હોત તો કોંગ્રેસીઓએ કયારનાય રહેંસી નાંખ્યા હોત પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાજ્યની આ સરકાર સામે જૂઠાણાની ભરમાર ચલાવ્યા પછી પણ, જનતાને ગળે પોતાની વાત ઉતરાવી શકયા નથી કારણ કે કોંગ્રેસની રગરગમાં જૂઠાણા અને ભ્રષ્ટાચાર ખદબદે છે એટલે ગુજરાતની જનતા કોંગ્રેસ ઉપર તસુભાર પણ ભરોસો મૂકવા માંગતી નથી. આમ, કોંગ્રેસે પોતાની વિશ્વસનિયતા ગુમાવી દીધી છે એટલે હવે સીબીઆઇની દુકાન ખોલીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને સરકારની સામે ત્રાગું કરવા નીકળ્યા છે. સીબીઆઇએ કોંગ્રેસ શાસિત કેન્દ્ર સરકારના ઇશારે ગુજરાતની વર્તમાન પ્રજાકીય ચૂંટાયેલી ભાજપાની સરકાર ઉપર જૂલ્મો આચરવાના જે પેંતરા રચ્યા છે તે પણ જનતા જનાદર્નમાં સરાજાહેર છે.

મુખ્યમંત્રીશ્રી સામે એક પણ જૂઠાણાં ટકી શકયા નથી એટલે ‘હાર્યો જૂગારી બમણુ રમે' એ રીતે કોંગ્રેસી નેતાઓએ ગુજરાતની જનતાની સરીયામ ઉપેક્ષાથી, હવે દિલ્હીમાં જઇને તેના કોંગ્રેસી સર્વેસર્વાને ખૂશ કરવા અને મીડીયાની સસ્તી પ્રસિધ્ધિ મેળવવાનો આ હાસ્યાસ્પદ અને વાહિયાત કારસો રચ્યો છે, એમ બંને પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દિલ્હીમાં કેન્દ્રની કોંગ્રેસ સરકાર આખેઆખી, એક પછી એક ભ્રષ્ટાચારના ગંભીર કૌભાંડોમાં ઘેરાઇ ગઇ છે અને કેન્દ્રના મંત્રીઓને અને તેના વચેટીયાઓને જેલમાં જવાનો વારો આવ્યો છે, તેથી દેશની જનતાનું ધ્યાન બીજે દોરવા માટે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારને ઘેરવા માટે સીબીઆઇને હાથવગા હથિયાર તરીકે વાપરવા માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીને હુમલાનું લક્ષ્ય બનાવીને, મીડીયામાં પ્રસિધ્ધિ મેળવી કેન્દ્રના કોંગ્રેસી હાઇકમાન્ડને ખૂશ કરવાનો આજનો કારસો પણ નિષ્ફળ ગયો છે. કારણ, હવે દેશની જનતા પણ જાણી ગઇ છે કે દેશમાં કોંગ્રેસીઓના ભ્રષ્ટાચારોએ એવી માઝા મૂકી દીધી છે કે ભારતની આબરૂ ધૂળધાણી થઇ ગઇ છે. વિશ્વમાં એકમાત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીને જ ભ્રષ્ટાચારથી તદ્દન મૂકત એવા નિષ્કલંક અને પ્રમાણિક રાજનેતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયેલું છે ત્યારે, ગુજરાતના કોંગ્રેસીઓના ત્રાગાં કેટલાં વાહિયાત છે, તે પણ દેશની જનતાએ જાણી લીધું છે.

ગુજરાતની ભાજપા સરકારની બધી જ નીતિઓ અને વહીવટ એટલા પારદર્શક અને સ્વયંસ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર આચરવા માંગતા ભૂતકાળના કોંગ્રેસી વચેટીયાઓની દાળ ગળતી નથી. કેન્દ્રની કોંગ્રેસ સરકારે જ, ગુજરાતના પ્રશાસનિક વહીવટી સુધારા અને ગુણાત્મક પરિવર્તનની સિધ્ધિઓ માટે સંખ્યાબંધ એવોર્ડ આપેલા છે. એટલે શ્રી નરેન્દ્રભાઇ મોદી વિરૂધ્ધ રાજકીય આક્ષેપો અને બદનામીના અપપ્રચાર સિવાય કોંગ્રેસી નેતાઓ કશું જ કરી શકતા નથી એનો વસવસો કેન્દ્રની કોંગ્રેસી સરકારને થતો રહ્યો છે. અને તેનો ભોગ બનેલા ગુજરાતના કોંગ્રેસી નેતાઓ હવે, તદ્દન બેફામ અને બેજવાબદાર જૂઠાણાં ફરીથી ને ફરીથી મીડીયામાં વહેતાં કરવાની આત્મપ્રતારણામાં ઉજાગરા કરે છે.

કોંગ્રેસના મેમોરેન્ડમમાં ગાંધીનગરમાં ઉદ્યોગોને જમીનો ફાળવવામાં સરકાર સામેના ભ્રષ્ટાચારના જૂઠાણા કેટલાં બેબૂનિયાદ છે તેના દ્રષ્ટાંત રૂપે સણસણતો જવાબ આપતાં પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે, ઇન્ફરમેશન ટેકનોલોજીના વિકાસ માટે, ગુજરાતની વર્તમાન સરકારે ર૦૦૬માં જે પ્રોત્સાહક નીતિ પાંચ વર્ષ માટે અમલમાં મૂકી હતી તેમાં સરકારની પારદર્શી નીતિ અન્વયે ઉદ્યોગોને જે જમીન આપવામાં આવી તે તત્કાલિન બજાર ધોરણે રૂા. ૧૧૦૦ થી ૬૦૦૦ ચો.મી.ના ભાવે આપવામાં આવી છે જ્યારે અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આઇ.ટી. કંપનીને પૂણે, હૈદ્રાબાદ, ત્રિવેન્દ્રમ, મેંગ્લોર, ચંડીગઢ જેવા મેટ્રો મહાનગરોમાં જે જમીનો અપાઇ છે તે રૂા. ૧રપ થી પ૪૪ પ્રતિ ચો.મી. સસ્તા ભાવે અપાઇ છે. શું આ કોંગ્રેસી રાજ્યોએ ઉદ્યોગ વિકાસ માટે સસ્તી જમીન આપીને ભ્રષ્ટાચાર કર્યો છે?

કોંગ્રેસના નેતાઓ, ગુજરાતના વિકાસને કેટલા રાજકીય વિરોધી દ્વેષભાવથી તોલે છે તેનું એક બીજુ દ્રષ્ટાંત આપતાં પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે અદાણી ઇન્ડસ્ટ્રીઅલ ગૃપને તા.૩૧-૧-૯૭ના આદેશથી અને તા.૮-૧૦-૯૭ના આદેશથી તત્કાલિન રાજ્ય સરકારે રૂા. એકના ટોકન ભાવે મુન્દ્રામાં જમીનો આપી હતી તે વખતે કોંગ્રેસ સમર્થિત મુખ્યમંત્રીશ્રી કોણ હતા? શ્રી નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતા કરતાં મોટી લીટી તાણવાની ગુજરાતના કોંગ્રેસીઓમાં રતીભારની યોગ્યતા નથી અને જનતાનો ગૂમાવેલો વિશ્વાસ મેળવવાની લાયકાત પણ નથી, પરંતુ સસ્તી પ્રસિધ્ધિ મેળવવાની લ્હાયમાં, ગુજરાતના જાહેરજીવનને લાંછન લગાવવા કે ગુજરાતમાં માત્રને માત્ર જનહિતના વિકાસને વરેલી નરેન્દ્રભાઇ મોદીની બેદાગ સરકાર પર રાજકીય જૂલ્મો ગૂજારવાથી જનતાનો વિશ્વાસ મેળવી શકાવાનો નથી. ગુજરાતની જનતાએ જેમ સ્થાનિક સ્વરાજ અને પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસને જે ધોબીપછાડ આપી છે તેવી બૂરી વલે, સમય આવ્યે ફરીથી, આ જ ગુજરાતની જનતા કોંગ્રેસની કરવાની છે એમાં મીનમેખ નથી.

પ્રવકતા મંત્રીશ્રીઓએ એમ પણ જણાવ્યું કે નેનો પ્રોજેકટ નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં લાવીને ભારતના આ રાષ્ટ્રીય હિતના પ્રોજેકટને વિદેશ જતો અટકાવીને દેશહિતનું કામ કર્યું છે, અને ગુજરાતની વૈશ્વિક શાખ વધી છે, જેના પરિણામે આજે, ગુજરાત ગ્લોબલ ઓટો હબ બની રહ્યું છે તેને પણ, ગુજરાતના કોંગ્રેસીઓ શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્વેષભાવના વિરોધમાં સાંખી શકતા નથી.

શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે કોંગ્રેસી નેતાઓને સીધો પડકાર કરતા જણાવ્યું કે નેનો પ્રોજેકટ માટે ગુજરાત સરકારે જે પ્રવર્તમાન નીતિવિષયક નિર્ણયો લીધા છે તેની તુલના કરતા, નેનો પ્રોજેકટને તત્કાલિન પશ્ચિમ બંગાળ સરકારે જે લાભો આપ્યા હતા તેના કરતાં ઓછા છે, એટલું જ નહીં કોંગ્રેસી મેમોરેન્ડમમાં જે રૂા. ૯પ૭૦ કરોડની લોન ટાટા મોટર્સને નેનો પ્રોજેકટ માટે આપી તેના જૂઠાણાને કોંગ્રેસી નેતાઓ પૂરવાર કરે કે કઇ બેન્કમાંથી, કેટલા નાણાની લોન, ગુજરાત સરકાર દ્વારા કોની સહીથી આપવામાં આવી?

શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ઘોર વિરોધ કરવાના આંધળુકીયામાં, જૂઠાણા પૂરવારકરવાની જવાબદારી આ કોગ્રેસી નેતાઓએ લેવા તૈયાર છે ખરા એવો વેધક સવાલ પ્રવકતા મંત્રીશ્રીઓએ કર્યો છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ કોંગ્રેસને પડકારતાં એમ પણ જણાવ્યું કે, મેમોરેન્ડમના એકેએક જૂઠાણાનો સણસણતો પ્રતિભાવ સાવ સહેલાઇથી આપી શકાય એમ છે પરંતુ, ગુજરાતની જનતા કે દેશની જનતામાં હવે કોંગ્રેસીઓના ભ્રષ્ટાચારની દુર્ગંધ એટલી હદ સુધી પ્રસરી ગઇ છે કે ભવિષ્યમાં ભ્રષ્ટ કોંગ્રેસીઓને જનતા આગળ જ નાકલિટી તાણવી પડશે.

ગુજરાતમાં તો ખેડૂતોને પણ તેની જમીનના બદલામાં ઔદ્યોગિક વિકાસમાં ભાગીદાર બનાવવાની પહેલ આ સરકારે કરી છે ત્યારે ભૂતકાળમાં ૧૯૮૦ થી ૧૯૯પ સુધી કોંગ્રેસી શાસકોએ સસ્તા ભાવે કોને કેટલી જમીનો આપી અને તેના કેવા ભ્રષ્ટાચારો થયેલા તે સરેઆમ જનતા જાણે છે, એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત જ દેશમાં એવું રાજ્ય છે કે જેણે પારદર્શક નીતિઓ અને સુશાસન દ્વારા જનતાના કરોડો અબજોના નાણાં ભૂતકાળના ભ્રષ્ટાચારોની સરકારી રીતરસમોથી બચાવીને, વિકાસ અને સુખાકારી માટે વાપર્યા છે અને તેથી જ, ગુજરાત આજે વિકાસની આટલી ઊંચાઇએ પહોંચીને દેશ અને દુનિયાને પ્રભાવિત કરી રહ્યું છે. આ માટેનું વિઝનરી અને કુશળ નેતૃત્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બતાવ્યું છે. એકબાજુ કેન્દ્રની આખી કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર ભ્રષ્ટાચારના કાવાદાવાથી ખરડાઇ ગઇ છે તેની સામે, નરેન્દ્રભાઇ મોદીની ગુજરાત સરકારની પ્રમાણિકતા સામે રાજકીય કાદવ ઉછાળવાના ગુજરાત કોંગ્રેસના લાખ જૂઠાણાના પેંતરાથી પણ કેન્દ્રના કોંગ્રેસી શાસનના ભ્રષ્ટાચારને છાવરી શકાશે નહીં.

ગુજરાત માહિતી બ્યુરો

પમી જુનને સમગ્ર વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવે છે, આ ઉજવણીના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે અને પર્યાવરણ સરંક્ષણ બાબતે સભાન થાય તે માટે ગુજરાત્ર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમની શૂભ શરૂઆત NEPL-Landfill site પર્યાવરણ મંદિર, રીંગ રોડ, ઓઢવ ખાતેથી થશે. આ કાર્યક્રમમાં વસાહત મંડળોના પદાધિકારીઓ પર્યાવરણના સંરક્ષણ માટે શપથ લેશે તથા “Go Green at Traffic Signal” માં ભાગ લેનાર સ્‍વયંસેવકોને સ્‍મૃતિ ચીન્‍હ અપાશે.

સોસાયટી ફોર એન્‍વાયર્મેન્‍ટ પ્રોટેકશન (સ્‍વૈચ્‍છિક સંસ્‍થા) તથા શહેર ટ્રાફિક શાખાના સહયોગથી “Go Green at Traffic Signal” વિષય વસ્‍તુ સાથે પ્રથમ ચરણમાં તા.05-06-2011થી શરૂ કરી સતત છ દિવસ સુધી અલગ અલગ જેવા કે નહેરૂ બ્રીજ, મણીનગર, અનુપમ થીયેટર, વિજય ચાર રસ્‍તા નારોલ સર્કલ, જશોદા નગર સર્કલ, અંધ જન મંડળ સર્કલ, ઇન્‍કમ ટેક્ષ સર્કલ જેવા ટ્રાફિક પોઇંટ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. 5 મી જુનના રોજ સાંજે 5-00 કલાકે નહેરૂ બ્રીજ ચાર રસ્‍તાએથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ દિવસો દરમિયાન લોકોમાં ટ્રાફિક પોઇંટ ઉપર વાહન ચલાવતી વખતે જરૂરી જાગૃતિ લાવવાની કામગીરી, લોક જાગૃતિ બાબતે આંકડાકીય માહિતી અને તેનુ પૃથ્‍થકરણ તથા ચોકસ સ્‍થળે હવા પ્રદુષણ માપન અને અવાજની માત્રાની માંપણી કરાશે.

બીજા ચરણમાં આ સ્‍વૈચ્‍છિક સંસ્‍થા સાથે જુન માસના ત્રીજા અઠવાડિયા દરમિયાન ‘ઇ વેસ્‍ટ' બાબતે જાગૃતિ લાવવાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ બાબતે વેસ્‍ટના નિકાલ માટે વિવિધ જાહેર સ્‍થળે વિશેષ પ્રકારની ડસ્‍ટબીનો મુકવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ઔદ્યોગિક વસાહત મંડળમાં જાગૃતિ આવે તે માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ધી ગ્રીન એન્‍વયાર્મેન્‍ટ સર્વીસીસ કો-ઓપરેટીવ સોસાયટી લી, વટવાના સંયુકત ઉપ્રકમે સભ્‍ય યુનિટ માટે હરીફાઇનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિન' પ્રસંગની ઉજવણી માટેનું Forest: Nature at Your Service થીમને ધ્‍યાને લઇ ગ્રીનરી ડેવલપ કરનાર (પોતાની ફેકટરીમાં તથા ફેકટરી નજીક) તથા પોતાની ફેકટરીમાં સારું હાઉસ કિપીંગ રાખનાર તેમજ સારી રીતે એફલ્‍યુએટ ટ્રટીમેન્‍ટ પ્‍લાંટ ચલાવનાર યુનિટને એવોર્ડ આપવામાં આવનાર છે.

માહિતી કચેરી, ગુજરાત

morpinch1